રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગઇકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, ટ્રાન્સપોર્ટની ખોટી પેઢીના નામે ખોટા GST નંબરના આધારે પાર્સલમાં વિદેશી દારૂ મંગાવવામાં આવે છે. આ રીતે રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં આવેલી લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ પેઢીમાં શ્રીજી પ્રોડક્ટ નામની નકલી પેઢીના નામે બ્રાસ ક્લિનરના નામે દારૂ-બિયરનો જથ્થો આવ્યો હોય ક્રાઇમ બ્રાન્ચે 1,42,000નો જથ્થો પકડી લઈ બે શખસની ધરપકડ કરવામાં આવી છે.
480 બિયરના ટીન ઝડપાયા
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે ટ્રાન્સપોર્ટ પેઢીમાં દરોડો પાડી સોહિલ અકબરભાઇ રાઉમા સંધી અને તૌફિક ઇસ્માઇલભાઇ કોલીયા માજાઠીને પકડી લીધા હતા. પોલીસે આ શખસો પાસેથી 64,800 કિંમતની વિદેશી દારૂની 216 બોટલ અને 48,000 કિંમતના 480 બીયરના ટીન તેમજ એક્ટિવા રૂ.30,000 તથા શ્રીજી પ્રોડક્ટ તથા શ્રીજી એન્ટરપ્રાઈઝના બે બનાવટી સિક્કા મળી કુલ રૂ.1,52,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દારૂનો જથ્થો પુઠ્ઠાના ખોખામાં પેકિંગ કરાવ્યો
પકડાયેલા બંને શખસે બહારના રાજ્યમાંથી પુઠ્ઠાના ખોખામાં દારૂનો જથ્થો બ્રાસ ક્લિનરના નામે પેકિંગ કરાવી આ જથ્થો શ્રીજી પ્રોડક્ટના નામની ખોટી પેઢીના નામે મંગાવ્યો હતો. આ પેઢીના નામના સિક્કા પણ બનાવડાવ્યા હતાં. ત્યારે દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર તેમજ અન્ય સંકળાયેલા તમામ શખસો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
8 સિલિન્ડર સાથે 4 શખસની ધરપકડ
રાજકોટના કાલાવડ રોડ પર મેટોડા GIDC ગેટ નં. 3માં કિસ્મત હોટલ પાસે ફૌજી ગેસ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે LPG ગેસના બાટલાનું રિફિલિંગ થતું હોવાની બાતમી મળી હતી. આથી રૂરલ ACP જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ રૂરલ ક્રાઇમ બ્રાન્ચના PI અજયસિંહ ગોહિલ તથા PSI એચ.જે. રાણાની ટીમે જિલ્લા પુરવઠા અધિકારીને જાણ કરી હતી. પુરવઠા નિરિક્ષક ઝાલા સાથે મેટોડા ખાતે 2 દરોડા પાડી ગેરકાયદેસર ગેસના બાટલાનું રિફિલિંગ કરતા કાંતુભા હેમુભા વાળાને ઝડપી લઇ તેના કબ્જામાંથી કોમર્શિયલ સિલિન્ડર તથા ઘરગથ્થુ 8 સિલિન્ડર સાથે કુલ 22,200 નો મુદામાલ કબ્જ કર્યો છે.
ગોંડલમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખસ ઝડપાયો
ગોંડલમાં ગેરકાયદેસર હથિયારની હેરાફેરીનું પ્રમાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગઇકાલે રાજકોટ પોલીસ દ્વારા બે શખસને બે ગેરકાયદે હથિયાર સાથે ઝડપી પાડ્યા બાદ આજે ફરી એક શખસને ગોંડલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગ્રામ્ય SOG પોલીસ દ્વારા સાહિલ પઠાણ નામના શખસને ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આરોપી સાહિલ પઠાણ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.