બેદરકાર તંત્ર:600 દિવસથી માત્ર નોટિસ જ અપાય છે, 350 શાળામાં હજુ ફાયર એનઓસી નથી!

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજકોટ જિલ્લાની 1100માંથી માત્ર 450 સ્કૂલમાં જ ફાયર એનઓસી છે
  • ફાયર વિભાગે 42 જેટલી શાળામાં ચેકિંગ કર્યું: એનઓસી-સાધનો અંગે માત્ર સૂચનો કર્યા

સુરતમાં તક્ષશિલામાં આગની ઘટના બની ત્યારબાદ રાજ્યભરની તમામ શાળાઓમાં ફરજિયાતપણે ફાયર એનઓસી અને સેફ્ટીના સાધનો રાખવા આદેશ જાહેર કરાયા હતા. આ ઘટનાને પોણા બે વર્ષ જેટલો સમય થયો હોવા છતાં ફાયર તંત્ર અત્યાર સુધી માત્ર નોટિસ પે નોટિસ આપતું રહે છે, બીજી બાજુ શાળા સંચાલકો જાણે આ નોટિસને ગણકારતા ન હોય એમ રાજકોટ જિલ્લાની કુલ 1100 જેટલી શાળાઓમાં માત્ર 450 સ્કૂલ પાસે જ ફાયર એનઓસી અને સાધનો છે જ્યારે બાકીની શાળાઓએ એનઓસી માટે અરજી કરી છે.

આ ઉપરાંત જિલ્લાની 350થી વધુ શાળાઓ એવી છે જેની પાસે ફાયર એનઓસી કે સાધનો તો નથી પરંતુ તેના માટે હજુ સુધી અરજી પણ નથી કરી! સોમવારે ફાયર વિભાગે શહેરની જુદી જુદી 42 જેટલી શાળામાં ચેકિંગ હાથ ધર્યું હતું. જ્યાં ફાયર એનઓસી કે સાધનો ન હતા તે સ્કૂલને ફરી એક વખત નોટિસ આપવાની તજવીજ હાથ ધરી છે અને માત્ર પાંચ દિવસમાં જ ફાયર એનઓસી માટે અરજી દાખલ કરી દેવા પણ જણાવાયું છે. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં પણ હોસ્પિટલમાં પણ આગ લાગવાની ઘટના બની છતાં હજુ અનેક ખાનગી અને સરકારી સ્થળોમાં ફાયર સેફ્ટી અંગે ગંભીરતા દાખવાતી નથી.

અગાઉ નોટિસ આપી’તી, છતાં NOC નહીં લેતા ફરી આપીશું
શહેરની 42 સ્કૂલમાં ચેકિંગ કર્યું હતું. જ્યાં ફાયર સેફ્ટી સંબંધિત વ્યવસ્થા નહીં હોવાથી નોટિસ આપવાની કાર્યવાહી કરી છે. અગાઉ પણ ફાયર સેફ્ટી સાધનો અને એનઓસી નહીં હોવાને કારણે નોટિસ આપી હતી છતાં હજુ સુધી ફાયર સેફ્ટીની વ્યવસ્થા શાળાઓએ કરી નથી એટલે ફરી નોટિસ આપીએ છીએ ત્યારબાદ આગળ કાર્યવાહી કરીશું. રાજકોટ શહેરની 450 સ્કૂલમાંથી માત્ર 120 પાસે જ એનઓસી છે. > આઈ.વી. ખેર, ચીફ ફાયર ઓફિસર

ફરી સૂચના આપી ફાયર NOC મેળવી લેવા કહ્યું છે
ફાયર સેફ્ટી અંગે અગાઉ પરિપત્ર કરેલો એ પ્રમાણે અમુક શાળાઓએ એનઓસી મેળવી લીધા, ઘણી શાળાઓએ અરજી કરી દીધી છે પરંતુ ઘણી શાળાઓ એવી છે જેમણે હજુ અરજી પણ નથી કરી તેમને ફાયર એનઓસી માટે અરજી કરવા ફરી સૂચના આપી છે. જિલ્લામાં પ્રાથમિક, હાઈસ્કૂલ સહિતની તમામ શાળાઓમાં 15 દિવસમાં ફાયર એનઓસી માટે અરજી કરવા સૂચના આપી છે. > બી.એસ. કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી

સાથે કામ કરે છે છતાં નિયમ અલગ-અલગ | ફાયર એનઓસી મેળવવા DEOએ 15 દિવસ, ફાયર ઓફિસરે 5 દિવસ આપ્યા!
રાજકોટ શહેર અને જિલ્લાની શાળાઓને ફાયર એનઓસી મેળવી લેવા અધિકારીઓએ આપેલા સમયગાળામાં પણ વિસંગતતા જોવા મળી છે. તાજેતરમાં જ જિલ્લા શિક્ષણાધિકારીએ જિલ્લાની ફાયર એનઓસી મેળવવામાં બાકી શાળાઓને 15 દિવસમાં ફાયર એનઓસી માટે અરજી કરવા જણાવ્યું છે, જ્યારે મનપાના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસરે સોમવારે 42 શાળાઓમાં ચેકિંગ દરમિયાન દરેક શાળાઓને માત્ર 5 જ દિવસમાં ફાયર એનઓસી માટે અરજી કરી દેવા કહેતા બંને અધિકારીઓની સૂચનામાં વિસંગતતા સર્જાતા શાળા સંચાલકો પણ મૂંઝાયા છે.

અન્ય સમાચારો પણ છે...