રાજકોટ ક્રાઇમ ન્યુઝ:કોઠારીયા ચોકડી પાસે બેકાબુ બાઇકે રોડ ક્રોસ કરતા પરિવારને અડફેટે લેતા માતા-પિતા ઘવાયા, 7 વર્ષીય બાળકનું મોત

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર

રાજકોટ શહેરના ગોંડલ રોડ અને કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ધૂમ બાઇક સવારે રોડ ક્રોસ કરતાં બાળક સહિત ત્રણ વ્યકિતને ઠોકરે લેતા બાળકનું મોત નિપજતાં પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે. શહેરના કોઠારીયા ચોકડી બાયપાસ રોડ પર ગણેશ સોસાયટીમાં રહેતા હાજાભાઇ માંડાભાઇ જીલરીયા (ઉ.વ.53) તથા તેની પત્ની જયાબેન (ઉ.વ.50) અને રોનક દિપકભાઇ કાનગડ (ઉ.વ.7) આજે ઘર પાસે પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે પુરપાટ બાઇક ચાલકે ઠોકરે લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા રોનકનું મોત નિપજતા પોલીસે બાઇક સ્વાર સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

રામપર બેટી ગામે રહેતાં શ્રમિકનું મોત
રામપર બેટી ગામે રહેતાં શ્રમિકનું મોત

કુવાડવા હાઇવે પર ટ્રક નીચે સુતેલા શ્રમિક પર ટ્રકનું વ્‍હીલ ફરી વળ્યું
કુવાડવા ગામમાં હાઇવે પર કોઇ ટ્રક ઉભો હોઇ તેની નીચે રામપર બેટી ગામે રહેતાં અને કચરો વીણવાની મજૂરી કરતાં મેઘાભાઈ લાલાભાઇ ભાટી (ઉ.વ.45) સુઇ ગયા હતાં. આ અંગે ટ્રક ચાલક અજાણ હોઇ તેણે ટ્રક ચાલુ કરી હંકારી મુક્‍યો હતો અને જેમાં નીચે સુતેલા મેઘાભાઇના માથા પર વ્‍હીલ ફરી વળતાં કમકમાટી ભર્યુ મોત નિપજ્‍યું હતું. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના PSI જે. કે.પાંડાવદરાએ ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો છે.

સંતકબીર રોડ પર બેફામ ગતિએ આવતા ટ્રકે બાઈકને અડફેટે લેતા દંપતી ખંડિત
રાજકોટના જીવરાજ પાર્ક પાસે શ્રી દર્શન એવન્યુ એપાર્ટમેન્ટમાં ફ્લેટ નંબર.102માં રહેતા અને હરીપર પાસે આવેલી ફેકટરીમાં પ્રાઈવેટ નોકરી કરતાં અનિલભાઈ સાવજીભાઈ કંટેસરિયા (ઉ.વ.55)ગઈકાલે તેના પત્ની પ્રજ્ઞાબેન (ઉ.વ.50)ને બાઈક પાછળ બેસાડી ઘરેથી કુવાડવા ગામમાં રહેતા નણંદના ઘરે બેસવા જતા હતા. ત્યારે આજી ડેમથી જુના માર્કેટીંગ યાર્ડ તરફ સંતકબીર રોડ પર નાલા પાસે પુરપાટ ઝડપે આવેલા અજાણ્યા ટ્રકના ચાલકે તેને બાઈક સહિત અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં પ્રજ્ઞાબેન અને તેના પતિ અનિલભાઈ રસ્તા પર ફંગોળાઇ જતા પ્રજ્ઞાબેનને ગંભીર ઈજા થતા તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જયાં તેને મૃત જાહેર કર્યા હતા. જયારે તેના પતિને સામાન્ય ઈજા થઈ હતી. બનાવ અંગે આજી ડેમ પોલીસના PSI એચ.બી.ગઢવી અને મેહુલભાઈએ આ અંગે મૃતકના પતિ અનિલભાઈની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

જેતલસર ગામે પત્તાં ટીચતાં 10 જુગારી ઝડપાયા, 7.16 લાખનો મુદામાલ કબ્જે
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની ક્લ્બ પર રૂરલ LCBની ટીમે દરોડો પાડી રોકડ 1.14 લાખ મળી કુલ 7.16 લાખનો મુદામાલ કબ્જે કરી 10 આરોપીની ધરપકડ કરી છે. જેતપુર તાલુકાના જેતલસર ગામની સીમમાં જુગારની ક્લ્બ ચાલતી હતી જેની ચોક્કસ બાતમી રૂરલ LCB ટીમને મળતા પોલીસે દરોડો પાડી સ્થળ ઉપરથી વાડી માલિક સાથે રાજકોટ અને જામનગરના 10 જુગારીઓની ધરપકડ કરી તેની પાસેથી રોકડ 1.14 લાખ મળી કુલ 7.16 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં બે દિવસમાં બીજી મોટી ક્લ્બ LCB દ્વારા ઝડપી પાડવામાં આવતા સ્થાનિક પોલીસ સામે સવાલો ઉભા કરી રહી છે.

10 જુગારીઓ ઝડપાયા
10 જુગારીઓ ઝડપાયા

ચાલુ ટ્રક પરથી નીચે પટકાતા યુવકનું મોત
રાજકોટ શહેરના પેડક રોડ પર ધારેશ્વર સોસાયટીમાં રહેતા જયરાજસિંહ લખધીરસિંહ જાડેજા (ઉ.વ.24) આયસર ટ્રકના પાછળના ભાગે બેસીને આવતો હતો ત્યારે કોઠારીયા અને ખોખડદળ ગામ વચ્ચે ચાલુ ટ્રક પરથી નીચે પટકાતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે પણ અકસ્માતે મોત અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહિલાએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
રાજકોટના સરસ્વતીનગર શેરી નં. 8માં રહેતા નંદુબેન દેવજીભાઇ દુલેરા (ઉં.વ.50)એ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો ઘરે આવ્યા ત્યારે તેને લટકતા જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. જે બાદ 108માં જાણ કરતા 108ના ઇએમટીએ તપાસ કરતા નંદુબેનનું મોત નીપજ્યું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા તાલુકા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક નંદુબેન અપરિણીત હતા તે તેના ભત્રીજા સાથે રહેતા હતા. તેણે ક્યાં કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...