રાજકોટ મહાનગરમાં ભાજપનું ઘર સળગી રહ્યું છે ત્યારે છેલ્લા પખવાડીયામાં બદલાયેલા સંજોગો વચ્ચે આજે મેયર ડો પ્રદિપ ડવના અધ્યક્ષસ્થાને દ્વિમાસિક સામાન્ય સભા મળી હતી. જ્યાં દર વખતની જેમ આ વખતે પણ શાસક અને વિપક્ષ આમને સામને આવ્યા હતા અને ઉગ્ર બોલાચાલી કરી હતી. જ્યાં કોંગી વશરામ સાગઠીયા નેતાએ ભાજપના આંતરિક જૂથવાદ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે,રાજકોટ ભાજપમાં બે ભાગ છે. હવે પાટીલ સાહેબ રાજકોટ આવી ત્રીજો ભાગ કરવા આવી રહ્યા છે.
તમારો માંડ માંડ વારો આવ્યો છે તમે શાંતિથી બેસો
વધુમાં વશરામ સાગઠીયાએ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને ભાજપના કોર્પોરેટરો પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમારો માંડ માંડ વારો આવ્યો છે તમે શાંતિથી બેસો. અને એક વાત સમજી લ્યો જનરલ બોર્ડ તમારા બાપની જાગીર નથી. આ સાંભળતા ભાજપના કોર્પોરેટર જયમીન ઠાકર તથા સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ અને કોંગ્રેસના અને વશરામ સાગઠીયા વચ્ચે ઝગડો શરૂ થયો હતો
કોર્ટના નિર્ણય બાદ મનપા દ્વારા નવો નિર્ણય લેવામાં આવશે
આજના જનરલ બોર્ડમાં કોંગી નેતા વશરામ સાગઠીયાએ મોબાઈલ ટાવર અંગે પ્રશ્ન પૂછ્યું હતું કે, મોબાઇલ ટાવરનો કેટલો વેરો બાકી છે ? આ મુદ્દે મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, અત્યારે 699 જેટલા મોબાઈલ ટાવર છે. જેની લેણાં વસુલાતની રકમ 158 કરોડ થાય છે. એ પૈકી 4.5 કરોડ રૂપિયાની રકમ મળેલ છે. હાલ આ બાબતે કોર્ટ કેસ ચાલે છે. અને કોર્ટના નિર્ણય બાદ મનપા દ્વારા નવો નિર્ણય લેવામાં આવશે. વોર્ડનં. 9માં વોર્ડ ઓફિસ સામે નવા બનાવવામાં આવેલા અદ્યતન કોમ્યુનિટી હોલનું અભય ભારદ્વાજ કોમ્યુનિટી હોલ નામકરણ કરવામાં આવ્યું છે. આજની સામાન્ય સભામાં આ દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે.
રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે
વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રોગચાળા પર પ્રશ્ન કરતા કહ્યું હતું કે, હાલ સમગ્ર રાજકોટમાં રોગચાળો વકરી રહ્યો છે ત્યારે શહેરમાં મચ્છરજન્ય રોગચાળા ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા, પાણી જન્ય રોગચાળા કમળો, ટાઈફોઈડ, મરડો, કોલેરા, તાવ, ઝાડા-ઉલટી, શરદી-ઉધરસ સહિતના કેસોમાં વિપુલ પ્રમાણમાં વધારો થયો છે.
જનરલ બોર્ડમાં નગરજનોને સાચી માહિતી આપવા વિનંતી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટ શહેરના નગરજનોની આરોગ્યના હિતમાં મહાનગરપાલિકા દ્વારા લેવાતા પગલા અંગે ચર્ચા કરવા અને આ જનરલ બોર્ડમાં નગરજનોને સાચી માહિતી આપવા વિનંતી કરીએ છીએ તેમજ સમગ્ર રાજકોટ શહેરમાં હાલ ટ્રાફિક સમસ્યાએ મોટો પ્રશ્ન ઉભો થયો છે જે નિવારવા આજની સાધારણ સભામાં લોકહિતાર્થે ચર્ચા કરવામાં આવે તેવી અમો માંગણી કરીએ છીએ.
ભાજપના 14 કોર્પોરેટરોએ 28 અને કોંગ્રેસના 4 સભ્યોએ 12 મળી કુલ 40 પ્રશ્ન મુકયા
આજના જનરલ બોર્ડમાં ભાજપના 14 કોર્પોરેટરોએ 28 અને કોંગ્રેસના 4 સભ્યોએ 12 મળી કુલ 40 પ્રશ્ન મુકયા છે. હાલ રાજકોટમાં કોરોનાના કેસ વધતાં માસ્ક પહેરવાની સૂચના અપાઇ છે. ત્યારે નાગરિકો તો તેની અમલવારી કરી રહ્યા છે પરંતુ મનપાના જનરલ બોર્ડમાં જનતાના પ્રતિનિધિઓ માસ્ક વગર ના જોવા મળ્યા હતા. જ્યાં ભાજપના મોટા ભાગના કોર્પોરેટરોને માસ્ક પહેરવું જરૂરી લાગ્યું ન હતું.
ભાજપના કોર્પોરેટરોના પ્રશ્નોથી ચર્ચા શરૂ થઈ
બોર્ડના એજન્ડામાં વોર્ડ નં.3માં દરબારગઢ બાજુમાં યુરિનલ દુર કરવા, ઘંટેશ્વરના 24 મીટર ડીપી રોડમાં કપાત બદલ વૈકલ્પિક જમીન ફાળવવા, પાર્કિંગ પોલીસી અને બાયલોઝ મંજૂર કરવા, અરવિંદભાઇ મણિયાર લાયબ્રેરીમાં મનપા પ્રતિનિધિનું નામ સુચવવા, શિક્ષણ સમિતિનું રોજકામ જાણમાં લેવાની દરખાસ્તનો સમાવેશ થાય છે. ગત બોર્ડની જેમ જ આ બોર્ડમાં પણ ભાજપના કોર્પોરેટરોના પ્રશ્નોથી ચર્ચા શરૂ થઈ હતી. ક્રમ 1 થી 14 સુધી ભાજપના અને 15 થી 18 ક્રમ પર વિપક્ષના સવાલ રહેલા છે. સૌ પહેલો પ્રશ્ન વોર્ડ નં.3ના કુસુમબેન ટેકવાણીનો છે. ટેકસ વિભાગ દ્વારા નોટીસ, ફ્રી વાઇફાઇ, રોડ રસ્તા રીપેરીંગ, ફોગીંગ વગેરે કામગીરીનો રેકોર્ડ માંગ્યો હતો.
ગત બોર્ડમાં પરિણામલક્ષી ચર્ચા થઈ હતી
રોશની વિભાગમાં ત્રણ મહિનામાં નોંધાયેલી સ્ટ્રીટ લાઇટની ફરીયાદ અને તેના નિકાલના આંકડા, કોર્પો.ના કુલ કેટલા સ્વીમીંગ પુલ છે, સભ્યો અને નવા સ્વીમીંગ પુલના આયોજન અંગેની વિગત પૂછવામાં આવી છે. ગત બોર્ડમાં ભાજપ સભ્યોએ પરિણામલક્ષી ચર્ચા કરી હતી. ગઇકાલની સ્ટે.કમીટીની સંકલનમાં પણ જુના બીલની મંજૂરી, નગરસેવકો સાથે કરવાના સંકલન અંગે તંદુરસ્ત ચર્ચા થઇ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.