રાજકોટના બે આર્ટિસ્ટે જણાવી ‘છેલ્લો શો'ની અજાણી વાતો:'પાન નલિને સૌરાષ્ટ્રનાં 350 બાળકમાંથી 6ની પસંદગી એકપણ ડાયલોગ બોલાવ્યા વગર કરી'

રાજકોટ8 દિવસ પહેલાલેખક: શુભમ અંબાણી

ઓસ્કાર અવૉર્ડનું નામ સાંભળીને દરેક સિનેપ્રેમી ગર્વથી ઝૂમી ઊઠે છે, કારણ કે ઓસ્કારમાં સિલેક્ટ થનારી ફિલ્મોમાં ઉત્તમ દિગ્દર્શન, સબળ સ્ક્રીનપ્લે અને અસરકાર અભિનયનું સંમિશ્રણ જોવા મળે છે. એટલે જ સિનેમાની દુનિયામાં ઓસ્કારમાં સિલેક્ટ થનારી ફિલ્મની ટીમ ધન્યતાનું સર્વોચ્ચ શિખર સર કર્યાની લાગણી અનુભવે છે. હવે આ શિખર પર મૂળ ગુજરાતી અને હોલીવૂડ ફિલ્મોના જાણીતા દિગ્દર્શક પાન નલીને બનાવેલી ગુજરાતી ફિલ્મ 'છેલ્લો શો' ઓસ્કારમાં પહોંચી છે. તેમની ફિલ્મને ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મની કેટેગેરી ભારતમાંથી સત્તાવાર નામાંકન મળ્યું છે. ત્યારે દિવ્ય ભાસ્કર રાજકોટના હિતેશભાઈ સિનરોજા અને અલ્પેશ ટાંકની વાત તમારી સમક્ષ લઈને આવ્યું છે... જેમણે આ ફિલ્મના શુટીંગમાં અને આ ફિલ્મમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેમના જણાવ્યા અનુસાર ડિરેક્ટર પાન નલીને સૌરાષ્ટ્રના 350 બાળકોમાંથી 6ની પસંદગી એક પણ ડાયલોગ બોલાવ્યા વગર કરી હતી.

સૌરાષ્ટ્રમાં ફિલ્મના ઓડિશનની મેં વ્યવસ્થા કરી આપી: હિતેશભાઈ સિનરોજા
આ ફિલ્મમાં ‘ભાગ મિલ્ખા ભાગ’, ‘દિલ્હી 6’, ‘લાઈફ ઓફ પાઇ’ અને તાજેતરમાં આવેલી વેબ સિરીઝ ‘બંદીશ બેન્ડ’ના કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકરના આસિસ્ટન્ટ તરીકે કામ કરનાર રાજકોટના જાણીતા નાટ્યકાર હિતેશભાઈ સિનરોજાએ દિવ્ય ભાસ્કરે તેમના શૂટીંગ અંગેના અનુભવોને જણાવ્યા હતા. હિતેશભાઈએ કહ્યું હતું કે, હું છેલ્લા 30 વર્ષથી લેખન, દિગ્દર્શન અને અભિનયના ક્ષેત્ર સાથે જોડાયેલો છું. છેલ્લા 10 વર્ષથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કામ કરું છું. ‘છેલ્લો શો’ ફિલ્મ માટે મને પાન નલિન સરનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, તેઓ તેમના જ જીવન પરથી એક ફિલ્મ બનાવવા માગે છે અને એ માટે તેમણે સૌરાષ્ટ્રમાં શૂટીંગ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેમના કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકર રાજકોટમાં આવશે અને મારે તેમને શૂટીંગ અંગેની સવલતો અને ઓડિશન માટે કલાકારોની વ્યવસ્થા કરી આપવાની હતી.

બાળકોનું ઓડિશન લેતા હિતેશભાઈ સિનરોજા.
બાળકોનું ઓડિશન લેતા હિતેશભાઈ સિનરોજા.

ઓડિશનની આ પદ્ધતિ તદ્દન અલગ હતી
હિતેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, નલિન સર સાથે વાત થઈ ત્યારબાદ દિલીપ શંકર અને નલીન સરની ટીમ રાજકોટ ખાતે આવી હતી. જ્યાં તેમણે એક અલગ જ પ્રકારની કલાકારોનું ઓડીશન કર્યું હતું. સામાન્ય રીતે ફિલ્મ ટીવી સિરીયલ કે વેબ સિરીઝના ઓડિશનમાં કલાકારોને એક સ્ક્રીપ્ટ આપવામાં આવે છે અને તેને અનુસરીને કલાકારોએ કેમેરાની સામે પરફોર્મ કરવાનું હોય છે. ત્યારબાદ તેમનું સિલેક્શન થાય છે. જ્યારે નલીન સર અને દિલીપ શંકરની શૂટીંગ કરવાની અને ઓડિશન લેવાની પદ્ધતિ તદ્દન અલગ હતી. તેમણે ઓડિશન માટે આવેલા દરેક કલાકારોને એક મુવમેન્ટ એક દ્રશ્ય આપ્યું હતું. કલાકારે પોતાની સુઝબુઝથી એ દૃશ્ય પરફોર્મ કરવાનું હતું. જેમાં રાજકોટમાંથી એક વ્યક્તિનું સિલેક્શન થયું હતું.

