આક્ષેપ:પરિણીતાનો આપઘાત, પતિએ પતાવી દીધાનો પિતાનો આક્ષેપ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકતા સોસાયટી પાસે બનેલો બનાવ

શહેરના જામનગર રોડ પરાપીપળિયા નજીક પરિણીતાએ આપઘાત કર્યા બાદ મૃતકના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરતા બનાવ આત્મહત્યાનો કે હત્યાનો તે જાણવા પોલીસે મૃતકનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી છે.પરાપીપળિયા પાસે આવેલી એકતા સોસાયટી 25 વારિયામાં રહેતી બેના વિપુલ કાનાણી નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવ બાદ જાણ થતા 108ની ટીમ દોડી આવી હતી. તેમની તપાસમાં પરિણીતાનું મોત નીપજ્યાનું જાહેર કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતા મૃતક પરિણીતાના પિયરના લોકો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પુત્રીના ગળામાં નિશાનો જોવા મળતા પિતા ઉજાભાઇ દેવાભાઇ પરમારે જમાઇ વિપુલે જ પુત્રીને ફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધાનો આક્ષેપ કર્યો છે. અગાઉ જમાઇ વિપુલ પુત્રી બેનાને માર મારી ત્રાસ આપતો હતો. જેને કારણે પુત્રી પાંચ વખત રિસામણે પણ આવી હોવાનું મૃતકના પિતાએ પોલીસને જણાવ્યું છે.

મૃતકના પરિવારજનોએ આક્ષેપ કરતા બેનાબેને ફાંસો ખાધો કે ફાંસો આપી પતાવી દેવાઇ તે કારણ જાણવા પેનલ ડોક્ટર્સ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવડાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ બનાવનું સાચું કારણ બહાર આવશે. મૃતકના લગ્ન દસ વર્ષ પહેલા થયા હતા.

અન્ય સમાચારો પણ છે...