રાજકોટ કોંગ્રેસનો વિરોધ:કલેકટર કચેરી ખાતે ધરણા યોજી અગ્નિપથ યોજનાનો વિરોધ કર્યો, પોલીસે 30થી વધુની ટીંગાટોળી સાથે અટકાયત કરી

રાજકોટ5 મહિનો પહેલા
  • સરકાર વિરુધ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની સૂચના અનુસાર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ દ્વારા આજ રોજ 'ભાજપ સરકાર હાય હાય' તેમજ 'અગ્નિપથ કાયદો પાછો ખેંચો' ના નારા લગાવ્યા હતા. જે બાદ પોલીસે ટીંગાટોળી કરી આગેવાનો અને કાર્યકર્તાની અટકાયત કરી હતી..

સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની સૂચના મુજબ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજરોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા વીજળી, બેરોજગારી, મોંઘવારી અને નવ યુવાનો માટે સરકારે વિચાર્યા વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે. તેના વિરોધમાં ધરણા યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર વિરુધ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

પોલીસે અટકાયત કરી
જો કે મંજૂરી વગર ધરણા કરતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાની પોલીસે અટકાયત કરી હતી. આ વિરોધ દરમિયાન પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. અને વિરોધ કરતા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકર્તા સહીત કુલ 30થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.

પ્રજા ત્રસ્ત બનેલી છે
આ અંગે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્ત બનેલી છે પ્રજા વીજળી, મોંઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે જયારે બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે. જે લાંબા સમયથી ચાલી રહેલી પરંપરાગત પધ્ધતિને બાજુએ મુકીને અને સૈનિકોના મજબુત મનોબળને નિર્બળ બનાવવાની દિશા તરફનું પગલું છે. જેના કારણે દેશભરના નવયુવાનો, વજેઓ લશ્કરમાં જોડાવા માંગતા હોય તેઓ આ યોજનાનો વિરોધ કરી રહ્યા છે.