રાજકોટ સોની બજારમાંથી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) દ્વારા ચેકિંગ હાથ ધરાતા ખોટું કરનારા જ્વેલર્સમાં ગભરાટ ફેલાઇ જવા પામ્યો હતો, આ તકે દરોડાની ગંધ આવી જતા કેટલીક દુકાનોના શટર પડી જતા ફરી ટીમને ધરમનો ધક્કો થયાનો મુદ્દો સોની બજારમાં ચર્ચાસ્પદ બન્યો હતો.
સોની બજારમાં કેટલાક વેપારીઓ દ્વારા હોલમાર્ક કાયદાનો ભંગ સંબંધિત ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ગણગણાટ વચ્ચે બીઆઇએસ અધિકારીઓની ટીમ સોની બજારમાં ચેકિંગઅર્થે પહોંચી હતી. બીઆઇએસની ટીમ સમયાંતરે આ પ્રકારે ચેકિંગ કરી સેમ્પલ એકત્રિત કરવાની કાર્યવાહી કરતી જ હોય છે, દરમિયાન શુક્રવારે ટીમ જે વિસ્તારમાં ચેકિંગ કરવા જવાની હતી ત્યાં કેટલીક દુકાનોના શટર પાડી દેવામાં આવતા હાલ ટીમને ધક્કો થયો હોઇ, ફરી ચેકિંગ હાથ ધરાઇ તેવા નિર્દેશો મળી રહ્યા હોવાનું ઝવેરી બજારના સૂત્રોએ જણાવ્યું હતું. આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, દરોડાની વાત લીક થઇ ગઇ હોય તેમ કેટલાક વેપારીઓએ દુકાન ખોલવાનું જ માંડી વાળ્યું હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.
જોકે તપાસ થઇ ન શકતા હાલ ગેરરીતિની બાબત સામે આવી નથી, પરંતુ એક તબક્કે શંકા દૃઢ બની હોવાની ચર્ચા હતી. ઉલ્લેખનીય છે કે, મોટેભાગે હોલમાર્ક કાયદાનો અમલ થાય જ છે પરંતુ છતાં છાનેખૂણે હોલમાર્ક વગરના દાગીનાનું પણ વેચાણ થતું હોવાની પ્રબળ શંકા કેન્દ્ર સ્થાને રાખીને સમયાંતરે બીઆઇએસ દ્વારા ચેકિંગ હાથ ધરાતું હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.