ભયના ઓથાર હેઠળના 3 દિવસ:રાજકોટના કેટલાક વિદ્યાર્થીના પાસપોર્ટ ખોવાયા છે, યુદ્ધ કરતા ભારત જવા લિસ્ટમાં નામ નહીં હોવાનો ડર વધુ હતો

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
1000 વિદ્યાર્થી ફસાયા છે, કીવ-ખારકીવમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ - Divya Bhaskar
1000 વિદ્યાર્થી ફસાયા છે, કીવ-ખારકીવમાં સ્થિતિ સૌથી વધુ ખરાબ
  • રાજકોટના 7 વિદ્યાર્થી હેમખેમ લવાયા: રશિયન ભાષા સમજવા ગૂગલનો ઉપયોગ કર્યો

યુક્રેનમાં સતત ત્રણ દિવસ ભયના ઓથાર હેઠળ ગુજાર્યા. યુક્રેનથી સૌથી પહેલી ભારત આવેલી ફ્લાઈટમાં અમને સ્વદેશ આવવાનો મોકો મળ્યો. વિદ્યાર્થીઓ સતત ઇન્ડિયન એમ્બેસીના સંપર્કમાં હતા. મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધ કરતા સૌથી વધુ ડર એ વાતનો હતો કે તેનું નામ ભારત જવાના લિસ્ટમાં છે કે નહીં? શુક્રવારે રાતે અમને એમ્બેસી તરફથી યુક્રેનથી ભારત જવાનો મેસેજ મળ્યો.

બસ લેવા આવી, માત્ર 45 મિનિટમાં જ અમે રોમાનિયા બોર્ડર પહોંચી ગયા. યુક્રેનના ચેર્નીવત્સીમાં સ્થિતિ પ્રમાણમાં સારી હતી, અમને હોસ્ટેલથી બસ લઇ ગઈ અને સીધા ફ્લાઈટમાં બેઠા. યુક્રેનમાં સ્થિતિ એટલી ખરાબ હતી કે અમને લેવા આવેલી ફ્લાઈટ પણ જોખમી ઝોનમાંથી પસાર થઇને ભારત આવી છે. યુક્રેનના કીવ અને ખારકીવના વિદ્યાર્થીઓની સ્થિતિ સૌથી ખરાબ છે ત્યાં કેટલાક વિદ્યાર્થીઓના પાસપોર્ટ પણ ખોવાઇ ગયા છે તેઓ હાલ એમ્બેસીના સંપર્કમાં છે. યુક્રેનમાં અનેક દેશના વિદ્યાર્થીઓ ફસાયા છે, પરંતુ પોતાના વિદ્યાર્થીઓને સ્વદેશ લાવનાર ભારત સૌથી પહેલો દેશ છે.

અમને ખુશી છે કે સૌથી પહેલી બેચ અને ફ્લાઈટમાં અમે ભારત આવી ગયા પરંતુ હજુ પણ 1 હજારથી વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે. યુક્રેનમાં મોટાભાગના લોકો રશિયન ભાષામાં જ વાત કરતા હતા, અંગ્રેજી બહુ ઓછા લોકો જાણતા હતા જેના લીધે અમારે પણ ઓનલાઈન ભાષાંતર કરીને તેમની સાથે સંવાદ કરવો પડતો. એક બેચમાં 240 વિદ્યાર્થીને ફ્લાઈટમાં લાવવામાં આવી રહ્યા છે. અમે શનિવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા ત્યાંથી અમદાવાદ અને રાજકોટ પહોંચ્યા. આ આપવીતી યુક્રેનથી રાજકોટ આવેલા 7 વિદ્યાર્થીએ વર્ણવી હતી. ઓમ સંજીવભાઈ જાની, ક્રિશાંગ વિશ્વેસભાઈ મહેતા, જેન્સી સંજયકુમાર ભેટારિયા, ભવ્ય વિપુલભાઈ ચગ, વોરા ધારા (ગોંડલ) , હેપ્પી ભાલાણી, દામિની રાઠોડ (જસદણ) રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટ કલેક્ટર કચેરીએ આવી પહોંચેલા બાળકો માતા-પિતાને ભેટી પડ્યા હતા અને ભાવુક દૃશ્યો સર્જાયા હતા.

