હુકમ:સારવારનો ખર્ચ વ્યાજ સાથે ચૂકવવા ફોરમનો હુકમ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકોને કનડગત કરતી વીમા કંપનીને લપડાક

વીમાધારકને સારવારનો ખર્ચ ચૂકવવાનો નનૈયો કરનાર વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા ફોરમે લપડાક મારી છ ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા હુકમ કર્યો છે. રજનીકાંત એમ.કારિયા નામના આધેડે યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યુરન્સ કંપનીની ફેમિલી મેડિકેર પોલિસી લીધી હતી. પોલિસી દરમિયાન પત્ની કેન્સરની બીમારીમાં સપડાતા જુદા જુદા સમયે જુદી જુદી સારવાર કરાવી હતી.

સારવાર બાદ વીમા કંપનીમાં બિલો રજૂ કરી ચાર ક્લેમ દાખલ કર્યા હતા. આ સમયે વીમા કંપનીએ કેમોથેરાપીમાં માત્ર ઇન્જેક્શન લેવાનું થાય છે જેથી કેમોથેરાપીની સારવારનો ખર્ચ વીમા પોલિસી હેઠળ મળવાપાત્ર નથીનું કારણ જણાવ્યું હતું. વીમા કંપની પોલિસી મુજબની શરતોનું મનસ્વી અને એકતરફી અર્થઘટન કરી શરત નં.2.11 હેઠળ વીમો ચૂકવવાનો ઇનકાર કરી દીધો હતો.

જેથી પોલિસીધારક નારાજ થઇ એડવોકેટ ગજેન્દ્ર એમ.જાની મારફત ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ચાર ક્લેમની ચાર ફરિયાદ કરી હતી. એડવોકેટ જાનીએ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ પોલિસીધારકની તરફેણમાં ચુકાદો આપી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન રાજકોટના જજ વાય.ડી.ત્રિવેદી, સભ્ય કે.પી.સચદેવની બેંચે જણાવ્યું કે, વીમાધારકને સારવારનો ખર્ચ પોલિસીમાં જણાવ્યા મુજબ મળવાપાત્ર હોવાથી વીમા કંપનીને સારવાર ખર્ચ છ ટકા વ્યાજ સાથે એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...