તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનું જોખમ:રાજકોટના કાલાવડ રોડ પર મનપાની પોલ ખુલી, ઝાપટામાં મસમોટા ખાડા પડ્યાં, ચાલુ બાઇકે પડતા લોકોના LIVE દ્રશ્યો

રાજકોટ13 દિવસ પહેલા
કારની આગળ એક બાઇક સવાર પડી ગયો.
  • કાલાવડ રોડ પર એક તરફ ઓવરબ્રિજની કામગીરી અને બીજી બાજુ ડાયવર્ઝનથી ટ્રાફિક સમસ્યા

રાજકોટ શહેરમાં પડેલા વરસાદી ઝાપટાએ મનપા તંત્રની પોલ ખોલી દીધી છે. રાજકોટ શહેરનાં હાર્દસમા કાલાવડ રોડ પર વરસાદી ઝાપટાએ રસ્તા પર મસ મોટા ખાડા પાડી દીધા છે. રસ્તા પર પડેલા મસમોટા ખાડાના કારણે લોકો પરેશાન થઇ રહ્યાં છે અને અકસ્માત તેમજ ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે. રસ્તા પર પડેલા ખાડામાં વાહનચાલકો પડતા અને ફસાતા લાઈવ દ્રશ્યો Divya Bhaskarના કેમેરામાં કેદ થયા છે.

મસમોટા ખાડામાં બાઇકના વ્હિલ ફસાય જાય છે.
મસમોટા ખાડામાં બાઇકના વ્હિલ ફસાય જાય છે.

નાના-મોટા અકસ્માત સર્જાવવાની ભીતિ
રાજકોટ શહેરમાં ગત સપ્તાહ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદી ઝાપટાએ રાજકોટ મહાનગરપાલિકા તંત્રની પોલ ખોલી દીધી છે. શહેરના હાર્દસમા કાલાવડ રોડ પર વરસાદી ઝાપટાંનાં કારણે મુખ્ય રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે અને તેના કારણે ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે અને નાના-મોટા અકસ્માત સર્જાવવાની ભીતિ સેવાય રહી
છે.

લોકો પડતા પડતા બચી જાય છે.
લોકો પડતા પડતા બચી જાય છે.

એક તરફ ડાયવર્ઝન અને બીજી બાજુ ઓવરબ્રિજની કામગીરી
કાલાવડ રોડ પર એક તરફ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ રસ્તા પર ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે. જેના કારણે રોજ બરોજ ટ્રાફિક સમસ્યા સર્જાય રહી છે. એટલું ઓછું હતું તો હવે રસ્તા પર પડેલા ખાડાનાં કારણે લોકો પરેશાન થઈ રહ્યાં છે. આ સમયે રાજકોટના સ્થાનિક નાગરિક દ્વારા મેયર તેમજ મ્યુનિસિપલ કમિશનરને વોટ્સએપ પર મેસેજ કરી રસ્તા પર તાત્કાલિક સમારકામ કરાવવા માગ કરી હતી. જોકે આમ છતાં એક સપ્તાહ જેટલો સમય થયો પરંતુ રસ્તાનું સંપૂર્ણ સમારકામ કરવામાં આવ્યું નથી.

મહિલાઓ પરેશાન.
મહિલાઓ પરેશાન.

મેં પોતે આ રસ્તાની મુલાકાત કરીઃ મેયર
રાજકોટ મનપાના મેયર ડો.પ્રદીપ ડવએ Divya Bhaskar સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની ફરિયાદ મળતા મેં પોતે આ રસ્તાની મુલાકાત કરી હતી અને તાત્કાલિક અસરથી પરિમલ સ્કૂલ નજીકનો મોટો ખાડો રીપેર કરવામાં આવ્યો હતો. હજુ પણ અન્ય ખાડાઓ છે તેનું પણ સ્થળ તપાસ કરવામાં આવ્યું છે. આગામી એક સપ્તાહમાં જો વરસાદ નહિ આવે તો રસ્તાનું સમારકામ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ ડામર પ્લાન્ટ બંધ હોવાથી ડામર કામ થઇ શકતું નથી. જે આગામી ટૂંક સમયમાં શરૂ થતા રસ્તાઓ પર ખાડા દૂર કરવા ખાતરી મેયર દ્વારા આપવામાં આવી છે.

ઝાપટામાં મસમોટા ખાડા પડ્યા.
ઝાપટામાં મસમોટા ખાડા પડ્યા.
અન્ય સમાચારો પણ છે...