રાજકોટ મહાનગરપાલિકાનું આગામી 19 ઓગસ્ટના જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. જેમાં 41 નગરસેવકના 81 પ્રશ્ન પૂછ્યા છે. તેમાં સૌથી વધુ પ્રશ્નો કોંગ્રેસના 21 નગરસેવકે 59 પ્રશ્ન મુક્યા છે. વર્તમાન સમયે કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને દિવસેને દિવસે મોતની સંખ્યા પણ વધી રહી છે. આ અંગે બોર્ડમાં પ્રશ્નો પૂછવાના બદલે શાસક અને વિપક્ષના સભ્યોએ મિલકત વેરો, બ્રિજ, આંગણવાડી સહિતના પ્રશ્નોથી બોર્ડની શરૂઆત થશે. બોર્ડમાં પ્રથમ પ્રશ્ન ભાજપના કોર્પોરેટર મનીષભાઇ રાડિયાનો કોમર્શિયલ મિલકત વેરામાં રાજ્ય સરકારે આપેલી રાહતનો કેટલા લોકોએ લાભ લીધો અને કેટલી રકમની રાહત આપવામાં આવી તે છે. જો કે શાસક અને વિપક્ષ કોરોના મહામારીની ચર્ચા કરવા તૈયાર થશે તો તમામ પ્રશ્નો સાઇડમાં મૂકી આ મુ્દ્દે ઘમાસાણ થવાની સંભાવના છે.
મનપાના આગામી જનરલ બોર્ડમાં ભાજપના 20 નગરસેવકે 22 પ્રશ્ન અને કોંગ્રેસના 21 કોર્પોરેટરના 59 પ્રશ્ન એમ કુલ 81 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. જેમાં પ્રથમ પ્રશ્ન મનીષ રાડિયાનો છે. બીજો પ્રશ્નો વિરોધ પક્ષના ઉપનેતા મનસુખભાઇ કાલરિયાનો આરોગ્ય અધિકારીની ખાલી જગ્યા ક્યારે ભરાશે, કે.કે.વી. ચોક ઓવરબ્રિજ અને વીજવાયરને નડતરૂપ વૃક્ષોની ડાળી કાપ્યા બાદ તે કચરો કોણે ઉપાડવો તે અંગેનો છે. આમ બોર્ડમાં પ્રથમ ચાર પ્રશ્નમાં ક્યાંય કોરોનાને લગત પ્રશ્ન નથી. શાસક અને વિપક્ષ બન્ને માટે કોરોના નહીં પણ અન્ય મુદ્દા મહત્ત્વના હોય તે સ્પષ્ટ થઇ રહ્યું છે. કોરોનાને લગતા પ્રશ્નો અમુક કોર્પોરેટરોએ મુક્યા છે, પણ તેમના પ્રશ્નોની નિયમ મુજબ ચર્ચા થઇ શકશે નહીં. કારણ કે, પ્રશ્નનો ડ્રો કર્યા બાદ પ્રથમ ક્રમ આવે તે નગરસેવકના પ્રશ્નથી બોર્ડની શરૂઆત થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.