વીડિયો વાઇરલ:રાજકોટ મ્યુનિ.ના પાર્કિંગ કોન્ટ્રાક્ટરની લાલીયાવાડી, 5 રૂપિયાને બદલે 20 રૂપિયાની માગણી, કારચાલક સાથે રકઝક કરી અંતે 10 રૂપિયામાં પતાવટની કોશિશ કરી!

રાજકોટ3 મહિનો પહેલા
કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ કારચાલક પાસેથી 5ના બદલે 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ માગ્યો હતો.
  • કારચાલકે વિરોધ દર્શાવતા અંતે તેને જવા દેવામાં આવ્યો
  • 5 રૂપિયાનું બોર્ડ છતાં 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવે છે
  • 5 રૂપિયાના બદલે 20 રૂપિયાની માગણી નિયમ વિરૂ્દ્ધ, કડક કાર્યવાહી કરાશેઃ મેયર

રાજકોટ મનપાના પાર્કિંગ કોન્ટ્રાક્ટરની લાલીયાવાડી સામે આવી છે. યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં કાર પાર્કિંગ માટે 5 રૂપિયાનો ચાર્જ હોવાનું બોર્ડસ માર્યુ હોવા છતાં કોન્ટ્રાક્ટર કર્મચારી કારચાલક પાસેથી 5ના બદલે 20 રૂપિયાની માંગ કરી રહ્યો છે. બાદમાં કારચાલક સાથે રકઝક કરે છે અને અંતે 10 રૂપિયા માગે છે. છતાં કારચાલક 5 રૂપિયા ચાર્જ છે તો 10 કેમ આપું તેમ કહેતા અંતે કર્મચારી તેને જવા દે છે. આ આખી ઘટનાનો વીડિયો કોઇ જાગૃત નાગરિકે પોતાના મોબાઇલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે.

ઘણી જગ્યાએ કારચાલકો 20 રૂપિયા દઇ જતા રહે છે
કોન્ટ્રાક્ટર બેઝ કર્મચારી કારના પાર્કિંગ ચાર્જના 5ના બદલે 20 રૂપિયા માગે છે. પરંતુ કારચાલક તેને શેના 20 રૂપિયા આપું, ચાર્જ તો 5 રૂપિયા છે. બાદમાં કર્મચારી કોન્ટ્રાક્ટરને ફોન કરે છે અને 10 રૂપિયા માગે છે પણ કારચાલક ના પાડે છે અને અંતે કારચાલકને જવા દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આવી રીતે તો ઘણા કારચાલકો 20 રૂપિયા આપીને જતા રહેતા હશે. યાજ્ઞિક રોડ પરના સર્વેશ્વર ચોકમાં કારચાલકે 20 મિનીટ કાર રાખી હોવાનું વીડિયોમાં થતી વાતચીતમાંથી જાણવા મળે છે. પરંતુ પાર્કિંગ ચાર્જ 20 રૂપિયા આપવાનું કર્મચારી કહેતા કારચાલક વિરોધ દર્શાવે છે.

કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ કારચાલક સાથે રકઝક કરી.
કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીએ કારચાલક સાથે રકઝક કરી.

વીડિયોમાં કર્મચારી અને કારચાલક વચ્ચે થતી વાતચીત

કર્મચારીઃ મોટા ભાઈ અમારે ટેન્ડર પ્રમાણ ચાલતું હોય છે.

કારચાલકઃ મને બોર્ડ બતાવો, કેટલો ચાર્જ આપવાનો એ કહો.

કર્મચારીઃ 20 રૂપિયા, અમે મનપાને ફરિયાદ અને અરજી કરી છે, એટલે નવા બોર્ડ લાગી જશે.

કારચાલકઃ અમે 5 રૂપિયા દેશું.

કર્મચારીઃ 5 રૂપિયામાં કંઇ ન આવે.

કારચાલકઃ જે લખ્યું હશે તે અમે દેશું.

કર્મચારીઃ 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે.

કારચાલકઃ 5 રૂપિયા લખેલા છે તો 20 રૂપિયા કેવી રીતે માગી શકો.

કર્મચારીઃ ક્યારની તમારી ગાડી પડી છે, 20 રૂપિયા આપવાના થશે.

કારચાલકઃ 20 મિનીટ થઇ હજી તો, કેમ 20 જ લ્યો છે બધા પાસેથી.

કર્મચારીઃ 20 રૂપિયા જ ચાલે છે, અમારા હેડ સાથે વાત કરાવી દઉં.

કારચાલકઃ મારે મનપામાં વાત કરવી છે.

કર્મચારીઃ કેટલો ટાઇમ થયો કાર મૂકી એને.

કારચાલકઃ 20 મિનીટ થઇ.

કર્મચારીઃ 10 રૂપિયા લાવો.

કારચાલકઃ 5 જ દેવા છે જે થતા હોય તે.

કર્મચારીઃ જવા દ્યો વાંધો નહીં.

કર્મચારીએ કોન્ટ્રાક્ટરને ફોન કર્યા બાદ કારચાલકને જવા દીધો.
કર્મચારીએ કોન્ટ્રાક્ટરને ફોન કર્યા બાદ કારચાલકને જવા દીધો.

નિયમ વિરૂદ્ધ જનાર કર્મચારી અને એજન્સી પર પગલા લેવાશેઃ મેયર
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, આજે પાર્કિંગ ચાર્જ મામલે વીડિયો વાઇરલ થયો છે. તેમાં કર્મચારી 5 રૂપિયાના બદલે 20 રૂપિયાની માગણી કરે છે. આથી કર્મચારી અને એજન્સીને રૂબરૂ બોલાવ્યા છે અને પેનલ્ટી અને કડકમાં કડક કાર્યવાહી કરીશું. આ નિયમ વિરૂદ્ધ છે. લોકોની જાણ માટે જ 5 રૂપિયા ચાર્જના સાઇન બોર્ડ લગાવ્યા છે. લોકોને મારી અપીલ છે કે, 5 રૂપિયા ચાર્જ છે તે તેટલા જ રૂપિયા ચૂકવજો.

અન્ય સમાચારો પણ છે...