શિયાળો જામતા જ મચ્છરજન્ય રોગો ઘટવાના શરૂ થઈ ગયા છે. ચોમાસા બાદ અને શિયાળાની શરૂઆત સુધીનો સમય એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરથી ડિસેમ્બર માસ દરમિયાન મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી જાય છે. બ્રીડિંગ વધતા જ મચ્છરો વધે છે અને રોગ પણ વધે છે. શિયાળો જામતા મચ્છરોની સંખ્યા ઘટી જતા રોગ પણ ઘટે છે. આવું જ ફરી બન્યું છે. 2 જાન્યુઆરીએ પૂરા થતા સપ્તાહમાં માત્ર એક જ ડેન્ગ્યુનો કેસ નોંધાયો છે અને આ સાથે 2022ના વર્ષમાં કુલ ડેન્ગ્યુનો આંક 268 થયો છે તે 2021ના 431 કેસ કરતા ક્યાંય ઓછો છે.
આરોગ્ય શાખાના અધિકારીઓ જણાવે છે કે, આ વર્ષે એન્ટિલારવા એક્ટિવિટી વહેલી શરૂ કરાઈ હતી અને મચ્છર ઉત્પત્તિ શક્ય હોય ત્યાં કાર્યવાહી અને દંડની ધોંસ બોલાવી હતી. આ ઉપરાંત જ્યાં કેસ આવે ત્યાં આસપાસમાં ફોગિંગ સહિતની ત્વરિત કાર્યવાહી કરાતા મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવી શકાયો હતો. 2021માં ચિકનગુનિયાના 40 કેસ હતા તે પણ ઘટીને 28 થયા છે.
મચ્છરજન્ય રોગો ઉપરાંત શહેરમાં ઝાડા-ઊલટીના કેસમાં ગત સપ્તાહ કરતા નજીવો ઘટાડો આવ્યો છે જોકે સામાન્ય તાવ અને શરદી-ઉધરસની ફરિયાદો હજુ પણ એટલી જ નોંધાઈ રહી છે. મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય સિવાય આ વર્ષે કોરોનાની સ્થિતિમાં પણ સુધારો જોવા મળ્યો છે. 2021ના ડિસેમ્બર માસમાં કોરોના દૈનિક કેસના રેકોર્ડ બનાવી રહ્યો હતો પણ 2022ના અંતમાં કોરોના જાણે અદ્રશ્ય જ થયો છે.
બે વર્ષમાં નોંધાયેલા મચ્છરજન્ય રોગના કેસ | ||
રોગ | 2021 | 2022 |
ડેન્ગ્યુ | 431 | 268 |
મલેરિયા | 58 | 50 |
ચિકનગુનિયા | 40 | 28 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.