મંત્રી પદ ગયું પણ POWER નહીં:પડધરીમાં પૂર્વ મંત્રી રાદડિયાએ કહ્યું- મત દેનારની કાપલીમાં નામ જોઇ મને 2 મહિને પણ ખબર પડે કે મત ક્યાં દીધો, ખેડૂતોને દબાવવા પ્રયાસ

રાજકોટ16 દિવસ પહેલા
રાજકોટ બેડી માર્કેટ યાર્ડીની ચૂંટણીને લઇ પડધરીમાં સભા યોજાઇ હતી.
  • કાલે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી છે ત્યારે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનો વીડિયો વાઇરલ

સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડની આવતીકાલે ચૂંટણી યોજાવવાની છે. ત્યારે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોને ધમકી આપતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો પડધરીનો હોવાનું જાણવા મળ્યું છે. પડધરીમાં ખેડૂતો સાથેની સભામાં તેઓ સ્પષ્ટ કહે છે કે, આ બટન દબાવવાની ચૂંટણી નથી, કોણ કોને મત આપે છે તે હું જોઈ જ શકું છું. મતદાન આપવા જાવ ત્યારે મતદાનની એક કાપલી ટેબલ પર રહે છે જેમાં નામના આધારે મને 2 મહિને પણ ખબર પડી જશે કે વોટરે કોને મત આપ્યો છે.

પડધરી તાલુકાના ફતેપર ગામે પ્રચાર માટે સભા યોજાઇ હતી
પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ફતેપર ગામે બે દિવસ પૂર્વે સભા યોજાઇ હતી. આવતીકાલે યોજાનાર રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત સહકાર પેનલના ઉમેદવારોના પ્રચાર અર્થે પડધરી તાલુકાની સહકારી મંડળીઓના પ્રમુખો તેમજ વ્યવસ્થાપક કમિટી સભ્યો સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ મંત્રી અને જેતપુર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય જયેશ રાદડિયા આડકતરી રીતે ધમકી આપતા હોય તે પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

પડધરીમાં પ્રચાર સભા યોજાઇ હતી.
પડધરીમાં પ્રચાર સભા યોજાઇ હતી.

વાઇરલ વીડિયોમાં જયેશ રાદડિયા શું બોલ્યા?
વાઇરલ વીડિયોમાં જયેશ રાદડિયા કહી રહ્યા છે કે, આગલે દિવસે આપણે ભેગા થશું ત્યારે અહીંથી તમને એક કાપલી આપવામાં આવશે. જેમાં નામ અને નિશાન લખેલા હશે, જે અંદર લઈને જવાનું છે. એમાં કંઇ મુશ્કેલી નહિ પડે. ચૂંટણીની અંદર જવું હોય, રાજકારણ કરવું કંઇ ફેર નથી પડતો. કદાચ 150 લઇ જાય કે 170 તેમ છતાં કંઇ ફેર નહિ પડે. બાકી હમણાં જોવું હોય તો જોઈ લઇ. હમણાં ડાયાભાઇ મત દેવા ગયા 138 નંબરની કાપલી છે તો અંદર ત્યાં 138 નંબર આવે. મારે બે મહિના પછી જોવું હોય તો જોઈ શકું 138 મત દીધો હતો ક્યાં? એ તો દેખાય જાય એમાં કંઇ મુશ્કેલી નથી, અન્ય ચૂંટણીમાં મતદાર બટન જેવું દબાવીને જતો રહે તો ખબર ન પડે, અહિ તો 138 લખેલા હોય સામે કાપલીમાં પણ નામ લખ્યું હોય તો મને 2 મહિના પછી ખબર તો પડે જ ડાયાભાઈ મત ક્યાં દીધો છે.

મતદારોને ધમકાવવાનો પ્રયાસ કર્યો નથીઃ જયેશ રાદડિયા
જોકે આ અંગે Divya Bhaskarને જયેશ રાદડિયા જણાવ્યું હતું કે, મતદારોને ધમકાવવાનો પ્રયાસ ક્યારેય પણ કરવામાં આવ્યો નથી. કિસાન સંઘની પેનલના એક પણ ઉમેદવાર રાજકોટ યાર્ડના મતદાર નથી. કિસાન સંઘના આક્ષેપ ખોટા અને પાયાવિહોણા છે. આ સહકારી ક્ષેત્રની ચૂંટણી છે, ગુપ્તતાથી જ મતદાન થવાનું છે અને આવતીકાલે અમારી જીત થવાની છે. બે મહિનામાં જાણી શકું છું કોને મત આપ્યો તે પ્રશ્નના જવાબમા પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે, સિલેક્ટેડ મતદારો હોય છે. માટે એક બીજાને વાત થતી હોય છે. કોણ કોને મત આપે છે.

મોટી સંખ્યામાં નેતાઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા.
મોટી સંખ્યામાં નેતાઓ અને ખેડૂતો હાજર રહ્યા હતા.

વાઇરલ વીડિયોને લઇ કેટલાક સવાલો ઉદભવી રહ્યા છે
(1) શું ખરેખર મતદાનની ગુપ્તતા જળવાતી નથી?
(2) શું હજુ પણ પૂર્વ મંત્રી પોતાનો પાવર અજમાવી રહ્યા છે?
(3) શું યાર્ડની ચૂંટણી બિનહરીફ ન થતા રાદડિયા ખેડૂતોને ધમકાવી રહ્યા છે?
(4) યાર્ડની ચૂંટણીમાં ભાજપના નવા ચહેરાઓ સક્ષમ નથી માટે મતદારોને ધમકી આપવી પડી?

ખેડૂતોને ડરાવવા માટે પ્રયત્નઃ ખેડૂત પેનલના ઉમેદવાર
પૂર્વ મંત્રી જયેશ રાદડીયાના વાઇરલ વીડિયો અંગે ખેડૂત પેનલના ઉમેદવાર દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, જયેશભાઈ રાદડિયા ચૂંટણી જીતવા માટે ખેડૂતોને ડરાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. મિટિંગ દરમિયાન ખેડૂતોના હિતમાં કામ કરતા ઉમેદવારને મત આપવા એવું નિવેદન કરવાના બદલે નેતાઓને ધમકાવવા પ્રયત્ન કરે એ ગેરવ્યાજબી છે.