તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર માટે વલખા મારતા દર્દીઓ:રાજકોટમાં સિવિલ બહાર છકડો રિક્ષા, છોટાહાથી, કાર અને એમ્બ્યુલન્સમાં તરફડતા દર્દીઓના આંખ ભીંજવતા દ્રશ્યો, પોલીસ મૂકાઇ

રાજકોટ2 મહિનો પહેલા
  • સિવિલમાં દર્દીઓને દાખલ કરવા સ્વજનોના વલખા, કરૂણ દ્રશ્યો જોવા મળ્યા

રાજકોટમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં દર્દીઓ સારવાર માટે વલખા મારી રહ્યાં છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે રોજ સવાર પડે અને ચૌધરી હાઇસ્કૂલમાં દર્દીઓ સાથે એમ્બ્યુલન્સ, કાર, છકડો રિક્ષા અને છોટાહાથીના થપ્પા લાગી જાય છે. છેલ્લા કેટલાક દિવસથી રાજકોટના વાતાવરણે પણ કરવટ બદલી છે. આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળતા આકરા તાપ વચ્ચે અસહ્ય બફારો પણ લોકો સહન કરી રહ્યાં છે. ત્યારે આ અસહ્ય બફારામાં સારવાર માટે આવતા કોરોનાના દર્દીઓ એમ્બ્યુલન્સ, કાર, છકડો રિક્ષા અને છોટાહાથીમાં તરફડતા જોવા મળ્યા હતા. આ દ્રશ્યો જોઇ કોઇ પણના આંખ ભીંજાય જાય. આ લાઇનમાં આજે તો પોલીસ પણ મૂકવામાં આવી છે.

લાઇનમાં રહેલા દર્દીઓની પ્રાથમિક સારવાર આપતા તબીબી સ્ટાફ
ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં આજે દર્દીઓની લાંબી લાઇન લાગી છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલનો સ્ટાફ એમ્બ્યુલન્સ, કાર, છકડો રિક્ષા અને છોટાહાથીમાં આવેલા દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી રહ્યો છે. વધુ અસર અને ગંભીર હોય તેવા જ દર્દીઓને સિવિલની અંદર દાખલ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે સ્વજનો પણ વલખા મારી રહ્યાં છે.

એમ્બ્યુલન્સ ન મળતા દર્દીને છોટાહાથીમાં લાવવામાં આવ્યા.
એમ્બ્યુલન્સ ન મળતા દર્દીને છોટાહાથીમાં લાવવામાં આવ્યા.

ઓક્સિજનના બાટલા સાથે દર્દીઓ આવ્યા
છકડો રિક્ષામાં એક મહિલા દર્દી ઓક્સિજનના બાટલા સાથે જોવા મળી હતી. તેમજ અસહ્ય બફારાને કારણે મહિલા દર્દીને અન્ય મહિલા પૂઠા વડે હવા નાખે છે. તેમજ આ મહિલાની આંખો આંસુઓથી છલકાઇ જતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી તરફ છોટા હાથીમાં એક દર્દીને સ્વજનો લાવ્યા હતા. સિવિલ બહારના આ કરૂણ દ્રશ્યો સૌ કોઇની આંખો ભીજવી દે છે. આ દ્રશ્યોનો અંત ક્યારે તેવો સવાલ પણ લોકોમાં ઉઠી રહ્યો છે.

દર્દીને બચાવવા માટે સ્વજનોની ઓક્સિજનના સિલિન્ડર માટે દોડધામ.
દર્દીને બચાવવા માટે સ્વજનોની ઓક્સિજનના સિલિન્ડર માટે દોડધામ.
અન્ય સમાચારો પણ છે...