ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારનો નામ જાહેર થયા બાદ કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ સીટ પરથી ડો. દર્શિતા પારસ શાહને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે આ બેઠકને લઈ કોંગ્રેસનું કોકડું ગુચવાયું હતું. કડવા પાટીદાર સમાજમાંથી મનસુખ કાલરીયા અને લોહાણા સમાજમાંથી ગોપાલ અનડકટને દાવેદાર માનવામાં આવ્યા હતા. અંતે કોંગ્રેસ પાટીદાર પર કળશ ઢોળી મનસુખ કાલરિયાને ટિકિટ આપી છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં બંને સમાજના મતદારોનું પ્રભુત્વ છે. રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો માટે ફોર્મ ભરવાનો તા.14 ને સોમવારના રોજ છેલ્લો દિવસ છે.
કોણ છે મનસુખ કાલરિયા
મનસુખ કાલરિયા કડવા પાટીદાર સમાજના અગ્રણી છે. તેઓ રાજકોટના વોર્ડ નં.10ના કોર્પોરેટર રહી ચૂક્યા છે. રાજકોટ મ્યુનિ.માં વિરોધ પક્ષના ઉપનેતા પણ રહી ચૂક્યા છે. ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મનસુખ કાલરિયા વોર્ડ નં.10માં હાર્યા હતા. મનસુખ કાલરિયા રાજકોટના અગ્રણી વેપારી છે. કડવા પાટીદારની અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
અનડકટને ટિકિટ આપો તેવો સૂર ઊઠ્યો હતો
મહત્વનું છે કે, રાજકોટમાં ભાજપે કમલેશ મીરાણીની બાદબાકી કરી છે. આ તરફ હવે રઘુવંશી સમાજમાં દેખાવો કરી વિરોધ કરાયો હતો. જેને લઈ હવે કોંગ્રેસ રઘુવંશી સમાજને અને ગોપાલ અનડકટને ટિકિટ આપે તેવો સૂર ઊઠ્યો હતો. જેને લઈ શનિવારે કાર્યકરો અને પૂર્વ કોંગ્રેસના કોર્પોરેટર બહુમાળી ભવન પહોંચ્યા હતા.
સૌરાષ્ટ્રની બેઠકને લઈ ભારે ખેંચતાણ
આ તરફ સૌરાષ્ટ્રની રાજકોટ બેઠકને લઈ ભારે ખેંચતાણ વચ્ચે ભાજપ દ્વારા ટિકિટો જાહેર થઈ ચૂકી છે. જેમાં રાજકોટ-શહેરની દક્ષિણ બેઠક માટે ખોડલધામના નરેશ પટેલે રમેશ ટીલાળા માટે લોબિંગ શરૂ કર્યું હતું. જે બાદમાં હવે રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપે રમેશ ટિલાળાને ટિકિટ આપી છે. આ સાથે રાજકોટ પૂર્વમાં ઉદય કાનગડ, વિજય રૂપાણીની સીટ રાજકોટ પશ્ચિમમાં ડો. દર્શીતા શાહ અને રાજકોટ ગ્રામ્યમાં ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી છે.
પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો
અહી ઉલ્લેખનિય છે કે, રાજકોટ પશ્ચિમ બેઠક ભાજપનો વર્ષોથી ગઢ રહી છે, 1977થી 2015 સુધી મહાપાલિકામાં માત્ર પાંચ વર્ષને બાદ કરતા દરેક વખતે ભાજપ સત્તા પર રહ્યું છે, લોકસભા બેઠક પર 20 વર્ષથી ભાજપનો કબજો રહ્યો હતો. રાજકોટ પશ્ચિમ બેઠકમાં કુલ 3.14 લાખ મતદારો છે. આ બેઠકમાં સૌથી વધુ એટલે કે 72 હજાર મતદારો પાટીદાર છે. જેમાંથી 38 હજાર મતદારો કડવા પાટીદાર છે. પાટીદારો ઉપરાંત 44 હજાર બ્રાહ્મણ મતદારો, 30 હજાર વણિક સમાજના મતદારો અને 24 હજાર લોહાણા મતદારો હોવાનું આંકડા કહી રહ્યા છે. એકંદરે રાજકોટ પશ્ચિમમાં 3.14 લાખ મતદારોમાંથી 1.70 લાખ સવર્ણ મતદારો નિર્ણાયક છે. અહીં અનેક સવર્ણ મતદારો ભાજપ તરફી રહ્યા છે, જેથી આ બેઠક પર ભાજપની પકડ મજબૂત છે.
2017ની વિધાનસભા ચૂંટણીનો જંગ
ગત વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર હાર્દિક પટેલની કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. તે સમયે ભાજપના ઉમેદવાર વિજયભાઈ રૂપાણી હતા અને કોંગ્રેસ તરફથી ઇન્દ્રનિલ રાજ્યગુરુએ ચૂંટણી લડી હતી. વિજયભાઈ રુપાણીને હરાવવા અને ભાજપનો ગઢ છીનવવા માટે ઇન્દ્રનિલ રાજ્યગુરુએ પોતાની પૂર્વની બેઠક ખાલી કરીને રાજકોટ પશ્ચિમથી લડવાનો નિર્ણય લીધો હતો. આ બેઠક પરની ચૂંટણી પર આખા રાજ્યની નજર હતી. આ ચૂંટણીમાં વિજય રૂપાણીનો 53 હજાર 755 જેટલા જંગી મતોથી વિજય થયો હતો.
રાજકોટ પશ્ચિમ બેઠકનો ઈતિહાસ
આ બેઠક ભાજપ માટે એકદમ સુરક્ષિત છે. 1985થી 2002 સુધી વજુભાઈ વાળાએ આ બેઠક પર સતત જીત નોંધાવી હતી. બાદમાં 2002માં વજુભાઈએ નરેન્દ્ર મોદી માટે આ બેઠક ખાલી કરી આપી હતી અને મોદી પોતાની પહેલી ચૂંટણી અહીં માત્ર 14,728 વોટથી જીત્યા હતા. જે બાદ છેલ્લે 2012માં વજુભાઈ વાળાએ આ બેઠક પર 24,500 વોટથી જીત મેળવી હતી. જોકે 2014માં તેમને ગવર્નર બનાવવામાં આવતા વિજય રુપાણી અહીં પેટા ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે જીત મળી હતી.
આવો છે બેઠકનો ઇતિહાસ
વર્ષ | વિજેતા ઉમેદવાર | પક્ષ |
2017 | વિજય રૂપાણી | ભાજપ |
2014 (પેટાચૂંટણી) | વિજય રૂપાણી | ભાજપ |
2012 | વજુભાઈ વાળા | ભાજપ |
2007 | વજુભાઈ વાળા | ભાજપ |
2002 (પેટાચૂંટણી) | નરેન્દ્ર મોદી | ભાજપ |
2002 | વજુભાઈ વાળા | ભાજપ |
1998 | વજુભાઈ વાળા | ભાજપ |
1995 | વજુભાઈ વાળા | ભાજપ |
1990 | વજુભાઈ વાળા | ભાજપ |
1985 | વજુભાઈ વાળા | ભાજપ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.