તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જંગ:રાજકોટ આવતા મુસાફરોના રેન્ડમ કોરોના ટેસ્ટ થશે: ST, એરપોર્ટ, રેલવે સ્ટેશને ચેકિંગ

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આવન જાવન કરતા મુસાફરોનું મનપા સ્ક્રીનિંગ અને એન્ટિજન ટેસ્ટ કરશે
  • રેલવે, એસ.ટી. અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરી અંગે માર્ગદર્શન અપાયું
  • શંકાસ્પદ દર્દીઓના RT-PCR ટેસ્ટ કરાવાશે

રાજકોટ શહેરમાં આવન જાવન કરતા મુસાફરો કોરોના સંક્રમણ ન ફેલાવે તે માટે રાજકોટ મનપાએ એસ.ટી., રેલવે અને એરપોર્ટ ઓથોરિટીના અધિકારી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં આવન જાવન કરતા મુસાફરોનું રેન્ડમ કોરોના ટેસ્ટ કરવા, સ્ક્રીનિંગ કરવા અને તમામ મુસાફરોનું તાપમાન ચેક કરવા અંગે રણનીતિ તૈયાર થઇ હતી. એસ.ટી. અને રેલવે સ્ટેશન પર મંગળવારથી જ આ કામગીરી શરૂ થશે અને એરપોર્ટ પર જ્યારે ફ્લાઇટ આવશે ત્યારે મનપાના કર્મચારીઓ આરોગ્યલક્ષી પરીક્ષણ માટે ત્યાં હાજર રહેશે.

મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, એસ.ટી.માં પ્રતિ દિવસ 700 જેટલી બસ ટ્રિપ ઓપરેશનમાં છે અને 10 હજાર જેટલા મુસાફરોની આવન જાવન થાય છે. બસ 60 ટકા ક્ષમતા મુજબ ચલાવવામાં આવે છે. બસમાં કંડક્ટરને થર્મલ ગન અપાય છે, મુસાફરે માસ્ક પહેર્યું હોય તો જ પ્રવેશ અપાય છે. એસ.ટી.માં આવતા મુસાફરોના આરોગ્યની ચકાસણી માટે મનપાની ટીમ તૈયાર કરી છે અને મંગળવારથી કામગીરી શરૂ થશે. આ ઉપરાંત રેલવેમાં ઓખા-પુરી (ખુદારો) ટ્રેન મંગળવારે આવે છે તેથી તેના મુસાફરોનું પણ પરીક્ષણ કરવામાં આવશે. મુસાફરોનું રેન્ડમ એન્ટિજન કિટથી કોરોના ટેસ્ટ પણ કરાશે.

રાજકોટમાં અઠવાડિયામાં 12 ફ્લાઈટ અવરજવર કરશે અને સરેરાશ 2000 જેટલા પેસેન્જરોની અવરજવર થશે. જેમાં તમામ મુસાફરોના સ્વાસ્થ્યની તકેદારી લેવામાં આવશે અને આવશ્યકતા અનુસાર જે તે મુસાફરોના એન્ટિજન ટેસ્ટિંગ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી અને મનપાના કર્મચારીઓ આવતા-જતા તમામ પેસેન્જરોનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવશે તેમજ પેસેન્જરને શરદી, ઉધરસ, તાવ છે કે નહીં તે પણ ચકાસવામાં આવશે. જો કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાશે તો તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવશે. જો સામાન્ય લક્ષણ હશે તો હોમ ક્વોરન્ટાઈન અને વધુ બિમારી હશે તો હોસ્પિટલમાં સારવારમાં આપવામાં આવશે. રાજકોટ – મુંબઈ દરરોજ ફ્લાઈટ સેવા શરૂ થઇ છે અને 18 સપ્ટેમ્બરથી રાજકોટ – દિલ્હી ફ્લાઈટ સેવા પણ ચાલુ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી પેસેન્જરોનું લિસ્ટ અગાઉથી રાજકોટ મહાનગરપાલિકાને આપવામાં આવશે તેમજ મનપા લિસ્ટમાં સામેલ પેસેન્જરને ઘરે પણ આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવશે.

ખાનગી બસમાં પણ સ્ક્રીનિંગ થશે, સેનિટાઇઝર રખાશે
રાજકોટ શહેરમાં આવતી ખાનગી બસમાં પણ મુસાફરોના સ્વાસ્થ્ય અંગે ચેકિંગ કરવા મનપાએ ખાનગી બસ એસોસિએશન સાથે બેઠક કરી હતી. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ખાનગી બસમાં પણ સેનિટાઇઝરની વ્યવસ્થા કરવા સૂચના આપી છે અને ટેમ્પરેચર ગનથી મુસાફરોનું તાપમાન ચેક કરવા, ઓક્સિમીટરથી ઓક્સિજન લેવલ ચેક કરવા પણ ખાનગી બસ સંચાલકો સહમત થયા છે.

અન્ય સમાચારો પણ છે...