સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર અકલ્પનીય પરિણામ આવ્યા છે. એક્ઝિટ પોલ તમામ ખોટા પડ્યા છે. રાજકીય વિશેજ્ઞો પણ ગોથા મારી ગયા છે. સૌરાષ્ટ્ર-કચ્છનું પરિણામ ભાજપ માટે પણ આશ્ચર્યજનક છે. બીજીબાજુ આપ અને સમાજવાદી પાર્ટીને સૌરાષ્ટ્રમાં પ્રવેશ મળ્યો છે. કોંગ્રેસ જ્યાં હતી ત્યાંથી પણ તળિયે પહોંચી ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છના 12માંથી 9 જિલ્લામાંથી કોંગ્રેસનું નામું નખાઈ ગયું છે. આ જિલ્લાઓમાં 2017માં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો પરંતુ 2022માં સમખાવા પૂરતી 1 બેઠક પણ મળી નથી.
સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકમાં કચ્છમાં તમામ 6 બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે બોટાદમાં ભાજપને 1 અને આપને 1 બેઠક મળી છે. જામનગર જિલ્લાની 5માંથી ભાજપને 4 અને આપ 1 બેઠક પર કબજો કરવામાં સફળ રહ્યું છે. દ્વારકાની બન્ને બેઠક ભાજપે જીતી લીધી છે. જ્યારે મોરબી જિલ્લાની 3 બેઠક પર પણ ભાજપે વિજયવાવટો લહેરાવી દીધો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પાંચેય બેઠક જીતીને ભાજપે રોડરોલર ફેરવી દીધું છે. ભાવનગર જિલ્લામાં પણ ધાર્યા મુજબના જ પરિણામ આવ્યા છે. આ વખતે 7માંથી 6 બેઠક ભાજપને મળી છે. જ્યારે 1 બેઠક આપના ફાળે ગઈ છે.
જૂનાગઢ જિલ્લામાં ભાજપને 3, કોંગ્રેસને 1 અને આપના ફાળે 1 બેઠક ગઈ છે. ગીર-સોમનાથમાં કોંગ્રેસને 1 અને ભાજપે 3 બેઠક જીતી લીધી છે. અમરેલીમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં 5 બેઠક કોંગ્રેસે જીતી હતી. 2022માં ભાજપે પાંચે-પાંચ બેઠક પર વિજયવાવટો ફરકાવી દીધો છે. પોરબંદરમાં કોંગ્રેસને 1 અને સમાજવાદી પાર્ટીને 1 બેઠક મળી છે. રાજકોટ જિલ્લાની 8માંથી આઠે-આઠ બેઠક ભાજપના ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટીની જામનગર, જૂનાગઢ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં એન્ટ્રી થઈ છે. જ્યારે સમાજવાદી પાર્ટીના ઉમેદવારે કુતિયાણા બેઠક પરથી વિજય મેળવ્યો છે.
આ જિલ્લામાં કોંગ્રેસનો સફાયો થયો
સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાંથી રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, કચ્છ અને દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નથી. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જામનગર જિલ્લામાં 2, દ્વારકામાં 1, બોટાદમાં 1, કચ્છમાં 2, ભાવનગરમાં 1, સુરેન્દ્રનગરમાં 4, મોરબીમાં 3, રાજકોટમાં 2, અમરેલીમાં 5, ગીર-સોમનાથમાં 3 અને જૂનાગઢ જિલ્લામાં 4 બેઠક કોંગ્રેસને મળી હતી. જોકે 2022ની વિધાનસભામાં જૂનાગઢ, સોમનાથ અને પોરબંદર જિલ્લામાં માત્ર એક-એક બેઠક કોંગ્રેસના ફાળે આવી છે.
કઈ જ્ઞાતિના કેટલા ઉમેદવાર વિજેતા બન્યા
સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ-કોંગ્રેસ અને આપે જ્ઞાતિ મુજબ જ ટિકિટની ફાળવણી કરી હતી અને જે પરિણામ આવ્યા તેમાં જે સમાજને સૌથી વધુ ટિકિટ આપવામાં આવી હતી તે જ્ઞાતિના વધુ ઉમેદવાર જીત્યા છે. ભાજપ-કોંગ્રેસ અને આપના જે ઉમેદવાર વિજેતા થયા છે તેમાં 19 પટેલ, 12 કોળી, 6 ક્ષત્રિય, 5 આહીર, 2 બ્રાહ્મણ, 2 મહેર, 6 દલિત, જ્યારે લોહાણા, સતવારા, હિન્દુ વાઘેર અને 1 જૈન ઉમેદવાર વિજેતા થયા છે.
ધોરાજીની બેઠક આંચકી ભાજપે રાજકોટ જિલ્લાની ચારેય બેઠક પર વિજય વાવટો ફરકાવ્યો
રાજકોટ જિલ્લાની જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી બેઠક પર પણ ભાજપનો વિજય વાવટો ફરક્યો હતો, ભાજપે ગત ચૂંટણીમાં ગુમાવેલી ધોરાજી બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની હતી તેમાં પણ ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયા વિજયી બન્યા હતા, ચારેય બેઠક પર જીત મળતાં જિલ્લા ભાજપના કાર્યકરોએ પોતાના મતક્ષેત્રમાં વિજય સરઘસ કાઢ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.