કોરોના રાજકોટ LIVE:બપોર સુધીમાં કેસની સંખ્યા 'શૂન્ય', વિપક્ષ નેતાનો તંત્ર પર આક્ષેપ, કહ્યું- વેક્સિન લેવા માટે તંત્ર વેપારીઓને દબાવવાનું બંધ કરે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસ કમિશનર જાહેરનામાંની અમલવારી સાથે વેપારીઓને વેક્સિન લેવા મદદ કરશે
  • ત્રીજી લહેરનો સામનો કરવા સિવિલ, મનપા અને કલેક્ટર તંત્ર એલર્ટ મોડમાં, બેડની સંખ્યા વધારી 1440 કરાશે

રાજકોટમાં કોરોના કેસની સંખ્યા દિવસેને દિવસે ઘટીને શૂન્ય પર આવી ગઈ છે. ગઈકાલે શુક્રવારે શહેરમાં એક પણ કેસ નોંધાયો નહોતો. આજે પણ બપોર સુધીમાં એક પણ કેસ નોધાયો નથી. અત્યાર સુધીમાં પોઝિટિવ કેસની સંખ્યા 42790 પર પહોંચી છે. વેપારીઓને વેક્સિન લેવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે આ મુદ્દે વેપારીઓને વેક્સિન આપવાના મુદ્દે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીએ તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વેક્સિન લેવા તંત્ર વેપારીઓને દબાવવાનું બંધ કરે.

વેક્સિન લેવા માટેની કોઈ નક્કર ગાઈડલાઈન્સ જ નથી
વધુમાં ભાનુબેન સોરાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના નગરજનોને વેક્સિન મળતી નથી અને વેપારીઓને વેક્સિન આપવામાં મનપાનું તંત્ર નિષ્ફળ નીવડ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને વેપારીઓને વેક્સિન લેવા માટેની કોઈ નક્કર ગાઈડલાઈન્સ જ નથી. જેથી વેપારીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. મારા લોકદરબારમાં પણ વેક્સિન અંગેની અનેક ફરિયાદો મળી છે. ત્યારે તંત્ર વેપારીઓને દબાવવાનું બંધ કરે.

વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી (ફાઈલ તસ્વીર)
વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી (ફાઈલ તસ્વીર)

વેપારીઓને વેક્સિનનો પહેલો ડોઝ પણ હજુ મળ્યો નથી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના નાગરિકો અને વેપારીઓને વેક્સિનનો પહેલો ડોઝ પણ હજુ મળ્યો નથી ત્યારે રાજકોટના કલેકટર, પોલીસ કમિશ્નરઅને મ્યુનિ.કમિશનર દ્વારા વેપારીઓને દબાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. વેપારીઓ સાથે માનવતા દાખવવા ને બદલે તેને દબાવવાના હિન્ન પ્રયાસ આ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જેનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ.

કમિશનરનું નરોવા કુંજરોવા જેવું વલણ
રાજકોટના પોલીસ કમિશનરે થોડા દિવસ પહેલા એક જાહેરનામું પ્રસિધ્ધ કરીને વેપારીઓને જણાવ્યું હતું કે, 31 જુલાઈ સુધીમાં વેપારીઓ ઉપરાંત વેપાર-ધંધા અને ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલા માલિકો અને કર્મચારીઓએ વેક્સિનનો પહેલો ડોઝ લેવો ફરજિયાત ડોઝ લેવો પડશે ત્યારબાદ ગઈકાલે એક વિડિયો જાહેર કરીને બપોરે 12 વાગ્યે એવું કહ્યું હતું કે, અગાઉ જે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું તે હટાવી દેવામાં આવે છે. પરંતુ રાત્રે 9 વાગ્યે ફરી એવું જાહેર કર્યું કે, વેપારીઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી જ પડશે. અને જે લોકો વેક્સિન લેવામાં બાકી છે તે લોકોને વેક્સિન અપાવવા અમે મદદ કરીશું.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (ફાઈલ તસ્વીર)
પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ (ફાઈલ તસ્વીર)

પીડિયાટ્રિક વોર્ડમાં 200 બેડ તૈયાર કરવામાં આવશે
ત્રીજી લહેરમાં બાળકો વધુ સંખ્યામાં સંક્રમિત થવાની ભીતિ સેવા રહી હોવાને પગલે પીડિયાટ્રિક વોર્ડમાં 200 બેડ તૈયાર કરવામાં આવશે. બીજી લહેર વખતે અહીં માત્ર 15 બેડની જ વ્યવસ્થા હતી. જેમાં 185 બેડનો વધારો કરવામાં આવ્યો છે. બેડ વધારવાની તમામ કવાયત આગામી એકથી બે સપ્તાહ સુધીમાં પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક તંત્ર સેવી રહ્યું છે અને તેને હાંસલ કરવા માટે તૈયારી પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.

વેક્સિનેશન માટે 34 સેશન સાઇટ કાર્યરત
શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 5220 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 2596 સહિત કુલ 7816 નાગરિકોએ રસી લીધી હતી.આજે શહેરમાં 34 સેશન સાઇટ પર વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.જે નીચે મુજબ છે.

1) સિવિલ હોસ્પિટલ 2) પદ્મકુંવરબા હોસ્પિટલ 3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર 4) ચાણક્ય સ્કૂલ– ગીત ગુર્જરી સોસાયટી 5) નંદનવન આરોગ્ય કેન્દ્ર 6) શિવશક્તિ સ્કુલ 7) નાનામવા આરોગ્ય કેન્દ્ર 8) મવડી આરોગ્ય કેન્દ્ર 9) શાળા નં.84, મવડી ગામ 10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર 11) શાળા નં.28, વિજય પ્લોટ 12) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ 13) સદર આરોગ્ય કેન્દ્ર 14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર 15) શેઠ હાઈસ્કુલ 16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર 17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર 18) શાળા નં. 61, હુડકો 19) શાળા નં. 20 બી, નારાયણનગર 20) જંક્શન આરોગ્ય કેન્દ્ર 21) માધાપર આરોગ્ય કેન્દ્ર 22) રેલવે હોસ્પિટલ 23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ 24) ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર 25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર) 26) કબીરવન આરોગ્ય કેન્દ્ર 27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર 28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર 29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર 30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર 31) તાલુકા શાળા (BRC) ભવન

આજે આ સેશન સાઈટ પર કોવેક્સિન અપાય છે
1) શાળા નં.47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં.49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક