રાજકીય પ્રભુત્વ:ગુજરાતમાં 50 બેઠક પર પાટીદારનું પ્રભુત્વ, 25 પર નિર્ણાયક ભૂમિકા, રૂપાણીની બેઠક પર પણ કડવા પાટીદાર માટે ટિકિટ મગાશે

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
જયરામ પટેલ, સિદસર ઉમિયાધામના પ્રમુખ - ફાઈલ તસવીર - Divya Bhaskar
જયરામ પટેલ, સિદસર ઉમિયાધામના પ્રમુખ - ફાઈલ તસવીર
  • સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલનું રાજકોટમાં નિવેદન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ સમાજ પોતાનું પ્રભુત્વ દર્શાવવાના પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે ગુજરાતમાં 50 બેઠક પર પાટીદારનું પ્રભુત્વ અને 25 બેઠક પર નિર્ણાયક ભૂમિકા હોવાનું કહી મહત્તમ ટિકિટ મેળવવાના પ્રયાસ કરાશે એમ કહેતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીવાળી બેઠક પર પણ પાટીદારને ટિકિટ મળે એ માટેના પ્રયાસ કરાશે, એવા વિધાનથી અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા.

પાટીદારોની છ સંસ્થાના પ્રતિનિધિઓ મુખ્યમંત્રીને મળ્યા
સિદસર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલે રાજકોટમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે લેઉવા અને કડવાનો કોઇ મુદ્દો નથી, પાટીદારોની છ સંસ્થાના પ્રતિનિધિઓ મુખ્યમંત્રીને મળ્યા હતા અને લવ-જેહાદ મુદ્દે રજૂઆત કરી હતી. આગામી ચૂંટણી અંગે તેમણે કહ્યું હતું કે દરેક સમાજને ટિકિટ માગવાનો અધિકાર છે, પરંતુ ટિકિટ આપવી કે નહીં એ પાર્ટીનો વિષય છે. ગુજરાતમાં વિધાનસભાની ગત ચૂંટણીમાં શાસક ભાજપે 50 પાટીદારને ટિકિટ આપી હતી.

આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમાશે એવાં એંધાણ
50 બેઠક પર પાટીદારનું પ્રભુત્વ છે અને 25 બેઠક પર પાટીદાર નિર્ણાયક છે. આગામી ચૂંટણીમાં મહત્તમ ટિકિટ પાટીદારોને મળે એવી રજૂઆત કરવામાં આવશે. રાજકોટની બેઠક અંગે જયરામભાઇએ કહ્યું હતું કે વિધાનસભા 69 એટલે કે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા એ બેઠક પર કડવા પાટીદારનું પ્રભુત્વ હોવાથી આ બેઠક પર પણ ભાજપ કડવા પાટીદારને ટિકિટ આપે એવી રજૂઆત આગામી દિવસોમાં કરવામાં આવશે. પાટીદાર આગેવાને ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ટિકિટનો મુદ્દો છેડતાં અને એમાં પણ પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીવાળી બેઠકની માગ થતાં આગામી દિવસોમાં રાજકારણ વધુ ગરમાશે એવાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.

વિધાનસભા-69માં પાટીદારને ટિકિટ મળે તો અન્ય બેઠકનાં સમીકરણ પણ બદલાઈ શકે છે
રાજકોટની 4 પૈકીની એક બેઠક વિધાનસભા 71 અનામત છે, જેના પર હાલમાં ભાજપના ધારાસભ્ય સાગઠિયા છે અને ફરીથી તેમની મજબૂત દાવેદારી ગણવામાં આવી રહી છે, વિધાનસભા 68મા ધારાસભ્ય તરીકે રૈયાણી, 69મા રૂપાણી અને 70મા ગોવિંદભાઈ વિજેતા બન્યા હતા. ગોવિંદ પટેલની જગ્યાએ આ વખતે કોઇ અન્ય પાટીદાર આગેવાનને ભાજપ ટિકિટ આપશે એવું નિશ્ચિત મનાઇ રહ્યું છે.

મંત્રી અરવિંદ રૈયાણી પણ 68મા મજબૂત દાવેદાર છે અને 69મા વિજય રૂપાણીની ટિકિટ કાપવામાં આવે તો લોહાણા કે બ્રાહ્મણ સમાજની કોઇ વ્યક્તિ ઉમેદવાર હોઇ શકે છે એવું માનવામાં આવી રહ્યું હતું, પરંતુ રૂપાણીવાળી બેઠક પર કડવા પાટીદારોનું પ્રભુત્વ છે અને પાટીદાર માટે ટિકિટની માગ થશે એવી જયરામ પટેલની વાત બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. વિધાનસભા 70મા પાટીદારને ટિકિટ આપવા માટે પ્રાધાન્ય અપાશે તો મંત્રી રૈયાણીની ટિકિટ પર જોખમ સર્જાય. રાજકોટની 3 થી બે બેઠક પર એટલે કે 69 અને 70માં પાટીદારને ટિકિટ મળે તો 68માં ઓબીસી સમાજના ઉમેદવારને ટિકિટના ચાન્સ ઊજળા બની શકે.

અન્ય સમાચારો પણ છે...