'છેલ્લો શો' ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકર સાથે હિતેશભાઈ સિનરોજા અને અન્ય કલાકારો.
'છેલ્લો શો' ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકર સાથે હિતેશભાઈ સિનરોજા અને અન્ય કલાકારો.

350થી વધુ બાળકોનું ઓડિશન લીધું
હિતેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મના અન્ય પાત્રો માટે અમે સૌરાષ્ટ્રભરના ગામડાઓમાં ગયા હતા અને ત્યાંથી 350 કરતા વધુ બાળકોનું ઓડિશન લીધું હતું અને તેમાંથી ફિલ્મમાં મુખ્ય 6 બાળકોનું સિલેક્શન થયું હતું. ઓડિશનનો અનુભવ મારા જીવનનો યાદગાર અનુભવ હતો. કારણ કે જેટલા પણ કલાકારોએ ઓડિશન આપ્યું તે દરેકે સ્ક્રિપ્ટનું અનુસરણ કર્યા વગર અભિનય કર્યો હતો અને નલીન સરને એવા જ કલાકારોનું કાસ્ટિંગ કરવું હતું જે મૌલિક અભિનય કરતા હોય અને તેના કારણે ફિલ્મ નિખરી ઊઠે છે.

કાસ્ટિંગ ડિરેક્ટર દિલિપ શંકર દ્વારા દરેક બાળકોને એક મૂવમેન્ટ આપવામાં આવી હતી.
કાસ્ટિંગ ડિરેક્ટર દિલિપ શંકર દ્વારા દરેક બાળકોને એક મૂવમેન્ટ આપવામાં આવી હતી.

મૌલિક અભિનય થકી જ સફળ કલાકાર બની શકાય
હિતેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, એક ગુજરાતી ફિલ્મ દિગ્દર્શક તરીકે અને કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે ક્ષેત્રમાં પદાર્પણ કરતા નવોદિત કલાકારોને પણ હું એ જ સલાહ આપીશ કે તેમણે સતત દરેકનું ઓબ્ઝર્વેશન કરવું જોઈએ અને તેમના એક્સપ્રેશન પર ખાસ ધ્યાન દેવું જોઈએ. જ્યારે કોઈ ફિલ્મ માટે ઓડિશન હોય છે ત્યારે કાસ્ટિંગ ડિરેક્ટર એ વાતનું ધ્યાન ખાસ રાખે છે કે ઓડિશન આપનાર કલાકાર સ્ક્રિપ્ટને અનુસરે છે કે નહીં અને સ્ક્રિપ્ટ મુજબ તેના એક્સપ્રેશન કેવા હોય છે. મૌલિક અભિનય થકી જ સફળ કલાકાર બની શકાય છે. મને ગર્વ છે કે મારી માતૃભાષામાં બનેલી ફિલ્મમાં હું કો-ઓર્ડિનેટર તરીકે સહભાગી થયો અને આજે એ ફિલ્મ ઓસ્કાર સુધી પહોંચી છે ત્યારે એક ગુજરાતી તરીકે ગર્વની લાગણી અનુભવું છું.

ફિલ્મ 'છેલ્લો શો' માં દવે સાહેબનું પાત્ર ભજવતા અલ્પેશભાઈ ટાંક.
ફિલ્મ 'છેલ્લો શો' માં દવે સાહેબનું પાત્ર ભજવતા અલ્પેશભાઈ ટાંક.

હીરોના શિક્ષક દવે સાહેબનું પાત્ર ભજવ્યું
આ ફિલ્મમાં હિરોના શિક્ષક બનેલા રાજકોટના અલ્પેશભાઈ ટાંકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં પોતાના શૂટીંગ અંગેનો અનુભવ જણાવ્યો હતો. જેમાં તેઓએ કહ્યું હતું કે, હું 10 દસ વર્ષથી એક્ટિંગના ક્ષેત્રમાં કાર્યરત છું. મેં ઘણા ઓડિશન આપ્યા છે. ફિલ્મ 'છેલ્લો શો' માં જ્યારે દવે સાહેબના પાત્ર માટે ઓડિશન આપ્યું ત્યારે મને ઘણો જ ઉત્સાહ હતો કે હું હોલીવૂડ ફિલ્મોના દિગ્દર્શક પાન નલિન સાથે કામ કરવા જઈ રહ્યો છું. પરંતુ અન્ય ઓડિશનની જેમ આ ઓડિશન આપ્યા બાદ પાન નલિન સરની ટીમમાંથી કોઈનો ફોન આવ્યો નહીં એટલે મને લાગ્યું કે કદાચ મારું સિલેક્શન નથી થયું. પરંતુ 5 મહિના બાદ અચાનક જ મને ફોન આવ્યો કે, 'છેલ્લો શો' માં હીરોના શિક્ષક દવે સાહેબનું પાત્ર મારે ભજવવાનું છે.

