તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB સ્ટિંગ ઓપરેશન:રાજકોટ-અમદાવાદ અને રાજકોટ-ગોંડલ હાઇવે પર ધમધમે છે નકલી બાયોડીઝલના ગેરકાયદે પંપ, નેતાઓ, મોટા માથાં, પોલીસ-કલેક્ટરની મીઠી નજરની ચર્ચા,

રાજકોટ7 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશનમાં ઘટસ્ફોટ
  • સ્ટિંગ ઓપરેશન મામલે જિલ્લા પોલીસ વડાનું નિવેદન કહ્યું, આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
  • વિક્રેતાઓએ પુરવઠા વિભાગ કે સંબંધિત તંત્રને સાધી લીધું હોય એમ ખુલ્લેઆમ ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ
  • 10 બાય 10ની ઓરડીમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર ધમધમી રહ્યો છે
  • ગેરકાયદે પંપને લઈ સરકારની તિજોરીને લાખોનું નકસાન

રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં ભયાનક હોનારત નોતરી શકે એવા બાયોડીઝલના ગેરકાયદે પંપ ધમધમી રહ્યા છે. આ પંપો નેતાઓ, મોટા માથાં, કલેક્ટર અને પોલીસની મીઠી નજર હેઠળ બેરોકટોક ધમધમી રહ્યા હોવાની ચર્ચા છે. ધીકતી કમાણીના આ ગેરકાનૂની ધંધા માટે મહિને લાખો રૂપિયાના હપતા ચૂકવતા વિક્રેતાઓએ પુરવઠા વિભાગ કે સંબંધિત તંત્રને પણ સાધી લીધું હોય એમ ખુલ્લેઆમ બાયોડીઝલનું વેચાણ થઇ રહ્યું છે. અમદાવાદ, રાજકોટ, ગોંડલ હાઇવે પર ભરૂડી ટોલ પ્લાઝાથી શરૂ કરી જેતપુર અને આસપાસના વિસ્તાર સુધી પોલીસની રહેમનજર તળે ગેરકાયદે બાયોડીઝલના 50 જેટલા પંપ ચાલતા હોવાની માહિતી સામે આવી છે.

પોલીસચોકીની સામેના રસ્તા તરફ બાયોડીઝલનો પંપ ધમધમે છે
દિવ્ય ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનમાં સાબિત થાય છે કે પોલીસની મીઠી નજર હેઠળ જિલ્લામાં બાયોડીઝલનો વેપલો બેરોકટોક ચાલી રહ્યો છે. 10 બાય 10ની ઓરડીમાં બાયોડીઝલનો ગેરકાયદે વેપાર ધમધમી રહ્યો છે, જેમાં રાજકોટમાં રોજનું લાખો લિટર બાયોડીઝલ ગેરકાયદે રીતે વેચવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, આ ઉપરાંત રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલ ભરૂડી ટોલ બૂથ આગળ DivyaBhaskarની ટીમ પહોંચી તો ત્યાં પોલીસચોકીની સામેના રસ્તા તરફ બાયોડીઝલનો પંપ ચાલુ હાલતમાં જોવા મળ્યો હતો, જેમાં પણ બેરોકટોક અને બિનધાસ્ત રીતે બાયોડીઝલ ટ્રકમાં ભરવામાં આવતું હતું.

આગામી સમયમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. - જિલ્લા પોલીસ વડા
​​​​​​​રાજકોટ જિલ્લામાં ચાલતા બાયોડિઝલના ગેરકાયદેસર પંપ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ DIVYABHASKAR સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે , રાજકોટ જિલ્લામાં જે જગ્યા પર બાયોડિઝલના પંપ ચાલી રહ્યા છે તે અંગે તપાસ કરવામાં આવશે અને ​​​​​​​તેના ઉપર આગામી સમયમાં દરોડા કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં એકેય જગ્યાએ ઓરિજિનલ બાયોડીઝલ બનાવવામાં આવતું નથી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા ડો. યોગેશ નલિયાપરાએ જણાવ્યું હતું કે 7 વર્ષ પૂર્વે એક કંપની દ્વારા બાયોડીઝલની શોધ કરવામાં આવી હતી. જોકે છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ બાયોડીઝલનું બજારમાં વેચાણ શરૂ થયું છે. ડુપ્લિકેટ બાયોડીઝલના વપરાશથી વાહનોના એન્જિનને નુકસાન જરૂર પહોંચે છે, પરંતુ આ સાથે સરકરને થતી ટેક્સની આવકમાં પણ મોટી ખોટ પડી શકે છે. ડો.નલિયાપરાના જણાવ્યા મુજબ, ગુજરાતમાં એકપણ જગ્યાએ ઓરિજિનલ બાયોડીઝલ બનાવવામાં નથી આવતું. ઓરિજિનલ બાયોડીઝલ પામ ઓઇલ અને ફેટી એસિડ મિથાઇલ એસ્ટરની મદદથી બનાવવામાં આવે છે.

