કોરોના રાજકોટ LIVE:મંગળવારે શહેરમાં માત્ર એક કેસ નોંધાયો, વાઇરલનો ઉપદ્રવ ઘટતા કેસમાં પણ ઘટાડો

કોરોના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટમાં કોરોનાના સંક્રમણનું સદંતર ઘટાડો થયો જોવા મળી રહ્યો છે. જ્યાં મંગળવારે એકમાત્ર પોઝિટિવ કેસ નોંધાયો હતો. તેમજ 5 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ 39 દર્દી સારવાર હેઠળ છે. અત્યારસુધીમાં કુલ કેસની સંખ્યા 65414 પર પહોંચી છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી વાઇરલ તાવ-શરદીનો ઉપદ્રવ ખૂબ જ વધ્યો હતો પણ હવે તે ક્રમશ: ઘટી રહ્યો છે. તેના કારણે પણ સંક્રમણ ઘટ્યાનું તારણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મચ્છરજન્ય રોગમાં ફરી ઉછાળો
જો કે રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગમાં ફરી ઉછાળો આવ્યો છે અને એક જ સપ્તાહમાં કેસ બમણા થઈ ગયા છે. મનપાને ચાલુ વર્ષથી જ ડેન્ગ્યુ અને મલેરિયા વકરશે તેવો ભય સતાવી રહ્યો છે જેને લઈને સઘન ઝુંબેશ હાથ ધરી એક જ સપ્તાહમાં 738ને નોટિસ ફટકારી સૌથી વધુ 1,84,300 રૂપિયાનો આકરો દંડ વસૂલ્યો હતો. આમ છતાં તા. 22થી 29 ઓગસ્ટ દરમિયાન ડેન્ગ્યુના 8, મલેરિયાના 4 અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. આ પહેલાના સપ્તાહે ડેન્ગ્યુના 4 અને મલેરિયાના 2 કેસ હતા અને ચિકનગુનિયાનો એકપણ કેસ નથી. આ આંક મનપા હસ્તકના આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલના છે. ખાનગી હોસ્પિટલનો આંક હજુ સામેલ નથી. જાહેર આરોગ્યના નિષ્ણાતો જણાવે છે કે, આવી સ્થિતિમાં તંત્રની વ્યવસ્થાઓ એટલે કે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં જે કેસ નોંધાયા છે તેનાથી 10થી 12 ગણો આંક હોય તેટલા પ્રમાણમાં એપિડેમિક હશે તેવું માનીને કાર્યવાહી હાથ ધરાય છે.

દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે
બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં તંત્રના દાવા મુજબ સ્થિતિ કાબૂમાં છે છેલ્લા 3 સપ્તાહથી ડેન્ગ્યુના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. ઘરે અને ક્લિનિકમાં સારવાર લીધા બાદ સ્થિતિ બગડે એટલે ઈમર્જન્સી વિભાગમાં દર્દીઓને દાખલ કરવા દર્દીઓ દોડી રહ્યાં છે. અત્યાર સુધીમાં 4 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવા પડ્યા છે. એક મહિલાને 22 દિવસ સુધી ઓક્સિજન પર રાખવા પડ્યા હતા અને ઈમર્જન્સીમાં પ્લેટલેટ ચડાવવા પડ્યા હોય તેવા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.

5,711 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
“આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણીના ભાગરૂપે 75 દિવસ સુધી મફત કોવિડ વેક્સિન બુસ્ટર ડોઝ લગાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અન્વયે તા.5 સપ્ટેમ્બર સુધીમાં બુસ્ટર ડોઝ તેમજ પહેલા અને બીજા ડોઝ મળીને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 1,509 તેમજ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 4202 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો હતો. આમ, રાજકોટ જિલ્લામાં કુલ 5,711 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.