રોગચાળાની દહેશત:રાજકોટમાં વાદળછાયા વાતાવરણને કારણે રોગચાળો વકરી શકે છે, શરદી-કફનાં દર્દીઓને કોરોનાનો ટેસ્ટ કરાવો જરૂરી : આરોગ્ય અધિકારી

રાજકોટ15 દિવસ પહેલા
આરોગ્ય અધિકારી ડો. એલ.ટી.વાંઝા
  • શહેરમાં ડેંગ્યુનો હાહાકાર, નવા 24 કેસ નોંધાતા સિઝનના કુલ દર્દીઓ 386ને પાર, 805 જગ્યાએ મચ્છર ઉત્પત્તિ મળતા રૂ.30 હજારનો દંડ
  • એક અઠવાડિયામાં શરદી,ઉધરસના 695 કેસ,સામાન્ય તાવના કેસ 442 અને અને ઝાડા – ઉલટીના 39 કેસ દાખલ

રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી વહેલી સવારે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ બની ગયું હતું.જેને પગલે રોગચાળો વકરવાની શક્યતા સેવાઈ રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં શરદી,ઉધરસના 695 કેસ,સામાન્ય તાવના કેસ 442 અને અને ઝાડા – ઉલટીના 39 કેસ દાખલ થયા છે. જેને લઈને હવે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. અને આરોગ્ય અધિકારી દ્વારા શરદી અને કફના દર્દીઓને પણ કોરોનાનો ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે.

ગફલતમાં રહ્યા વિના લોકોએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ
આ અંગે આરોગ્ય અધિકારી ડો. એલ.ટી.વાંઝાએ જણાવ્યું હતું કે, હાલ શિયાળાની શરૂઆત થઈ ચૂકી હોવાથી શરદીનાં તેમજ ઉધરસનાં કેસોની શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ તેમ છતાં કોઈપણ ગફલતમાં રહ્યા વિના લોકોએ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. તમામ આરોગ્ય કેન્દ્રોની સાથે જ સરકારી હોસ્પિટલમાં પણ આ માટેની વ્યવસ્થા કરાઈ છે. એટલું જ નહીં જરૂર મુજબની દવાઓ પણ તમામ સ્થળે ઉપલબ્ધ કરવામાં આવી છે. દિવાળી પછીની રજાઓ બાદ છેલ્લા ત્રણેક દિવસથી દરરોજ બે-ત્રણ કેસ સામે આવવા લાગ્યા છે. ત્યારે લોકોએ જાગૃત થઈ ટેસ્ટ કરાવવા માટે આગળ આવવું જરૂરી છે.

મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા અને ડેંગ્યુનો ફેલાવો વધવાની દહેશત પણ ઉભી થઇ છે
મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા અને ડેંગ્યુનો ફેલાવો વધવાની દહેશત પણ ઉભી થઇ છે

ડેંગ્યુ સહિતના રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે
રાજકોટમાં કોરોના શાંત પડી ગયો છે ત્યારે મચ્છરજન્ય ડેંગ્યુ સહિતના રોગચાળાએ હાહાકાર મચાવવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લા સપ્તાહમાં ખતરનાક ડેંગ્યુ તાવના વધુ 24 દર્દી નોંધાતા સિઝનના કુલ દર્દીઓનો 386ને પાર થઇ ગયો છે. તો મેલેરીયાના 4 અને ચિકનગુનિયાના 3 કેસ નોંધાયો છે. આ દરમ્યાન ચકાસણીમાં 805 જગ્યાએ ઠેર ઠેર મચ્છરોના ઉપદ્રવ જોવા મળતા સંચાલકો પાસેથી રૂા.30 હજારનો દંડ લેવામાં આવ્યો છે.

આરોગ્ય શાખા દ્વારા મકાનોમાં ફોગીંગ કરવામાં આવે છે
આરોગ્ય શાખા દ્વારા મકાનોમાં ફોગીંગ કરવામાં આવે છે

મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે જરૂરી પગલાંઓ લેવા જોઈએ
છેલ્લા ત્રણેક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. જેને લઈને મચ્છરજન્ય રોગચાળો મેલેરિયા અને ડેંગ્યુનો ફેલાવો વધવાની દહેશત પણ ઉભી થઇ છે. ત્યારે આ અંગે લોકોએ મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે જરૂરી પગલાંઓ લેવા જોઈએ. સાથે બાળકોને બહાર રમવા કે શાળાએ મોકલતી વખતે ફૂલ સ્લીવનાં કપડાં તેમજ મચ્છર વિરોધી ક્રીમ લગાવવાની સલાહ પણ તેમણે આપી છે.

આરોગ્ય શાખા દ્વારા સઘન સર્વે અને ચકાસણીની કામગીરી ચાલી રહી છે.
આરોગ્ય શાખા દ્વારા સઘન સર્વે અને ચકાસણીની કામગીરી ચાલી રહી છે.

રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, શહેરમાં દિવાળીનાં તહેવારોમાં ઘણી છૂટછાટ મળી હતી. જેનો લોકોએ પણ ભરપૂર લાભ લીધો હતો. જેના ફળ સ્વરૂપે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોનાનાં કેસો વધી રહ્યા છે. રાજકોટમાં છેલ્લા સપ્તાહથી દરરોજનાં બે-ત્રણ કેસ નવા નોંધાઈ રહ્યા છે. અને સપ્તાહમાં સારવારમાં રહેલા દર્દીઓની સંખ્યા ડબલ થઈ ચૂકી છે. જેને લઈને હવે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અને રેલવે-બસ સ્ટેશનો ઉપરાંત એરપોર્ટ પર પણ બહારથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે લોકો પણ જો જરૂરી સાથ-સહકાર આપશે તો કોરોનાની ત્રીજી લહેરને ચોક્કસ રોકી શકાશે.