રાજકોટમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવનો આંક વધતો જાય છે. પરંતુ પહેલી અને બીજી લહેર કરતા રાહતના સમાચાર એ છે કે, આ લહેરમાં દર્દીઓ ઘરે રહીને જ સાજા થઈ જાય છે. રાજકોટની વાત કરીએ તો હાલ 1571 એક્ટિવ કેસ છે. પરંતુ સિવિલમાં માત્ર 5 જ દર્દી અને ખાનગી હોસ્પિટલમાં માત્ર 4 દર્દી સારવાર લઇ રહ્યા છે. જેમાં પણ મોટાભાગના દર્દીઓને ઓક્સિજન કે વેન્ટિલેટરની જરૂર પડતી નથી. કારણ કે ત્રીજી લહેરમાં કોરોનાના લક્ષણો સાવ માઇલ્ડ છે. માત્ર દવાથી જ ફેર પડી જાય છે અને હોમ આઇસોલેશન પણ માત્ર સાત જ દિવસ રહેવું પડે છે.
24 જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈનાતઃ કલેક્ટર
આ અંગે રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ મુલાકાત કરી તમામ અધિકારીઓ સાથે રિવ્યૂ બેઠક કરી જરૂરી સુચનો કર્યા હતા. દરરોજ પ્રભારી મંત્રી સાથે વીડિયો કોન્ફરન્સ મારફત કનેક્ટ થઈ રહ્યા છીએ. કોરોના કેસ વધતા આપણે સિવિલ સહિત 114 હોસ્પિટલ તૈયાર રાખી છે. તેમજ 24 જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરીને રાખ્યા છે. ટેસ્ટિંગ અને ટ્રાયલનું કામ ચાલે છે. ત્રીજી લહેરની વાત કરીએ તો 99 ટકાથી વધુ દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. 5 દર્દી સિવિલમાં અને 4 દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.
વેક્સિનના બંને ડોઝ લીધેલા દર્દીઓમાં માઈલ્ડ લક્ષણો
વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓના લક્ષણો માઈલ્ડ છે. આપણને વેક્સિનેશન ખૂબ મદદ કરી રહ્યું છે. બંને ડોઝ લીધા હોય તેવા દર્દીઓમાં બહુ જ માઈલ્ડ સિમ્પ્ટમ્સ જોવા મળે છે. હોમ આઇસોલેશન હેઠળ છે તેવા દર્દીઓને આપણે ઇ-સંજીવની મારફત સંપર્ક કરી રહ્યા છીએ. ધન્વંતરિ રથ દ્વારા ઘરે ઘરે કીટ આપી રહ્યા છીએ. સંજીવની રથ પણ દોડાવવામાં આવી રહ્યા છે. આ રથ વન ટુ વન દર્દીઓના પરિવારજનો સાથે વાતચીત કરે છે. હોમ આઇસોલેશન હેઠળ છે તેઓ ઠંડી વસ્તુ ન લે, તાજો ખોરાક લે. ત્રીજી લહેર પીક પર આવશે તો પણ આપણે હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધા તૈયાર કરી રાખી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.