ફિયાસ્કો:ઈ-મેલમાં પેપર મોકલવાનો ફિયાસ્કો, 87% પ્રશ્નપત્ર રૂબરૂ જ મોકલવા પડ્યા

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમર્સ સિવાયના પ્રશ્નપત્ર પણ યુનિવર્સિટી ઓનલાઈન ન મોકલી શકી
  • ​​​​​​​પરીક્ષાના દોઢ કલાક પહેલાં જ કેન્દ્ર પર પ્રશ્નપત્ર પહોંચ્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો બુધવારથી પ્રારંભ થયો છે ત્યારે અગાઉ યુનિવર્સિટીએ કોમર્સ ફેકલ્ટી સિવાયના તમામ પ્રશ્નપત્ર ઓનલાઈન મોકલવાની જાહેરાત કરી હતી. કારણ કે કોમર્સમાં એકાઉન્ટના પેપર 14 પાનાના હોવાથી ઓફલાઈન મોકલવા પડે તેમ હતા પરંતુ બુધવારે કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં પણ ઓનલાઈન પેપર મોકલવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરીક્ષા વિભાગ નિષ્ફળ રહ્યો હોય એમ 87% વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઓફલાઈન જ મોકલવામાં આવ્યા હતા જ્યારે માત્ર અમુક જ ફેકલ્ટીમાં ઓનલાઈન પેપર મોકલાયા હતા. સવારે 10.30 કલાકે પરીક્ષા શરૂ થવાની હતી તેના દોઢ કલાક પહેલા એટલે કે 9થી 9.15 કલાક દરમિયાન તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર પેપરના પેકેટ પહોંચાડી દેવાયા હતા.

બીસીએમાં પહેલા દિવસે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઈનિંગનું પેપર લેવાયું હતું જ્યારે બીએસસીમાં મેથેમેટિક્સનું પેપર લેવાયું હતું. યુનિવર્સિટીની પરીક્ષાના પહેલા દિવસે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવામાં આવી હતી. પેપરમાં કોઈપણ પ્રકારની ભૂલ કે પ્રિન્ટિંગ મિસ્ટેક ન હતી. યુનિવર્સિટીએ પરીક્ષાના એકથી દોઢ કલાક પહેલા જ પરીક્ષા કેન્દ્રો ઉપર પેપર પહોંચાડી દીધા હતા. સૌથી વધુ બી.કોમ સેમેસ્ટર 3 રેગ્યુલરના 21759 વિદ્યાર્થી અને એક્સટર્નલના 1012 વિદ્યાર્થી, બીસીએ સેમેસ્ટર-3ના 4823, બીબીએ સેમેસ્ટર-3ના 3893, બીએસસી સેમેસ્ટર-3ના 3379 અને એમ.કોમ સેમેસ્ટર-3 એક્સટર્નલના 2329 અને રેગ્યુલરના 1194 વિદ્યાર્થી નોંધાયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આર્કિટેક્ચર, હોમસાયન્સ, લો, પરફોર્મિંગ આર્ટસ, મેનેજમેન્ટ, સાયન્સમાં બીએસસી આઈટી, આર્ટસમાં બીએ આઈડીના પેપર પરીક્ષા કેન્દ્રો પર ઓનલાઈન મોકલવામાં આવ્યા હતા જોકે આ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ખૂબ ઓછી છે. જ્યારે બાકીના તમામ પેપર ઓફલાઈન મોકલાયા હતા. યુનિવર્સિટીએ પરીક્ષાના એકથી દોઢ કલાક પહેલાં જ સુરક્ષિત રીતે પેપર પહોંચાડ્યા. આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાથી એક દિવસમાં માત્ર એક જ પેપર લેવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...