ચલાલાની આસપાસના વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ થયું.
ચલાલાની આસપાસના વિસ્તારોમાં ફિલ્મનું શૂટિંગ થયું.

એક્ટિંગ ન કરવાની ટ્રેનિંગ આપી
અલ્પેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, શૂટીંગનો મારો અનુભવ તો સાવ અનોખો છે. સામાન્ય રીતે દરેક દિગ્દર્શક કલાકારોને એક્ટિંગ કઈ રીતે કરવી તેની તાલીમ આપતા હોય છે પરંતુ પાન નલિન સરને એવા કલાકારોનું કાસ્ટિંગ કરવું હતું કે જે સાવ નેચરલ અભિનય કરતા હોય તેથી તેમણે આ ફિલ્મમાં જે મુખ્ય 6 બાળકો છે તેને એક્ટિંગ ન કરવાની ટ્રેનિંગ આપી હતી અને સતત 15 દિવસ સુધી એ અંગેનો વર્કશોપ પણ કર્યો હતો. તે અમને એક જ વાત કહેતા કે, આ ફિલ્મમાં તમારે અભિનય કરવાનો જ નથી. બસ સંવાદોને અનુસરો એટલે તમારો અભિનય સફળ..

ડિરેક્ટર પાન નલિન સાથે અલ્પેશભાઈ ટાંક.
ડિરેક્ટર પાન નલિન સાથે અલ્પેશભાઈ ટાંક.

ત્યાં સિંહોનો આતંક વધુ છે
અલ્પેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મેં તેમની આ જ વાતનું અનુસરણ કર્યું અને મારા જેટલા પણ દૃશ્યો હતા તે બધા એક જ ટેકમાં ઓકે થઈ ગયા હતા. જેના કારણે પાન નલિન સરે મારા અભિનયને ખૂબ જ વખાણ્યો હતો. ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ મારી સાથે એક કિસ્સો બન્યો જેને હું જીવનભર યાદ રાખીશ. ફિલ્મનું શૂટિંગ અમરેલી અને ચલાલાની આસપાસના વિસ્તારોમાં થયું હતું. મને અમરેલીમાં સાવજ નામના રેસ્ટોરન્ટમાં ઉતારો આપવામાં આવ્યો હતો. ત્યાં સિંહોનો આતંક વધુ છે.

બાળકોના હાવભાવને કેમરામાં કેદ કરતા કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકર.
બાળકોના હાવભાવને કેમરામાં કેદ કરતા કાસ્ટિંગ ડિરેક્ટર દિલીપ શંકર.

'સાવજ'માં સચેત થયો નહિતર મારણ થઈ ગયું હોત
અલ્પેશભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મને નિયમિત ભોજન કર્યા બાદ કસરત કરવાનો અને ચાલવાનો શોખ છે. એક દિવસ રાત્રે ભોજન કર્યા બાદ ચાલવા જતો હતો ત્યારે ચોકીદારે મને અટકાવીને કહ્યું હતું કે, અહીંથી બહાર ન નીકળતા હજુ થોડા દિવસ પહેલા જ અહીં એક બાળકીનું સિંહે મારણ કર્યું છે. તેણે મને સિંહના પંજાના નિશાન પણ દેખાડ્યા હતા. જો એ દિવસે સાવજ રેસ્ટોરન્ટના ચોકીદારે મને સમજાવ્યો ન હોત તો મારુ મારણ થઈ ગયું હોત પરંતુ ઓવર ઓલ આ ફિલ્મમાં શૂટીંગ કરવાનો અમારો અનુભવ ઘણો સારો રહ્યો છે અને હું તો એવું જ ઈચ્છું છું કે દરેક ગુજરાતી ફિલ્મને ઓસ્કર એવોર્ડ જેવું સન્માન મળે અને લોકો ગુજરાતી ફિલ્મને નિહાળવાનું શરુ.

350 માંથી મુખ્ય 6 બાળકનું સિલેક્શન થયું.
350 માંથી મુખ્ય 6 બાળકનું સિલેક્શન થયું.

..તો છેલ્લો શોનું નામ સુવર્ણ અક્ષરે લખાશે
નોંધનીય છે કે, બન્ને કલાકારો સાથે ગુજરાતભરમાં હાલ 'છેલ્લો શો' માટે ઉત્કંઠા જાગી છે. ત્યારે હવે જોવાનું રહેશે કે જે ફિલ્મ માટે સમગ્ર ગુજરાત એવી આશાઓ બાંધીને બેઠું છે કે તેને ઓસ્કાર એવોર્ડ મળશે તે આશાઓ પર ‘છેલ્લો શો’ ફિલ્મ ફરી ઉતરશે કે નહીં અને જો આ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળશે તો માત્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નહીં પરંતુ ભારતના સિનેમાના ઇતિહાસમાં છેલ્લો શોનું નામ સુવર્ણ અક્ષરે લખાશે.