ચૂંટણી પહેલા શક્તિપ્રદર્શન:ગોંડલમાં ગઇકાલે પાટીદાર સમાજ એકઠો થયો, આજે ચોટીલામાં મોટી સંખ્યામાં કોળી-ઠાકોર સમાજના લોકો ઉમટી પડશે

રાજકોટ20 દિવસ પહેલા
આજે ચોટીલામાં કોળી-ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાશે તેની માહિતી કોળી સમાજના આગેવાને રાજકોટમાં માહિતી આપી

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી વિવિધ સમાજ દ્વારા શક્તિપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ગતરોજ ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની હાજરીમાં ગોંડલ ખાતે શ્રેષ્ઠીઓનાં સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ પાટીદાર સમાજનાં દિગ્ગજો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પાટીદાર સમાજનાં શક્તિપ્રદર્શન સમાન બની રહ્યો હતો. ત્યારે આજરોજ ચોટીલા ખાતે કોળી અને ઠાકોર સમાજનાં મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમાજનાં લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી સમાજની તાકાતનો પરચો આપશે.

ચોટીલામાં આજે કોળી-ઠાકોર સમાજનું મહા સંમેલન
કોળી સમાજનાં આગેવાન મુકેશભાઈ રાજપરાનાં જણાવ્યા મુજબ, ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી સમસ્ત ઠાકોર અને કોળી એકતા મિશન દ્વારા આ સરકારની પાસે ગુજરાતમાં આરક્ષિત ટકા એટલે કે અઢી કરોડ જેવી ઠાકોર અને કોળી સમાજની વસ્તી માટે 9 જેવા પ્રશ્નો અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી ચૂકી છે. આ માટે અવારનવાર આવેદન આપી અને ધરણા કર્યા છતાં સરકારે અમારી એક પણ વાત સાંભળી નથી. જે અનુસંધાને ચોટીલાનાં નેશનલ હાઇવે નજીક સમાજનાં મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકીય નેતાઓ અને સમાજનાં લોકો હાજર રહેશે
આ સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં કોળી અને ઠાકોર સમાજનાં આગેવાનો સાથે રાજકીય નેતાઓ અને સમાજનાં લોકો હાજર રહેશે. આ મહા સંમેલનમાં અમારા 9 જેટલા જે પ્રશ્નો છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. આ સંમેલન સરકાર વિરોધી છે. કારણ કે, અવારનવાર રજૂઆતો છતાં સરકાર દ્વારા અમારી ખૂબ મોટી વસ્તી હોવા છતાં એક પણ વાત સાંભળવામાં આવી નથી. જે પણ પાર્ટી અમારી તમામ 9 માગો સ્વીકારશે, કોળી અને ઠાકોર સમાજની વાત સાંભળશે તેને અમારું સમર્થન આપીશું. હાલમાં આ મામલે કોઇ પણ રાજકીય પાર્ટીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ જ રીતે જો સમાજનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થશે તો જે પાર્ટી સત્તા ઉપર આવશે તેને ઉખેડી નાંખવામાં આવશે.

જાહેર આમંત્રણ હોવાથી બાવળિયાને આમંત્રણ અપાયું નથી
રણછોડભાઈ ઉધરેજાનાં જણાવ્યા મુજબ, અમારા વિવિધ પ્રશ્નો માટે છેલ્લા 9 વર્ષમાં ભાજપ સરકારને 22 કરતા વધુ આવેદન અપાયા છે. બિનઅનામત લોકોને જે ફંડ મળે છે તેટલું અમારા સમાજને મળવું જોઈએ, પણ હજુ સુધી અપાયું નથી. જાતિ આધારિત વસ્તી ગણતરી ખરા અર્થમાં થાય તો સમાજને લાભ મળે તેમ છે. જો કે, હાલ તે મળતો નથી. સાથે સાથે 2016થી પડતર પ્રશ્નો છે જેમાં દીકરા-દીકરીઓ માટે નોકરીનાં ઓર્ડર થતા નથી. જેને લઈને આંદોલન રૂપે મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ જાહેર આમંત્રણ હોવાથી કુંવરજી બાવળીયાની સાથે સમાજનાં કોઈ પણ નેતાને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જેને સમાજની ચિંતા હશે તે ચોક્કસ આ સંમેલનમાં આવશે. અમારા પ્રશ્નો અંગે બાવાળિયાને પણ આવેદન આપી ચૂક્યા છીએ. ત્યારે હવે તેમણે આવવું કે નહીં તે તેમણે વિચારવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...