• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Order To Register An Offense Against The Person Who Cheated On The Pretext Of Giving Quarters By Giving The Identity Of Manpa Officer

કોર્ટનો હુકમ:રાજકોટમાં મનપાના અધિકારીની ઓળખ આપી ક્વાર્ટર અપાવી દેવાના બહાને ઠગાઇ કરનાર સામે ગુનો નોંધવા આદેશ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • છ-છ વખત ફરિયાદ કરવા છતાં ગુનો ન નોંધતી પોલીસને અદાલતની લપડાક, થોરાળા પોલીસને 7 દી’માં રિપોર્ટ આપવા હુકમ

શહેરમાં બનતા બનાવોની તાત્કાલિક ફરિયાદ નોંધવાને બદલે અરજી લેવાની અને ભેદ ઉકેલાયા બાદ ગુનો નોંધવાની કૂટનીતિ અપનાવતી પોલીસને કોર્ટે લપડાક મારી છે. ઉચ્ચ અધિકારીઓને અનેક ફરિયાદ કરવા છતાં કાર્યવાહી ન કરનાર પોલીસને ગુનો નોંધી 7 દિવસમાં તપાસનો રિપોર્ટ આપવા અદાલતે હુકમ કર્યો છે.

નવા થોરાળા, રામનગર વિસ્તારમાં રહેતા સલીમભાઇ અલ્લારખાભાઇ કંડોળિયા જે કારખાનામાં કામ કરે છે તેના માલિકના ભાણેજ ભાવેશ પંડ્યાએ પોતે રાજકોટ મનપાના સાહેબોને ઓળખે છે. શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં તેમજ કવિ કલાપી શ્રદ્ધા સોસાયટી આવાસમાં નાના બજેટમાં ફ્લેટ અપાવી દેશે. જો તમારે બુકિંગ કરાવવું હોય તો કહેજો. આ સમયે કારખાનેદાર દિનેશ પાઠક, તેના ભાણેજ ભાવેશ પંડ્યાએ અન્ય 4 મહિલા સહિત 5 લોકોને પણ આવાસમાં ફ્લેટ અપાવી દેવાની વાત કરી હતી. જે વાત કર્યા બાદ પત્નીના નામે આવાસના ક્વાર્ટરમાં ફ્લેટ લેવાની પોતે અને અન્ય પાંચ લોકોએ તૈયારી બતાવી હતી.

આ સમયે ભાવેશ પંડ્યાએ પીયૂષ વસાવડિયા અને મનસુખ અંધાણીનો સંપર્ક કરાવ્યો હતો. જેઓ મનપાના અધિકારી હોવાની ઓળખ આપી હતી. બાદમાં ભાવેશ પંડ્યા અને મનપાના અધિકારીની ઓળખ આપનાર બંને શખ્સે કવિ કલાપી ટાઉનશિપ અને શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં લઇ જઇ બંધ ક્વાર્ટર બતાવ્યા હતા. બાદમાં વિશ્વાસ આવી જતા સલીમભાઇએ ફ્લેટના અવેજમાં ચૂકવવાની રૂ.5.51 લાખ મનપાના અધિકારી તરીકેની ઓળખ આપનાર બંને શખ્સને આપી હતી. તેમજ અન્ય 5 લોકોએ પણ રકમ ચૂકવી હતી. તે સમયે બંને શખ્સે મનપાના અધિકારીના સહી-સિક્કા, તેમજ સબ રજિસ્ટ્રારના સિક્કાવાળા દસ્તાવેજો બતાવ્યા હતા.

આવાસમાં ફ્લેટની આશમાં લાખોની રકમ ચૂકવ્યા બાદ લાંબા સમય પછી પણ ફ્લેટ નહિ મળતા ભાવેશ પંડ્યા સહિત ત્રણેય શખ્સને વાત કરી હતી. જેથી તેમણે વધુ રકમની માગી કરી ફ્લેટનો કબજો દેવા બહાના બતાવતા રહ્યાં હતા. દરમિયાન કંઇક ખોટું થતું હોવાની શંકા જતા મનપામાં સલીમભાઇ સહિત છએય લોકો જઇ તપાસ કરતા મનપાના અધિકારી તરીકેની ઓળખ આપનાર શખ્સો કોઇ અધિકારી ન હોવાનું અને તેમણે જે આવાસમાં ફ્લેટ બતાવ્યા તે ફ્લેટધારકો હપ્તા ભરવામાં નિષ્ફળ ગયા હોય સીલ મારેલા ક્વાર્ટર બતાવ્યા હોવાની માહિતી મળી હતી. દરમિયાન મહેનતની કમાણી લેભાગુ તત્ત્વો ચાઉ કરી જતા પોલીસ કમિશનર પાસે દોડી જઇ રજૂઆત કરી હતી. જેને પગલે થોરાળા પોલીસને તપાસ સોંપી હતી, પરંતુ થોરાળા પોલીસે અરજી ફાઇલ કરી નાંખી હતી.​​​​​​​ બાદમાં ડીસીપીને રજૂઆત કરતા તેમણે પણ થોરાળા પોલીસને તપાસ કરવા હુકમ કર્યો હતો. તેમ છતાં પણ કોઇ પ્રકારની કાર્યવાહી કરી ન હતી.

ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવા છતાં ગુનો ન નોંધતા ભોગ બનનારે એડવોકેટ સંજય એચ.પંડ્યા મારફત કોર્ટમાં ફરિયાદ કરી હતી. બનાવની ફરિયાદ નોંધાય તો જ સત્ય બહાર આવી શકે તેમ હોવાની રજૂઆત કરતા અદાલતે થોરાળા પોલીસમથકના પીઆઇને મનપાના અધિકારીની ઓળખ આપનાર બંને શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધવા અને સાત દિવસમાં તપાસ કરી રિપોર્ટ કરવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...