રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં પહેલો જ પ્રશ્ન કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં ભળેલા કોમલબેન ભારાઈનો હતો અને તેમાં ખાનગી સ્કૂલ કોલેજની સ્થિતિ મગાતા ગેરકાયદે બિલ્ડિંગમાં તેમજ ગેરકાયદે જમીન દબાણ પર ઊભેલી શાળા કોલેજ તેમજ ફી માટે ઉઘરાણા કર્યા બાદ વેરા પણ બાકી હોય તેવું વરવું ચિત્ર સામે આવ્યું છે.
પ્રશ્ન કાળ શરૂ થયો એટલે માત્ર કોમલબેન જ બોલે અને તેમના સાથી કોર્પોરેટર વશરામ સાગઠિયા ન બોલે તેવો આગ્રહ કરવામાં શાસક પક્ષના કોર્પોરેટર્સે 15 મિનિટ બગાડી નાખી હતી જ્યારે સામે કોંગ્રેસ અને આપ માત્ર પ્રશ્નો પૂછવામાં રસ લઈ રહ્યા હતા જ્યારે શાસકો હોબાળો થાય અને સમય બગડે તેની પેરવી કરી રહ્યા હતા આ માટે ઉશ્કેરણીજનક વાતો પણ થઈ હતી.
જયમીન ઠાકરે કહ્યું હતું કે, ‘વશરામ સાગઠિયા પાછળની પાટલીએથી ભાજપની સાથે જ છે, મારે બહુ ખુલ્લું નથી પાડવું’ જેને લઈને સાગઠિયાએ કહ્યું હતું કે, ‘ખુલ્લું ન પાડો તો તમારા દીકરાના સમ છે’ તો સામે જયમીન ઠાકરે કહ્યું કે, ‘રોજ સાંજે 6 વાગ્યા બાદ તમે ભાજપના ક્યા નેતાના ઘરે જઈને બેસો છો તે બધી ખબર છે’ જેના જવાબ આપ્યો કે, ‘નામ આપો હું ક્યા બેસું છું, અત્યાર સુધીમાં એક વખત પુષ્કર પટેલને મળવા ગયો હતો જે અમારી અંગત બાબત હતી’ આ વાત આગળ વધે ત્યાં ભાજપના જ કોર્પોરેટર્સે અંગત બાબત ઉછાળવી નહિ તેવું કહી મામલો શાંત કરી દીધો હતો.
સાગઠિયાએ પણ કહ્યું કે, ‘એક મહિલા કોર્પોરેટર બોલે છે તે સહન નથી થતું પ્રશ્નોના જવાબ નથી અપાતા એટલે હોબાળો કરો છો જો આવું જ કરવું હોય તો બોલો! અમારે કશું નથી પૂછવું તો’ બાદમાં એક પછી એક પેટા પ્રશ્નોનો મારો ચાલ્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર જાણે પત્ર વાંચતા હોય તેમ બોલી રહ્યા હતા તેથી કોમલબેને ટકોર પણ કરી હતી કે, ‘લખેલું ન વાંચો હકીકત જણાવો કે ક્યાં પાર્કિંગ નથી અને શું પગલાં લીધા’.
આ બધા વચ્ચે વિગત એવી બહાર આવી હતી કે રાજકોટ શહેરમાં કુલ 898 શાળા કોલેજ છે જેમાંથી ફક્ત 491 શાળાએ જ બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાવ્યા છે જેમાંથી ફક્ત 86 પાસે જ મેદાન અને 125 પાસે પાર્કિંગની વ્યવસ્થા છે. 48 બિલ્ડિંગ મનપાની મંજૂરી વગર ધમધમે છે. 40 એવી સંસ્થાઓ છે જેમણે સરકારી ખરાબા કે સૂચિત સોસાયટીઓમાં ગેરકાયદે દબાણ કરી લીધા છે.
ફીના ઉઘરાણા રોજ કરે છે પણ મનપાના 11.36 કરોડ રૂપિયા બાકી બોલે છે. જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો કે ગેરકાયદે ઊભી શાળા-કોલેજ પર મનપા કેમ પગલાં નથી લેતી ત્યારે ટી.પી. શાખાના ટી.પી.ઓ., મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનર તમામે કહ્યું હતું કે, આ બધી શાળાઓને મંજૂરી ડીઈઓ કચેરી આપે છે અને સરકારી ખરાબામાં બાંધકામ હોય તો તે કલેક્ટર તંત્રની જવાબદારી છે તેમાં મનપા કશું કરી ન શકે!
