ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા બે દિવસથી ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે.અંગત સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે રાજકોટ માટે નહીં પણ ગોંડલની સીટ માટે લોબીગ શરૂ કરી દીધું છે સૌથી પહેલા અત્યારે રાજકોટ 68 માટે સેન્સ પણ આપી ચૂક્યા છે અને તે રાજકોટમાંથી લડવું તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ હાલ સમીકરણો બદલી રહયા છે અને ખાસ વિમાન મારફતે અમદાવાદ જઈ અને અમિત શાહને મળ્યા હતા અને ગોંડલ માટે ટિકિટની માંગ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ગોંડલમાં હાલ ગોંડલ જૂથના જયરાજસિંહ જાડેજા અને રીબડા જૂથના અનિરુદ્ધસિંહ જાડેજા ટિકિટ માંગી રહ્યા છે. બંને બાહુબલી નેતાઓમાંથી કોના પરિવારને ટિકિટ આપવી તે પાર્ટી માટે પણ નક્કી કરવું મુશ્કેલ બન્યું છે ત્યારે નવો જ પાટીદાર ચહેરો ઉતારે અને બંનેને સુચના આપે કે કમળને જીતાડવાનું છે.આગામી દિવસોમાં ગોંડલની સીટ પર નવોદય સામે આવે તો નવાઈ નહીં અને ગોંડલની સીટની અંતિમ મોર નરેન્દ્ર મોદી ખુદ મારે તેવું પણ જાણવા મળી રહ્યું છે.
અમદાવાદ ખાતે તેમના એક મિત્રના ઘરે ગયા હતા: રમેશ ટીલાળા
જોકે સમગ્ર મામલે દિવ્યભાસ્કરે રમેશ ટીલાળાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે તેમણે ગોંડલ વિધાનસભાની સીટની માંગણી કરી નથી. આ ઉપરાંત તેમણે અમિત શાહ સાથે પણ કોઈ જ પ્રકારની મુલાકાત કરી નથી તેઓ અમદાવાદ ખાતે તેમના એક મિત્રના ઘરે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા અને નરેશ પટેલ અન્ય એક ધાર્મિક ફંક્શનમાં ગયા હોવાનું તેમણે જણાવ્યું હતુંઅને તેમણે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ દક્ષિણની બેઠકમાં તેમણે ઉમેદવારી નોંધાવી છે જેમાં પાર્ટી તરફથી પોઝિટિવ પ્રતિસાદ મળશે.
PM મોદીને મળવા દિલ્હી ગયા હતા નરેશ પટેલ
રાદડિયાના ગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરસભા સંબોધ્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પીએમ મોદી સાથે મુલાકાત કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. નરેશ પટેલ ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા, રમેશ મેંદપરા, દિનેશ કુંભાણી અને પ્રવીણ પટેલની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી ગયા હતા. જે બાદ અનેક અટકળો વહેતી થઈ હતી. લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે એવું તે અચાનક શું બન્યું કે નરેશ પટેલ છેક દિલ્હી મોદીને મળવા પહોંચ્યા. જોકે, આ મુલાકાત ખોડલધામના એક કાર્યક્રમના આમંત્રણ અંગે કરી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.
ગણાવી હતી ઔપચારિક મુલાકાત
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ સમયે જણાવ્યું હતું કે, 'અમારી મુલાકાત ઔપચારિક મુલાકાત હતી. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રાજકીય ચર્ચા કરવામાં આવી નહોતી અને ટિકિટની પણ માંગણી કરવામાં આવી નહોતી. પીએમ મોદીની સાથેની મુલાકાત દરમિયાન સૌરાષ્ટ્રના ઉદ્યોગ ધંધાને લગતા પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પીએમ મોદીને ખોડલધામ આવવા આમંત્રણ આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ આમંત્રણને સ્વીકાર્યું છે. તેઓ તેમનું શેડ્યુલ જોઈને અમને જણાવશે.'
રાજકોટ જિલ્લામાં રમેશ ટીલાળાનું મોટું નામ છે
જોકે, હવે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા વિધાનસભાની ચૂંટણી લડવા માંગે છે. તેઓ રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડવા માંગે છે. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાનું રાજકોટ જિલ્લામાં મોટું નામ છે. રમેશ ટીલાળા વેરાવળ શાપર ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ચેરમેન પણ છે. શાપર ગામે ખેડૂત પરિવારમાં જન્મેલા અને ખેતીથી કરિયરની શરૂઆત કરનારા ટીલાળાએ આજે 7 ઈન્ડસ્ટ્રી ઊભી કરી છે અને 1500 લોકોને રોજગારી પૂરી પાડે છે. માત્ર 10 પાસ ટીલાળા આજે અનેક દેશોમાં બિઝનેસ કરે છે.
ગત ચૂંટણીમાં ભાજપને થયું હતું મોટું નુકસાન
આપને જણાવી દઈએ કે, આ વખતે ગુજરાતના ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટી પણ છે. ત્યારે ભાજપ કોઈ જ રિસ્ક લેવા માગતું ન હોય અને શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગત વખતની ચૂંટણીમાં પાટીદાર સમાજના ગઢ સમાન અમરેલી, જૂનાગઢ, જામનગરમાં ભાજપને મોટું નુકસાન ગયું હતું અને કેટલીક તો પરંપરાગત વર્ષોથી ભાજપના ગઢ સમાન બેઠક પણ ગુમાવવાનો વારો આવ્યો હતો. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સૌરાષ્ટ્રની 22 સીટમાંથી 15 પાટીદાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. માત્ર એટલું જ નહીં આ 22 સીટમાંથી ભાજપને માત્ર 9 અને કોંગ્રેસને 13 સીટ મળી હતી.
50 બેઠક પર પાટીદાર પાવર
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજૂરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.
આ 22 બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય, 6 સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.