અરજદારોને ધક્કા!:રાજકોટ જિલ્લા પંચાયત કચેરીમાં માત્ર બે ચેરમેન હાજર, અન્યની ચેમ્બર્સ ખાલી

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંકલનમાં ફરી પતિદેવોની હાજરીને પગલે વિવાદ સર્જાયો
  • મહિલા સભ્યોના​​​​​​​ પતિ-પદાધિકારી સામસામે હોવાનો વિપક્ષનો આક્ષેપ

રાજકોટ જિલ્લા પંચાયતની સોમવારે મળેલી સંકલન બેઠકમાં પતિદેવોની હાજરીનો મુદ્દો ગરમાયા બાદ મંગળવારે કચેરીમાં ઉડે ઉડે જેવો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના 595થી વધુ ગામડાંના વિકાસની જવાબદારી જેના શિરે છે તેવા મોભીઓની ગેરહાજરીનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન થયો હતો.

મંગળવારે જિલ્લા પંચાયતમાં માત્ર બે ચેરમેનની હાજરી હતી, અન્ય તમામ ચેરમેનની ચેમ્બર્સ ખાલીખમ હતી, તો પ્રમુખ પણ ગેરહાજર હોવાથી અરજદારોને ધક્કા ખાવા પડે તેવી સ્થિતિ હતી. દરમિયાન વિપક્ષ નેતાએ મહિલા સભ્યોના પતિદેવો અને પદાધિકારીઓ વચ્ચે મનમેળ ન હોય, તેમજ સામસામે હોવાનો આક્ષેપ કર્યો છે.

સંકલન બેઠકમાં અગાઉ પતિદેવો બેસી જતા પ્રમુખે ચાલુ બેઠકે ઊભા કરી બહાર નીકળી જવાનું સૂચન કર્યું હતું. ત્યાર બાદની ત્રણ સંકલન સભામાં માત્ર બેથી ત્રણ શાસક સભ્યની જ હાજરી રહેતા વિવાદો થયા હતા. દરમિયાન સોમવારે સંકલનમાં ફરી પતિદેવો અને એક સભ્યના સસરાની હાજરી રહેતા એક તબક્કે પક્ષ સ્તરે ઉચ્ચ કક્ષાના આદેશનું ઉલ્લંઘન થયાની ચર્ચા વચ્ચે પણ પ્રમુખ ચુપ રહ્યા હતા.

એક સભ્યએ એવો દાવો કર્યો હતો કે, આ વખતેની બેઠકમાં અમને બોલાવ્યા હતા! કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના માત્ર બે ચેરમેનની હાજરી હતી, અન્ય તમામ ચેમ્બર્સ ખાલીખમ હોવાથી અરજદારોને ધક્કા થયા હતા. વિપક્ષ નેતા અર્જુન ખાટરિયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, રાજકોટ જિલ્લા પંચાયતમાં દર સોમવારે શાસકોની સંકલન બેઠક મળે છે. ત્રણ મહિનાથી ચૂંટાયેલા મહિલા સભ્યોના પતિદેવો જ હાજર રહે છે! તો બીજી તરફ સંકલનની બેઠકમાં વિકાસકામોની ચર્ચા અભેરાઈએ મૂકી દેવામાં આવી છે.

સંકલન બેઠકમાં આંતરિક ઝઘડાઓ મુદ્દે જ માત્ર ચર્ચા કરાઈ રહી હોવાનું પણ સામે આવ્યું છે. જિલ્લા પંચાયતના સભ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલની પણ અવગણના કરી રહ્યાં છે. જિલ્લા પંચાયતમાં મહિલા સભ્યોના પતિદેવો અને પદાધિકારીઓ વચ્ચે સામ-સામે જંગ ચાલી રહ્યો હોય તેવો માહોલ છે.

અન્ય સમાચારો પણ છે...