ભાનુબેને કહ્યું, ‘કોમલબેનના પતિએ 25 લાખ લીધા’, દંડકે કહ્યું, ‘ઉછીના આપો!’
વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ કોમલબેન ભારાઈ વિશે ટિપ્પણી કરી હતી કે તેમના પતિએ 25 લાખની લાંચ લઈ ભળ્યા છે. શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળાએ બોર્ડમાં કહ્યું હતું કે, ‘કોમલબેન 25 લાખ ઉછીના આપજો’ બોર્ડ પૂર્ણ થયા બાદ કોમલબેન અને તેમના પતિએ કહ્યું હતું કે, ભાનુબેનના પતિ ક્યાંથી કેટલા પૈસા લ્યે છે તે ખબર છે અને સમય આવ્યે બહાર લાવીશું!
ઈનસાઈડ
પ્રેક્ષકો પૂરા પાડે સ્કૂલ એટલે જ વેરો પણ ઘટાડ્યો
રાજકોટ શહેરમાં ઘણી શાળાઓ મંજૂરી વગરના બિલ્ડિંગ અને જમીન પર દબાણ કરીને ઊભી છે. આ બધી શાળાઓ પર કાર્યવાહી કરવામાં મનપા કલેક્ટર તંત્ર પણ ઢોળી રહી છે પણ હકીકતે મનપાની જ અમીદૃષ્ટિને કારણે ધંધાદારી શાળાઓ બેફામ બની છે. સરકારી તંત્રના કે શાસક પક્ષના કોઇ કાર્યક્રમો હોય તેમાં જગ્યા ખાલી ન રહે તે માટે પ્રેક્ષકો પૂરા પાડવા તેમજ કાર્યક્રમોના સંચાલનની જવાબદારી ધંધાદારી ખાનગી શાળાઓને સોંપાય છે. આ જ કારણે હંમેશા ખાનગી શાળાના સંચાલકો શાસકોની નજીક રહી લાભ લ્યે છે.
જ્યારે કાર્પેટ એરિયા મુજબ વેરા આકારણી થઈ ત્યારે ખાસ શાળા-કોલેજના કિસ્સાઓમાં વેરો ઘટાડવા માટે જનરલ બોર્ડમાં ઠરાવ કરાયો હતો. એટલું જ નહિ પક્ષોના ઘણા નિર્ણયો પર ધંધાદારી શાળાઓની અસર હોય છે તેથી જ ગેરકાયદે ધમધમતી શાળાઓ પર પગલાં ભરવામાં તંત્રની ફેં ફાટે છે.
સેક્રેટરીએ અર્જન્ટ દરખાસ્ત વાંચી જ નહિ અને મતદાન કરાવી લીધું!
બોર્ડમાં અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત આવે તો મતદાન કરતા પહેલા તમામ સભ્યોને જાણ કરવી પડે. આ વખતે અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત આવી હતી પણ તે વાંચવાને બદલે સેક્રેટરી ડો. રૂપારેલિયાએ તુરંત મતદાનમાં મુકાવી હતી. શું દરખાસ્ત છે એવું વશરામ સાગઠિયાએ પૂછતા તુરંત જ વંદે માતરમ ગીત ચાલુ કરાવી બોર્ડ આટોપી લીધું હતું. તેઓએ પોતાના બચાવમાં કહ્યું કે, બોર્ડનો સમય જાળવવા એવું કર્યું જ્યારે મેયર પ્રદીપ ડવે પણ આ મામલે કહ્યું હતું કે, હવેથી પૂરી દરખાસ્ત વાંચવા જણાવાશે. આ દરખાસ્ત માધાપરમાં ટી.પી. બનાવવાની હતી જ્યારે અન્ય દરખાસ્તમાં વાવડીમાં બે પૈકી એક જગ્યામાં કબ્રસ્તાનની જગ્યા નીમ કરવાની દરખાસ્ત પેન્ડિંગ રહી છે જ્યારે બે ચોકના નામકરણ કરાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.