રાજકોટ સત્તાનો સંગ્રામ LIVE:જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો.ચોવટીયા ભાજપમાં જોડાયા,કહ્યું: 'કોંગ્રેસમાં ઉમેદવારની ટિકિટ વેચાય છે'

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.દિનેશ ચોવટીયાએ ભાજપમાં સત્તાવાર પ્રવેશ કર્યો - Divya Bhaskar
ડો.દિનેશ ચોવટીયાએ ભાજપમાં સત્તાવાર પ્રવેશ કર્યો

ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી અને જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડો. દિનેશ ચોવટીયાએ ચૂંટણી પહેલા ભાજપમાં પ્રવેશ કર્યો હતો. તેમણે આજે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ખેસ પહેરી ભાજપમાં સત્તાવાર પ્રવેશ કર્યો હતો. જ્યાં તેમણે મીડિયાને જણાવ્યું હતું કે,મેં બે વર્ષ પૂર્વે જ કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડી તમામ હોદા પરથી રાજીનામું આપ્યું હતું.કોંગ્રેસ પક્ષમાં સિનિયરોની અવગણના થાય છે અને ઉમેદવારની ટિકિટ વેચાય છે. એટલે જ હું ભાજપમાં જોડાયો છું

2017ની વિધાનસભાની ચૂંટણીમાં હાર મળી હતી
ડિસેમ્બર 2017ની વિધાનસભાની ચૂંટણી સમયે ડો.દિનેશ ચોવટીયા રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પરથી ભાજપના ગોવિંદ પટેલ સામે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેમાં તેમને હાર મળી હતી. વર્ષ 2017માં પાટીદાર અનામત આંદોલનની અસરના કારણે કોંગ્રેસ દ્વારા પાટીદાર આગેવાનોને મેદાને ઉતારવામાં આવ્યા તેમાના એક હતા. દિનેશ ચોવટીયા કોંગ્રેસના સિનિયર આગેવાનની સાથોસાથે લેઉવા પાટીદાર સમાજના સૌથી મોટા ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રહી ચૂક્યા છે. વર્ષ 2010થી 2017 સુધી તેઓ ટ્રસ્ટના ટ્રસ્ટી હતા અને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા તેઓએ ટ્રસ્ટમાંથી રાજીનામું આપ્યું હતું.

કોટડાસાંગાણીમાં AAPના 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
વિધાનસભાની ચૂંટણી પૂર્વે પક્ષ પલ્ટાની શરૂઆત થઇ ચુકી છે. આજ રોજ રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી ખાતે આમ આદમી પાર્ટીના 200થી વધુ સક્રિય કાર્યકર્તાઓ એક સાથે કોંગ્રેસમાં જોડાયા અને આપના ખેસ રસ્તા પર ફેંકી આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો છે. આજે આ તમામ લોકો સાથે મળી વિધાનસભા 71 રાજકોટ ગ્રામ્ય બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર સુરેશ બથવાર સાથે જોડાઇ કોંગ્રેસને મદદ કરશે.

આપના ખેસ રસ્તા પર ફેંકી કોંગ્રેસમાં જોડાયા
આપના ખેસ રસ્તા પર ફેંકી કોંગ્રેસમાં જોડાયા

ભાજપના નેતાઓનો આજથી સૌરાષ્ટ્રમાં ઝંઝાવાતી પ્રચાર
આજથી સૌરાષ્ટ્રમાં ભાજપના રાષ્ટ્રીય અને ગુજરાતના દિગ્ગજ નેતાઓ પ્રચારમાં ઉતર્યા છે. મોરબી શહેર અને જિલ્લામાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સભા કરશે. યોગી આદિત્યનાથ રાજકોટ એરપોર્ટથી મોરબી જવા રવાના થયા હતા. આજે રાજકોટમાં પણ રાજકોટ પૂર્વ બેઠકના ઉમેદવાર ઉદય કાનગડ માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, રાજકોટ દક્ષિણ બેઠકના ઉમેદવાર રમેશ ટીલાળા માટે સી.આર. પાટીલ અને રાજકોટ પશ્ચિમ બેઠકના ઉમેદવાર ડો.દર્શિતા શાહ માટે ગોરધન ઝડફિયા સભા યોજશે.

