રાજ્યભરના પેટ્રોલ પંપના સંચાલકોએ બે હાથે કમાણી કરી હોવાનું જીએસટી વિભાગના ધ્યાને આવ્યું છે. રાજ્યભરના અનેક પેટ્રોલ પંપના સંચાલકોએ નંબર રદ કર્યા બાદ પણ પોતાનો વેપાર ચાલુ રાખ્યો હતો. વેપારમાંથી જે આવક થતી હતી તેમાં ભરવાપાત્ર ટેક્સની રકમ ભરપાઈ નહિ કરીને કરોડો રૂપિયાની ટેક્સચોરી કરતા હોવાનું માલૂમ પડતા એસજીએસટીની ટીમે દરોડા પાડ્યા હતા. જે પૈકી રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં 7 પેટ્રોલ પંપના સંચાલકો પાસેથી રૂ.65 લાખની ટેક્સચોરી વસૂલવામાં આવી છે.
જ્યારે 3 સ્થળેથી બુકસ ઓફ એકાઉન્ટ કબજે કરાયા છે અને 5 સ્થળે હજુ તપાસ ચાલુ હોવાથી આ ટેક્સચોરીનો આંક વધી શકે તેમ તપાસનીશ અધિકારીએ જણાવ્યું છે.રાજકોટ જીએસટી ડિવિઝન 10 અને 11 ની ટીમે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ, ગાંધીધામ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરમાં કુલ 26 સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ડિવિઝન 11 હેઠળ આવતા વિસ્તારમાં 9 સ્થળેથી રૂ. 11.75 કરોડની ટેક્સચોરી માલૂમ પડતા તેની વસૂલાતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈના તો 3 વર્ષથી જીએસટી નંબર રદ કરેલા હતા.
સામાન્ય રીતે કરદાતાની આર્થિક સ્થિતિ કફોડી થાય ત્યારે અથવા તો તેને ભરવાપાત્ર ટેક્સની ભરપાઈ થાય નહિ ત્યારે નંબર રદ થતો હોય છે. રાજકોટ 11ના ડિવિઝન હેઠળ આવતા પોરબંદરમાં જય બેલનાથ પેટ્રોલિયમ, વાસુદેવ પેટ્રોલિયમ સહિતના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાંથી અનુક્રમે 17.09 કરોડ અને 03.98 કરોડની ટેક્સચોરી પકડાઈ છે. હાલ કેટલાક સ્થળોએ તપાસ ચાલુ હોવાથી જે ટેક્સચોરી પકડાઈ છે તેમાં આંકડો વધશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.