ફરિયાદ:પરિણીતાએ પતિ, નણંદના ત્રાસથી આપઘાત કર્યો’તો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક માસ પૂર્વે ઝેર પી પરિણીતાએ જિંદગી ટૂંકાવી હતી
  • વડાળી રહેતા મૃતકના પિતાની પોલીસ ફરિયાદ

એક મહિના પહેલા ઝેરી દવા પી પરિણીતાએ કરેલા આપઘાતના બનાવ બાદ મૃતકના પિતાએ જમાઇ, જમાઇની બહેન અને તેના ભાણેજ સામે આપઘાતની ફરજ પાડવાની ફરિયાદ નોંધાવી છે. વડાળી ગામે રહેતા કેશુભાઇ તળશીભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં, પુત્રી હેતલના લગ્ન દસ વર્ષ પહેલા રાજકોટના નવલનગર-9માં રહેતા જયેશ પોપટભાઇ રોજાસરા સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન પુત્રીને સંતાનમાં પુત્ર-પુત્રી છે.

પુત્રી હેતલને લગ્નના થોડા સમય બાદ જ પતિ સહિતના સાસરિયાઓ ત્રાસ આપતા હોય પુત્રી અવારનવાર પિયર આવતી રહેતી હતી. અને પુત્રી હેતલ કહેતી કે પતિ મને ખાવાનું આપતો નથી, તમે મને રાશન મોકલતા હતા તે રાશન નણંદ જયશ્રીને પતિ આપી દેતા અને નણંદ જયશ્રી યેનકેન પ્રકારે ઝઘડો કરી માર મારી મેણાં મારતી હતી. એટલું જ નહિ નણંદ જયશ્રીનો દીકરો વિશાલ પણ ગાળો આપી તું અહીં આવતી જ નહિ તું તારા પિયરમાં જ રહેજે તેમ કહી ઝઘડો કરતો હોવાની વાત કરી હતી. જેથી પુત્રી હેતલને થોડો સમય પિયરમાં રહેવાનું ત્યાં વાતાવરણ શાંત થઇ જાય પછી તારે સાસરે જતું રહેવાનું તેમ કહી સમજાવતો હતો.

દરમિયાન ગત મહિને તે ફરી પિયર આવી હતી. થોડો સમય રોકાયા બાદ તેને સાસરે જવાનું કહેતા પુત્રી હેતલ સાસરે ગઇ હતી. બાદમાં પતિ સહિતના સાસરિયાઓના અનહદ ત્રાસથી કંટાળી તા.5-7ના રોજ બપોરના સમયે પુત્રી હેતલે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. માલવિયાનગર પોલીસના પીએસઆઇ બી.બી.રાણાએ આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...