ફરી ઉઠ્યો ફી માફીનો મુદ્દો:રાજકોટમાં RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની માંગ, ફી માફી આપો નહીંતર અપક્ષ ચૂંટણી લડીશું, જે ફી માફ કરશે તેને ટેકો આપીશું

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જનજાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મળેલી વાલીઓની બેઠકની તસવીર. - Divya Bhaskar
જનજાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મળેલી વાલીઓની બેઠકની તસવીર.
  • જનજાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આજે વાલીઓની બેઠક
  • લોકડાઉન બાદ ધંધા રોજગાર પાટા પર ચડ્યા ન હોવાથી ફી ભરવી મુશ્કેલ છે

રાજકોટમાં ફરી એક વાર સ્કૂલ ફી માફીનો મુદ્દો ઉઠ્યો છે. શહેરમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કૂલ ફી સંપૂર્ણ માફ કરવાની માંગ કરવામાં આવી છે.જનજાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આજે વાલીઓની બેઠક મળી હતી.જેમાં રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી આપવા માંગ કરી હતી. તેમજ વાલીઓએ આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો અપક્ષ ચૂંટણી લડવાની ચીમકી ઉચ્ચારી છે. તેમજ જે પક્ષ ફી માફ કરવા તૈયાર થશે તેમને ટેકો જાહેર કરશે.

જનજાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મળેલી બેઠકમાં ઉપસ્થિત રહેલા વાલીઓની તસવીર.
જનજાગૃતિ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ મળેલી બેઠકમાં ઉપસ્થિત રહેલા વાલીઓની તસવીર.

વિદ્યાર્થીઓની ફી સરકાર અથવા કોર્પોરેશન ભરેઃ વાલીઓ
હાલ રાજ્ય સરકાર દ્વારા 25 ટકા ફી માફી આપવામાં આવી છે, જ્યારે વાલીઓ છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ ફી માફી આપવાની સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. જો સરકાર આ વખતે સંપૂર્ણ ફી માફીની માંગ નહિ સંતોષે તો આગામી ચૂંટણીઓમાં વાલીઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે તેવી ચીમકી આપી હતી. એટલું જ નહીં જે પક્ષ ફી માફી કરવા તૈયાર થશે, તેમને ટેકો જાહેર કરવામાં આવશે. તો બીજી તરફ વાલીઓનું કહેવું છે કે, લોકડાઉન બાદ ધંધા રોજગાર પાટા પર ચડ્યા નથી, જેથી ફી ભરવી મુશ્કેલ છે. સરકારે સરકારી સ્કૂલોના શિક્ષણનું સ્તર સુધારવાની જરૂર છે અથવા તો રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફી સરકાર અથવા કોર્પોરેશન ભરે.

શું છે ફી, ઓનલાઈન શિક્ષણ અને વાલીઓ વચ્ચેનો વિવાદ
છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રાજ્યના શાળા સંચાલકોએ ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓ પાસે ફી લેવાનું શરૂ કર્યું હતું. આ મામલે અનેક વાલીઓએ સરકારમાં રજૂઆતો કરી હતી પરંતુ સરકાર પણ ચૂપ બેઠી હતી. જ્યારે વાલીઓ બિચારા બનીને સંચાલકોના દબાણમાં ફી અને ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરી હતી. શાળા સંચાલકો દ્વારા ફી માટે ભારે દબાણ થતા કેટલાક વાલીઓએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈકોર્ટમાં થયેલી આ અરજી પર સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરકાર કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શિકાને અનુસરશે. વાસ્તવિક રીતે સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ સ્કૂલ ફી લઇ શકશે નહીં. પ્રાઇમરીમાં બાળકો માટે રીસેસ સાથેના બે સેશન રાખવા તાકીદ કરી છે. ત્યાર બાદ રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણય બાદ ખાનગી સ્કૂલોએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરી દેવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ 27 જુલાઈથી ફરી ઓનલાઇન એજ્યુકેશન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

ફી માફીમાં છુપાવાયેલી હકીકત, આ વર્ષે ફી 25% ઘટશે, આવતા વર્ષે 35% વધશે
લગભગ 4 મહિના પહેલા ગુજરાત સરકારે બુધવારે CBSE, IB, ICSE, CSE સહિતની રાજ્યની તમામ ખાનગી શાળાઓને ફીમાં 25%નો ઘટાડો કરવાનો આદેશ આપ્યો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે વાર્ષિક ફીમાં 25 ટકાનો ઘટાડો કરવા શાળા-સંચાલકો સંમત થયા હતા. જોકે 25 ટકા ફી માફીની જાહેરાત આ વર્ષ માટે ક્ષણિક આનંદ આપી શકે છે, પરંતુ આવતા વર્ષે વાલીઓએ 35 ટકા વધારે ફી ભરવાની તૈયારી રાખવી પડશે, કારણ કે સ્કૂલો આ વર્ષે ફી માફીને આવનારા વર્ષે સ્કૂલની વાર્ષિક ખોટ બતાવીને એફઆરસીમાંથી વધુ ફી પાસ કરાવશે, જેથી એકંદરે આવતા શૈક્ષણિક વર્ષે વાલીઓએ 35 ટકા વધુ ફી વધારાની તૈયારી રાખવી પડશે. જે વાલીઓએ સ્કૂલમાં ફી જમા કરાવી દીધી છે તેવા વાલીઓને ફી મજરે આપવાની રહેશે.