ઔદ્યોગિક એકમોમાં કોરોનાની અસર:ઓર્ડર પેન્ડિંગ રાખવાનું શરૂ, માસ્કનું વેચાણ ડબલ થયું, બ્યુટી પાર્લર અને સલૂનમાં વેઈટિંગ ઘટ્યું

રાજકોટ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • વેપારમાં જરૂર પૂરતો જ સ્ટોક મગાવતા વેપારીઓ, બ્યુટી પાર્લરમાં બુકિંગ રદ થવાનું શરૂ

રાજકોટમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે, તો બીજી તરફ ઓમિક્રોનના 6 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં ચાર ગ્રામ્ય વિસ્તાર અને બે શહેરી વિસ્તારના છે. પ્રથમ બે લહેર અને લોકડાઉનને કારણે વ્યાપાર જગત, ઔદ્યોગિક એકમો, બ્યુટી સલૂન બંધ રહેતા તેના પર અસર આવી. કોરોનાના કેસ વધશે અને ત્રીજી લહેર આવશે તો તેના ભયને કારણે તેમજ વ્યાપાર અને ઉદ્યોગ જગતમાં નાણાં અટવાયેલા ન રહે તે માટે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ અત્યારથી જ પોતાના પ્લાનિંગમાં ફેરફાર કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ જે.કે.પટેલના જણાવ્યાનુસાર હાલ સ્થાનિક અને દેશ-વિદેશના ઓર્ડર જેના તરફથી મળ્યા છે તેમના તરફથી ઓર્ડર 50 ટકા પેન્ડિંગ રાખવાની સૂચના મળી રહી છે. મળેલા ઓર્ડર એકસાથે પૂરા કરવાને બદલે બે- બે વિભાગમાં પૂરા કરવામાં આવી રહ્યા છે. જ્યારે સાદા માસ્ક અને એન 95 માસ્કની ડિમાન્ડ છેલ્લા 15 દિવસથી વધી છે. અત્યારે દૈનિક 5 હજાર કરતા વધુ માસ્ક વેચાઈ છે જે કેસ ઓછા હતા ત્યારે મહિને 5 હજાર વેચાતા હતા. માસ્કની સરખામણીએ સેનિટાઈઝરની ડિમાન્ડ ઓછી છે. આમ ,પહેલા કરતા માસ્કની ડિમાન્ડ 50 ટકા વધી છે જે શાળા- કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, હોસ્પિટલ તરફથી છે, તો બીજી તરફ વેપારમાં પણ મોટા પ્રમાણમાં સ્ટોક રાખવાનું વેપારીઓ ટાળી રહ્યા છે.

વેપાર- જગત સાથે સંકળાયેલા લોકો એડવાન્સમાં ઓર્ડર મગાવવાને બદલે જરૂર પૂરતો જ સ્ટોક રાખી રહ્યા હોવાનું ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જણાવે છે. જ્યારે બીજી તરફ બ્યુટી પાર્લર અને સલૂનમાં પહેલાની જેમ જ અપોઈન્ટમેન્ટ સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. એક ક્લાઈન્ટની ટ્રીટમેન્ટ પૂરી થયા બાદ જ બીજા ક્લાઈન્ટને પ્રવેશ આપતા હોવાનું બ્યુટી સંચાલકો જણાવે છે. 15 જાન્યુઆરી બાદ લગ્નના મુહૂર્ત શરૂ થશે એમાં ફરી મહેમાન પર મર્યાદા આવે અને ધામધૂમપૂર્વક લગ્ન ન કરી શકીએ તો એ ડરથી જેમને એડવાન્સ બુકિંગ કરાવ્યા છે તે પૈકી કેટલાક ઓર્ડર અત્યારે રદ થઈ રહ્યા છે.

હાલ ઉદ્યોગમાં મોટા રોકાણ પર બ્રેક લાગી
વિદેશમાં અને ભારતના કેટલાક રાજ્યોમાં ઓમિક્રોનના કેસ નોંધાઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં લાંબા ગાળાનું વેપાર- ઉદ્યોગ કરવાનું સાહસ વેપારીઓ ટાળી રહ્યા છે. જો લાંબા ગાળાનો વેપાર કરવામાં આવે તો આર્થિક નુકસાન સહન કરવાની નોબત આવશે તેવા ભયથી મોટા થતા રોકાણ પર બ્રેક લાગી રહી છે. આમ, ઉદ્યોગ જગત અને વેપારમાં વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...