પામોલીન તેલ મોંઘું થયું:પામતેલ બે દિવસમાં રૂ. 35 મોંઘું થયું, સિંગતેલના ભાવ સ્થિર રહ્યાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • યાર્ડમાં ત્રીજા દિવસે મગફળીની આવક બંધ રખાઈ
  • કપાસિયા તેલ રૂ. 2400ની નજીક, યાર્ડમાં જણસીની આવક વધી

ગત સોમવારે મુહૂર્તના સોદામાં યાર્ડમાં 30 લાખ કિલો ગુણીની આવક થઈ હતી. લેવાલી હોવા છતાં ગુરુવાર સુધી આ મગફળીનો નિકાલ થઇ શક્યો નહોતો. આથી સતત ત્રીજા દિવસે આવક બંધ રાખવી પડી હતી. મગફળીની આવક શરૂ થતાની સાથે જ સિંગતેલનો ડબ્બો રૂ. 2750 ના ભાવે સ્થિર રહ્યો છે. જ્યારે ત્રણ દિવસમાં પામોલીન તેલ રૂ. 35 મોંઘું થયું છે અને કપાસિયા તેલનો ડબ્બો રૂ. 2400ની નજીક પહોંચવામાં માત્ર રૂ. 50નું જ છેટું રહ્યું છે. સોમવાર બાદ યાર્ડમાં જણસની આવક વધી રહી છે.

ગુરુવારે મગફળીનો ભાવ રૂ.1050 થી લઇને રૂ. 1275 સુધી બોલાયા હતા. જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતો ટેકાના ભાવના કેન્દ્રમાં મગફળી લઈને પહોંચી રહ્યાં છે. ગુરુવારે કપાસની આવક 3 લાખ કિલો થઇ હતી. જે સોમવારની સરખામણીએ 2 લાખ કિલો ઓછી છે. આવક ઓછી થવાને કારણે ભાવ અત્યારથી જ રૂ.1800ની સપાટીની નજીક છે. હજુ ભાવ ઊંચકાય તેવી સંભાવના વેપારીઓએ વ્યક્ત કરી છે.

પામતેલમાં રૂ. 35નો વધારો થતા તેનો ભાવ રૂ.1675 નોંધાયો હતો. જ્યારે સાઈડ તેલમાં સ્થિર વલણ રહ્યું હતું. હાલ મગફળીની આવક શરૂ થતાની સાથે જ ઓઈલમિલમાં પિલાણ શરૂ થઈ ગયું છે. હવે આવક અને પિલાણ ફેબ્રુઆરી સુધી ચાલશે. યાર્ડમાં મગફળી ઉપરાંત સોયાબીનની પણ આવક નોંધાઈ રહી છે. અત્યારે આ આવક દૈનિક 7થી 8 લાખ કિલોએ પહોંચી છે. જ્યારે જૂના યાર્ડમાં ઝીંઝરાની આવક શરૂ થઈ છે. હાલ આવક ઓછી હોવાને કારણે તેનો ભાવ પ્રતિ મણ રૂ.300 થી 700 એ બોલાઈ રહ્યો છે. ધીમે- ધીમે આવક વધતાની સાથે જ ભાવમાં ઘટાડો આવશે.

સોયાબીનના વાવેતર, ઉત્પાદન અને વપરાશ વધ્યાં
બેડી યાર્ડમાં ગત વર્ષની તુલનાએ આ વખતે સોયાબીનની આવક વધી છે કારણકે ઉત્પાદન, વાવેતર અને વપરાશમાં વધારો થયો છે. સોયાબીન તેલનો વપરાશ પણ વધ્યો છે. હાલમાં ગુણવત્તા અનુસાર સોયાબીનનો ભાવ પ્રતિમણ રૂ.900થી 960 સુધી ખેડૂતોને મળી રહ્યો છે. આવક વધવા છતાં હાલ ભાવમાં સ્થિર વલણ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી મગફળી, કપાસની સાથે સોયાબીનનું પણ ઉત્પાદન થઈ રહ્યું છે. વરસાદને કારણે જે ખેડૂતોને મગફળીના પાકમાં બગાડ આવ્યો તેમણે તુરંત મગફળી ઉપાડી લઇને સોયાબીનનું વાવેતર કરી નાખ્યું હતું, ત્યારબાદ પાછોતરો વરસાદ પણ સારો થવાથી સોયાબીનમાં સારી ઉપજ આવી હતી. હાલ સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો યાર્ડમાં જણસી લઈને આવી રહ્યાં છે

અન્ય સમાચારો પણ છે...