યોગી આદિત્યનાથ મોરબી પ્રચાર માટે આવ્યા.
યોગી આદિત્યનાથ મોરબી પ્રચાર માટે આવ્યા.

રાજકોટની 8 બેઠક પર 65 ઉમેદવાર વચ્ચે જંગ ખેલાશે
રાજકોટ શહેર અને જિલ્લાની 8 બેઠક પર કુલ 65 ઉમેદવારો ચૂંટણી લડશે. રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવાર છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં કુલ 13 ઉમેદવાર છે. રાજકોટ દક્ષિણ બેઠકમાં કુલ 8 ઉમેદવાર મેદાને છે. રાજકોટ ગ્રામ્ય વિધાનસભામાં કુલ 11 ઉમેદવારો મેદાને છે. જસદણ બેઠક પર 6 ઉમેદવાર અને ગોંડલ બેઠક પર 4 ઉમેદવાર છે. જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં કુલ 8 ઉમેદવાર અને ધોરાજી વિધાનસભા બેઠક પર કુલ 7 ઉમેદવાર મેદાને છે.

સી.આર. પાટીલ આજે રાજકોટ પ્રચાર માટે આવશે.
સી.આર. પાટીલ આજે રાજકોટ પ્રચાર માટે આવશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પણ રાજકોટ આવ્યા
આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્મા રાજકોટ આવી પહોંચ્યા હતા અને રાજકોટ આવી તેમને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મોરબીમાં બનેલી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં ભાજપ સરકારની સંડોવણી હોવાનું અને રાજકોટમાં મહાનગરપાલિકાના બે અધિકારીઓ ભાજપના કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. સરકારી મિલકતો જેવા કે ઇલેક્ટ્રિક વીજપોલ ઉપર ભાજપના હોર્ડિંગ્સ બેનર લગાવવામાં આવ્યા છે. જેમની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લેખિત માગ ઈલેક્શન કમિશન પાસે કરવામાં આવી છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રકવક્તા આલોક શર્માએ મીડિયાને સંબોધન કર્યું.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રકવક્તા આલોક શર્માએ મીડિયાને સંબોધન કર્યું.

ગુજરાત મોડલને 2-સી મોડલ ગણાવ્યું
આલોક શર્માએ જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરતા પૂર્વે જનતા મોરબીના પુલની દુર્ઘટનાને યાદ રાખી મતદાન કરે તેવી મારી અપીલ છે. આ છે ગુજરાતનો વિકાસ મોડલ. આ જ ગુજરાતનું 2-સી મોડેલનું ઉદાહરણ છે. 2-સી એટલે કે કમિશન અને કરપ્શન ગુજરાતમાં આ ભાજપની સરકાર છે. જનતા હવે જાગશે નહીં તો મોરબી જેવી દુર્ઘટના વારંવાર બનતી રહેશે.

જસદણમાં પંજાબના આમ આદમી પાર્ટીના નેતાઓના ધામા.
જસદણમાં પંજાબના આમ આદમી પાર્ટીના નેતાઓના ધામા.

જસદણમાં આપના ઉમેદવારના પ્રચાર માટે પંજાબના નેતાઓ ઉતર્યા
જસદણ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તેજશ ગાજીપરાના સમર્થનમાં પ્રચાર અર્થે પંજાબના નેતાઓના ધાડેધાડા ઉતરતા નગરજનોમાં ભારે કુતુહલ સર્જાયું છે. હાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા પંજાબના નેતાઓને સાથે રાખી જસદણ શહેર અને પંથકમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ તકે પંજાબના નેતાઓ દ્વારા એક તક આપને તેવી વાત સાથે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને પ્રચાર દરમિયાન જસદણના મતદારો દ્વારા તેજશ ગાજીપરાને જંગી બહુમતિથી વિજય અપાવવાની ખાતરી પણ આપવામાં આવી રહી છે. જો કે આગામી તા.8 ડિસેમ્બરે કોણ ઉમેદવાર બાજી મારી જાય છે તેના પર સૌની મીટ મંડાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...