પેરાફિન ઓઇલ-હાઇડ્રો કાર્બન સોલવન્ટમાંથી બને છે નકલી બાયોડીઝલ
ડો. યોગેશ નલિયાપરા મુજબ, ગુજરાતમાં આવતું નકલી બાયોડીઝલ પેરાફિન ઓઇલ અને હાઇડ્રો કાર્બન સોલવન્ટમાંથી બનાવવામાં આવે છે તેમજ ઓરિજિનલ અને ડુપ્લિકેટ બાયોડીઝલ વચ્ચે તફાવત ચકાસવા માટે ફોરેન્સિક રિપોર્ટ કરવો જરૂરી બની રહે છે અને ફોરેન્સિક રિપોર્ટ થયા બાદ જ ઓરિજિનલ અને ડુપ્લિકેટ બાયોડીઝલને ચકાસી તફાવત કાઢી શકાય છે.

એકપણ પંપ પાસે લાઇસન્સ નથી
રાજકોટ શહેર કે જિલ્લામાં બાયોડીઝલના એકપણ પંપ માટે તંત્ર તરફથી લાઇસન્સ ઇસ્યુ કરાવામાં આવ્યું નથી. જેથી એક વાત સ્પષ્ટ છે કે જેટલા પણ બાયોડીઝલના પંપ ધમધમી રહ્યા છે એ ગેરકાયદે રીતે પોલીસ અને પુરવઠા વિભાગની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા છે.

ડીઝલના ભાવોમાં ભડકો થતાં લોકોએ બાયોડીઝલનો વપરાશ શરૂ કર્યો
સતત વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવથી જનતા પરેશાન છે તો બીજી તરફ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રહેલા 4000 જેટલા પેટ્રોલ પંપ પર એની સીધી અસર જોવા મળી છે. આજે પેટ્રોલ અને ડીઝલ વચ્ચેના ભાવમાં નહિવત તફાવત જોવા મળી રહ્યો છે જેને કારણે લોકો ડીઝલના બદલે બાયોડીઝલનો ઉપયોગ કરતા જોવા મળે છે. એક સર્વે મુજબ રોજનું લાખો લિટર બાયોડીઝલ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વેચવામાં આવી રહ્યું છે, જેથી એમ કહી શકાય કે બાયોડીઝલ આવવાથી લિગલ પેટ્રોલપંપ પર ડીઝલના વેચાણ ઉપર 20થી 25%નો ઘટાડો જોવા મળ્યો છે.

લેભાગુ તત્ત્વો દ્વારા લાઇસન્સ વગર જ બાયોડીઝલ પંપ ખોલવામાં આવ્યા
કેન્દ્ર સરકાર દ્વારા માત્ર બ્લેડિંગ માટે જ ફ્યુઅલ ઓઇલ મિશ્રિત બાયોડીઝલ વેચવાની પરવાનગી આપવામાં આવી છે અને એ માટે એવી શરત રાખવામાં આવી છે કે પેટ્રોલ-ડીઝલ પંપની જેમ બાયોડીઝલ પંપ ખોલવા માટે પણ લાઇસન્સ અને મંજૂરી લેવાં જરૂરી છે, પરંતુ આજે રાજકોટમાં એક પણ લાઇસન્સ ઇસ્યુ ન કર્યા હોવા છતાં કેટલાંક લેભાગુ તત્ત્વો દ્વારા લાઇસન્સ અને પરવાનગી વગર જ બાયોડીઝલ પંપ ખોલવામાં આવ્યા છે અને તેમના દ્વારા બ્લેડિંગની જગ્યાએ આખી ટાંકી બાયોડીઝલથી ભરવામાં આવે છે.

બીજી તરફ, બાયોડીઝલ અને ડીઝલના રેટમાં પણ મોટું અંતર હોય છે, જેથી પેટ્રોલ-ડીઝલ પંપના ડીલરોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. આજે સામાન્ય ડીઝલનો ભાવ 80 રૂપિયાને પાર છે જેની સામે બાયોડીઝલ રૂપિયા 67માં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી લોકો ડીઝલના બદલે હવે બાયોડીઝલનો વપરાશ વધુ કરી રહ્યા છે.

નેતાઓની ભલામણથી પંપો ચાલે છે?
રાજકોટ અમદાવાદ હાઇવે પર ગેરકાયદે ચાલતા બાયોડીઝલના પંપ પર થોડા દિવસ પહેલાં પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ દ્વારા બાયોડીઝલની બે સાઇટ પર દરોડા પાડી 23,000 લિટર બાયોડીઝલનો જથ્થો કબજે કર્યો હતો.. જોકે ગોંડલ રોડ પર ચાલતા એકપણ બાયોડીઝલનો પંપ સામે હજુ સુધી ના તો પોલીસે કોઇ કાર્યવાહી કરી છે ના તો પુરવઠા વિભાગે કોઇ પગલાં ભર્યાં છે, તેથી આ વિસ્તારમાં ચાલતા બાયોડીઝલના પંપ નેતાઓ અને મોટાં માથાંની ભલામણથી ચાલતા હોવાની ચર્ચા ચાલી રહી છે.