વિવાદ:રાજકોટ જિલ્લાના અનેક ગામોની સહાયમાંથી બાદબાકી સામે રોષ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત સહાય પેકેજમાં વહાલા દવલાની નીતિ અપનાવ્યાનો વિપક્ષનો આક્ષેપ
  • ખેડૂતોએ સરવે કરી સહાય આપવા મુખ્યમંત્રીને કરી રજૂઆત

રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા સહાય પેકેજમાં રાજકોટ જિલ્લાના અનેક ગામોની બાદબાકી થતા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વિપક્ષે પણ મોડે મોડે સહાય પેકેજ સામે સવાલ ઉઠાવ્યા છે. જિલ્લા પંચાયતના વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે કે, અસરગ્રસ્ત ગામડાંઓમાં ભાજપના કાર્યકરો દ્વારા વહાલા દવલાની નીતિથી કામ થયું છે. સહાયના નામે ખેડૂતો સાથે અન્યાય થયો છે. બીજી તરફ ખેડૂતોએ પોતાના ગામમાં સરવે કરી સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાએ ખેડૂત સહાય પેકેજ સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે, ખેડૂતોને વળતર આપવાને બદલે મજાકરૂપી સહાય કરી છે. ખેડૂતોની ફારસ કરનારી સરકાર ખેડૂતને સહાય આપવામાં નિષ્ફળ રહી હોવાનું સાબિત થયું છે. માત્ર 20 કરોડ ચૂકવીને તમામ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે. જેથી પચાસ ટકા ખેડૂતોને જ લાભ મળશે. સરકારની અણઆવડતના કારણે ખેડૂતોને અન્યાય થયો છે. જિલ્લાના અનેક અસરગ્રસ્ત ગામડાંઓમાં ભાજપના કાર્યકરો દ્વારા વહાલા દવલાની પદ્ધતિથી કામ કરાયું છે. મોટાભાગના ગામો સરવેમાંથી બાકાત રહેતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જેથી સમગ્ર જિલ્લામાં ફરીથી સરવે કરી સહાય ચૂકવવામાં આવે. બીજી તરફ જિલ્લાના 600 ગામમાંથી માત્ર 156 ગામને જ અસરગ્રસ્ત વિસ્તારમાં સામેલ કરતાં ખેડૂતો ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પણ તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે સતત ત્રીજા દિવસે રજૂઆત કરી છે. રાજકોટ તાલુકાની સરપંચ સમિતિએ પણ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને પત્ર લખી બાકી રહેલા ગામોને અસગ્રસ્તના લિસ્ટમાં સામેલ કરવા માંગ કરી છે.

ખેડૂતોની સાથે છીએ, અન્યાય નહીં થવા દઈએ
સહાય પેકેજ જાહેર નહોતું થયું તે પહેલા મળેલી કારોબારીમાં ખેડૂતોને અન્યાય ન થાય તે માટે ખેતીવાડી અધિકારીને સ્પષ્ટ કહી દીધું હતું. બાકી રહેતા ગામોમાં સરવે કરવા પણ કહેવાયું છે. જિલ્લાના કોઈ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહે તે માટે આગળ રજૂઆત કરીશું. જે વિસ્તારમાં વરસાદથી જમીન ધોવણ કે પાક ધોવાણ થયું છે અને લિસ્ટમાં નહીં હોય તે ગામોમાં સરવે કરી સહાય ચૂકવાય તે માટે આગળ રજૂઆત કરીશું. - સહદેવસિંહ જાડેજા, કારોબારી ચેરમેન

અન્ય સમાચારો પણ છે...