તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાસરિયાનો ત્રાસ:રાજકોટમાં ‘તને સારી રસોઈ બનાવતા આવડતું નથી, તું મને ગમતી નથી, છૂટાછેડા આપી દે’ કહી પરિણીતાને ત્રાસ

રાજકોટ4 મહિનો પહેલા
પ્રતીકાત્મક તસવીર.
  • પતિ, સાસુ-સસરા, દાદાજી અને દાદીજી વિરૂદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી

રાજકોટ શહેરના નવા થોરાળાની સર્વોદય સોસાયટીમાં રહેતી પરિણીતા વૈશાલીબેન ભરતભાઈ ખીમસુરીયાએ પતિ ભરત ખીમસુરિયાં, સસરા મનસુખભાઇ, સાસુ મનીષાબેન, દાદાજી સસરા રામજીભાઈ દેવજીભાઈ ખીમસુરિયા અને દાદીજી સાસુ કંકુબેન વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન 22 મે 2017ના રોજ થયા હતા. છેલ્લા બે વર્ષથી સત્યમ પાર્ક પાછળ આવેલા ક્રિષ્ના પાર્કમાં રિસામણે રહુ છું. આઠેક મહિના સારી રીતે રાખ્યા બાદ મારા પતિએ તને સારી રસોઈ બનાવતા આવડતું નથી, તું મને ગમતી નથી, છૂટાછેડા આપી દે, મારી સામે બોલવું નહિ તેમ કહી ત્રાસ આપવાનું ચાલુ કર્યુ હતું. આ અંગે મારા સાસુ-સસરાને વાત કરતા તેઓએ થોડો સમય સહન કરવાનું કહ્યું હતું.

પતિનું વર્તન નહિ બદલાતા જોવડાવવા જવું છે તેમ કહેતા
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, બાદમાં ક્યાં જાવ છો, ક્યારે આવશો તેમ પૂછતાં રાડો પાડતા અને ગુસ્સો કરતા સાસુને કહેતા તારામાં જ વાંધો છે તું સહન કર તેવું કહેતા હતા. મારા સસરાએ લગ્ન માટે રૂપિયા ઉધાર લીધા હોય જે પૈસા માંગતા મેં મારા પિતાને વાત કરતા મકાન વેચી તેઓને પૈસા આપ્યા હતા. પતિનું વર્તન નહિ બદલાતા જોવડાવવા જવું છે તેમ કહેતા. પરંતુ હું જોવડાવવામાં માનતી નહીં હોવાથી મેં સાથે જવાની ના પાડી હતી.

હું માત્ર બે જોડી કપડાં સાથે લઈને માવતરે જતી રહી
દાદાજી સસરા અને દાદીજી સાસુ પણ ઘરમાં કંઇ ઝગડો થાય તો મારો જ વાંક કાઢતા અને મેણાંટોણાં મારતા હતા. દાદીજી સાસુ તારી જીભને કારણે તું હેરાન થાય છે, તને કંઇ આવડતું નથી, તારા હાથમાંથી બધી વસ્તુ પડી જાય છે, તેવા મેણાં મારતા હોવાથી મારાથી ત્રાસ સહન નહિ થતા મેં માવતરિયાને બોલાવી ઘરે જવાનું કહેતા મારા સસરાએ પહેરેલા દાગીના પણ કઢાવી લીધા હતા અને હું માત્ર બે જોડી કપડાં સાથે લઈને માવતરે જતી રહી હતી. સમાધાન નહિ થતા અંતે તમામ સામે શારીરિક-માનસિક ત્રાસ આપી કરિયાવાર હડપ કરી લેવા અંગે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...