યુક્રેનમાંથી પરત ફરેલી જેન્સીના પિતા સંજયકુમાર ભેટારિયા પોતાની દીકરીને ભેટીને રડી પડ્યા હતા અને જાણે કહી રહ્યા હતા કે ખમ્મા ઘણી મારી દીકરીને.
યુક્રેનમાંથી પરત ફરેલી જેન્સીના પિતા સંજયકુમાર ભેટારિયા પોતાની દીકરીને ભેટીને રડી પડ્યા હતા અને જાણે કહી રહ્યા હતા કે ખમ્મા ઘણી મારી દીકરીને.

50 કિ.મી. દૂર થતા બ્લાસ્ટ હોસ્ટેલમાં સંભળાતા હતા
હું મેડિકલની પાંચમા વર્ષની સ્ટુડન્ટ છું અને અમે યુક્રેનના ચેર્નિવત્સીમાં રહીએ છીએ. જ્યારથી યુદ્ધ શરૂ થયું ત્યારથી જ અમે લોકો ખૂબ ભયભીત હતા. 50 કિલોમીટર દૂર થતા બોમ્બ બ્લાસ્ટના અવાજ અમારી હોસ્ટેલ સુધી સંભળાતા હતા. હજુ અમારા ઘણા મિત્રો ફસાયા છે પરંતુ અમને આવવા મળ્યું તેની ખુશી છે. - હેપ્પી રમેશભાઈ ભાલાણી, વિદ્યાર્થિની

હવે MBBSનો અભ્યાસ અહીં રહીને ઓનલાઈન કરીશું
યુક્રેનમાં અમારા શહેરમાં સ્થિતિ કાબૂમાં હતી, પરંતુ સૌથી વધુ કીવ અને ખારકીવમાં વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ છે તેઓ હજુ પણ મેટ્રો ટનલમાં અને બંકરમાં છે. યુદ્ધના લીધે હાલ અમારો અભ્યાસ બંધ છે. સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી જેમ કોરોનામાં ઓનલાઈન હતું તેમ અહીં રહીને જ ઓનલાઈન MBBSનો અભ્યાસ કરવો પડશે. - ધારા વોરા, વિદ્યાર્થિની

સપ્તાહ પૂર્વે જવાનું કહી દેવાયું હતું
23મીએ યુદ્ધ શરૂ થયું પરંતુ વિદ્યાર્થીઓને તેના સપ્તાહ પહેલા જ કહી દેવાયું હતું કે, સ્થિતિ ખરાબ થવાની સંભાવના છે. જે વિદ્યાર્થીને પોતાના દેશમાં જવું હોય તે જઈ શકે છે, પરંતુ અમે રાહ જોઈ રહ્યા હતા કે સત્તાવાર મેસેજ મળે પછી નિર્ણય લઈએ. એમ્બેસીએ ખૂબ મદદ કરી. - જેન્સી ભેટારિયા, વિદ્યાર્થિની

આર્મીના લોકો અમને મારે છે
સુત્રાપાડામાં રહેતા વરસિંગભાઈ ખીમાભાઈ બામણીયાનો પુત્ર વિરાજ હાલ રોમાનીયા બોર્ડર પર બે દિવસથી આવી પહોંચ્યો છે. આ અંગે પિતાને ઓડિયો ક્લિપ મોકલી હતી. જેમા પિતાને કહ્યું હતું કે, જમવાનું કંઈ મળતું નથી. આર્મીનાં જવાનો માર મારતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

કલેક્ટરે કહ્યું, અન્યની માહિતી મળે તો આપજો
યુક્રેનથી હેમખેમ પરત ફરેલા વિદ્યાર્થીઓને તેમના સંપર્કમાં અન્ય કોઈ વિદ્યાર્થીઓ હોય તો તેમની માહિતી પણ આપવા જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા જણાવાયું હતું, જેથી તેઓને પણ ખૂબ ઝડપથી ભારત પરત લાવી શકાય. કલેક્ટરે કહ્યું હતું કે, આજે વધુ 8 વિદ્યાર્થી દિલ્હીથી રાજકોટ આવશે.

અન્ય સમાચારો પણ છે...