પંચે કરાવ્યા સમાધાન:છૂટાછેડા, ઝઘડાના કેસમાં સમજાવટથી 365 દિવસમાં 1200થી વધુ પરિવારને તૂટતાં બચાવી એક રાખ્યાં

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરે વિવિધ સમાજના ચાલતા સમધાન પંચ અને સામાજિક અગ્રણીઓ, 181 અને મહિલા પોલીસની ટીમ સાથે વાતચીત કરી, છૂટાછેડા, પારિવારિક સમસ્યા અને ભાઈભાંડુ વચ્ચેના ઝઘડામાં સમજાવટ અને યુક્તિ-પ્રયુક્તિથી બધા એક થયા
  • સમાજના આગેવાનો કહ્યું, આ બધી બાબતો પર ધ્યાન આપવામાં આવે તો સમસ્યામાં ઘટાડો થશે

રાજકોટમાં વિવિધ સમાજના સમાધાન પંચ ચાલી રહ્યાં છે. તે તમામ અને સમાજના અગ્રણીઓ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી. આ વાતચીત દરમિયાન તમામે જણાવ્યું કે, તેની પાસે છૂટાછેડા, સાસુ-વહુ, ભાઈ-ભાઈના ઝઘડા- સંતાન માતાપિતાના ઈસ્યૂ, વ્યસન, મિલકત સંબંધી ઝઘડા સહિત વિવિધ સામાજિક સમસ્યાના કેસ આવે છે.

આ તમામ સમસ્યાનું સમાધાન આવે તે માટે સૌથી પહેલા બન્ને પક્ષને સાંભળીએ છીએ. તેનું કાઉન્સેલિંગ, સમજાવટ કરીએ, જરૂર પડ્યે યુક્તિ-પ્રયુક્તિ પણ કરીએ છીએ. નાની વાત માટે છૂટાછેડા કે પરિવાર અલગ થાય ત્યારે સૌથી વધુ ચિંતા થાય છે. જોકે સમાજના વિવિધ સમાધાન પંચ, સામાજિક અગ્રણીઓની મધ્યસ્થી, મહિલા પોલીસ ટીમ, 181 ટીમ, એન.જી.ઓ. ને કારણે રાજકોટ શહેર- જિલ્લામાં એક વર્ષમાં અંદાજે 1200થી વધુ પરિવાર તૂટતાં બચી ગયા છે.

બાળકો અને વડીલોને છત્રછાયા આપો, સંયુક્ત પરિવારની ભાવના કેળવવી જોઈએ
હાલમાં સંયુક્ત પરિવાર તૂટતાં જાય છે. જેથી બાળકને પરિવારમાંથી જે શિક્ષણ અને કેળવણી મળતી હતી તેનો અભાવ જોવા મળે છે. એ સિવાય યુવા પેઢીમાં સહનશક્તિ અને સ્વીકારની ભાવના ઓછી જોવા મળી રહી છે. બાળકોનો ઉછેર વડીલોની છત્રછાયામાં થાય તો નાનપણથી જ બાળકોને પરિવારનું મહત્ત્વ સમજાશે અને તેમાં લાગણી, સંસ્કૃતિનો, સામાજિક મૂલ્યનો વારસો જળવાઈ રહેશે. > કમલેશભાઈ શાહ, એડવોકેટ અને જૈન સમાજના અગ્રણી

માતા-પિતા બાળકોને ભૌતિક સુખ-સુવિધા આપે તેની સાથે સામાજિક ઘડતર કરે
લગ્નજીવન તૂટે છે તેમાં સ્વચ્છંદતા, દેખાદેખી વધારે જોવા મળે છે. માતા-પિતા બાળકોને ભૌતિક સુખ-સુવિધા સાથે તેનું સામાજિક ઘડતર કરે તે જરૂરી છે. તો બદલાવ આપોઆપ જોવા મળશે. નવદંપતી એકબીજાની અને પરિવારની અપેક્ષાને સમજે અને તેનું પાલન કરે તો સમાધાન પંચ સુધી આવવું જ ન પડે. > શર્મિલાબેન બાંભણિયા, સરદારધામ સમાધાન પંચ

પરિવારજનો ખુલ્લા મને ચર્ચા- વિચારણા કરે, સામાજિક કાર્યક્રમો વધુ થવા જોઈએ
પરિવારજનો વધુને વધુ સમય એકબીજા સાથે ગાળે. પરિવારમાં અને સમાજમાં સામાજિક કાર્યક્રમો વધુ થવા જોઈએ. જેમાં વડીલોને પણ જોડવા જોઈએ. જો આવું થશે તો તમામ પોતાની સમસ્યા હશે તેની ખુલ્લા મને ચર્ચા- વિચારણા કરશે. જે કેસમાં સમજાવટ નથી ચાલતી ત્યાં યુક્તિ-પ્રયુક્તિ કરવી પડે છે. > મુકેશભાઈ મેરજા, પ્રમુખ સમસ્ત પાટીદાર સમાજ

કિસ્સો | નાનો દીકરો માવતરની સાથે રહેવા ગયો તો મોટા ભાઈએ પણ ઘરોબો કેળવ્યો
75 વર્ષની ઉંમરના એક વૃદ્ધ એક દિવસ સમાધાન પંચમાં આવે છે. તેની પાસે લાઇટ બિલ ભરવાના પૈસા નથી અને તેના બન્ને સંતાનો અલગ રહે છે તેમ જણાવ્યું. વાતચીત પરથી જાણવા મળ્યું કે, તે ખૂબ આર્થિક રીતે સદ્ધર છે. પરિવારનું મિલન થાય તે માટે વડીલને સમજાવ્યા અને યુક્તિ કરી. વૃદ્ધે તેની પાસે રહેલી જમીન વેચી નાખી. જેમાંથી બે ફ્લેટ ખરીદ કર્યા. બન્ને ફ્લેટ દીકરાને રહેવા આપી દીધા. ત્યારબાદ પારિવારિક પ્રસંગોમાં ભેગા થયા.જેમાં સમસ્યા રજૂ કરતા નાનો દીકરો માતા-પિતાની સાથે રહેવા તૈયાર થઈ ગયો, તો મોટો દીકરો અને તેની વહુએ પણ આવરો જાવરો વધારી દેતા આખો પરિવાર ફરી એક થયો.

અન્ય સમાચારો પણ છે...