તલાટીઓની હડતાળ શરુ:રાજકોટમાં પડતર માંગને લઈને 400થી વધુ તલાટીઓએ ધરણા કર્યા, પંચાયત મંત્રીએ કહ્યું: ટૂંક સમયમાં નવી ભરતી કરશું

રાજકોટ12 દિવસ પહેલા
400થી તલાટીઓ આ હડતાળમાં જોડાયા

રાજ્યના તલાટી કમ મંત્રીઓ દ્વારા વર્ષોથી પડતર માગણીઓને લઇને આજથી અચોક્કસ મુદત સુધી રાજ્યવ્યાપી હડતાળનું રણશિંગું ફૂંક્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના 400થી તલાટીઓ આ હડતાળમાં જોડાયા છે.આ અંગે રાજકોટમાં પંચાયત મંત્રી બ્રિજેશ મેરેજાએ મીડિયાને નિવેદન આપ્યું હતું કે,ટૂંક સમયમાં નવી ભરતી કરશું

બે તબક્કામાં પરીક્ષા બાકી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તલાટી મંત્રીઓના પ્રશ્નોના સમાધાન માટે સરકાર હકારાત્મક છે.ગ્રેડ પે પ્રશ્નને લઇને નાણાંકીય વિભાગની મંજૂરી અનિવાર્ય છે,જે અંગે પંચાયત વિભાગ વાટાધાટો કરી રહ્યું છે,ગામડાંઓમાં પંચાયત વિભાગ હસ્તકની સેવાઓ ન ખોરવાય તે માટે સરકાર ગામડાંઓમાં નજર રાખી રહી છે.જ્યાં સુધી નવી ભરતીની વાત છે બે તબક્કામાં પરીક્ષા બાકી છે ત્યારે તેને લઇને યોગ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

ગ્રામ પંચાયતની ઓફિસની ચાવીઓ જમીન પર ફેંકીને વિરોધાત્મક દેખાવો કર્યા
ગ્રામ પંચાયતની ઓફિસની ચાવીઓ જમીન પર ફેંકીને વિરોધાત્મક દેખાવો કર્યા

પ્રશ્નો ઉકેલાઇ જશે
આ અંગે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના ઉપપ્રમુખ ચિરાગભાઇ ગેરૈયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ અંદાજ દસ હજારથી પણ વધુ તલાટીઓ કાર્યરત છે. છેલ્લા ઘણા વર્ષોથી અમારી વિવિધ માગણીઓને લઇને સરકાર દ્વારા કોઇ હકારાત્મક અભિગમ દાખવવામાં આવી રહ્યો નથી. 2018માં જ્યારે તલાટીઓ દ્વારા હડતાળ પાડવામાં આવી ત્યારે પ્રશ્નો ઉકેલાઇ જશે તેવી ખાતરી મળતા હડતાળ સમેટી લેવાઇ હતી.

હડતાળ સમેટી લેવામાં આવી હતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યાર બાદ 2021માં હડતાળ પાડી ત્યારે નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની નિમણૂક થઇ હતી, ત્યારે તે વખતે પણ સરકારે પ્રશ્નો ઉકેલાઇ જશે તેવું કહેતા હડતાળ સમેટી લેવામાં આવી હતી, દરમિયાન હજુ પણ વણઉકેલ્યા પ્રશ્નો ઉકેલાયા ન હોઇ તેથી આજે અમે હડતાળ કરી રહ્યા છીએ. અને રાજકોટ તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામ પંચાયતની ઓફિસની ચાવીઓ જમીન પર ફેંકીને કામથી અળગા રહ્યા છીએ.

તલાટીઓની માગણી

  • ફિક્સ પગારના તલાટીની નોકરી સળંગ ગણવી.
  • 1 જાન્યુ. 2016 બાદ મળવાપાત્ર પ્રથમ-દ્વિતીય પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા મંજૂર કરવી.
  • રેવન્યૂ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા અથવા તો તેમના જોબ ચાર્ટ અલગ કરવા.