રાજકારણીઓ ભ્રષ્ટાચારમાં ગળાડૂબ:શિક્ષિત યુવાઓ જ રાજનીતિ બદલી શકશે, ખોડલધામ આયોજિત રાજકીય શિક્ષણ વર્ગમાં યુવાઓના રાજકારણ અંગેના વિચારો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના રાજકારણ અને રાજકારણીઓ અંગે સમાજમાં અનેક વિચારધારા પ્રવર્તે છે, મોટી મોટી અને ખોટી વાત તેમજ ભ્રષ્ટાચાર એ રાજકારણીની ઓળખ બની છે, તેથી જ શિક્ષિત યુવાનો આ ક્ષેત્રથી દૂર રહે છે, પરંતુ કોઇપણ રાષ્ટ્રનું ભવિષ્ય તેનું યુવાધન જ છે, અને જો આ યુવાઓ રાજકારણમાં જોડાઇ તો વર્ષોથી ચાલી આવતી પ્રથાઓમાં સુધારા થઇ શકે.

આવા જ હેતુથી ખોડલધામ દ્વારા યુવક અને યુવતીઓને રાજકારણમાં સક્રિય કરવાના ઇરાદાથી રાજકીય શિક્ષણ આપતો એક વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે શનિવારે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકારણમાં અપેક્ષિત યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.

સેમિનાર બાદ યુવક-યુવતીઓએ કહ્યું હતું કે, યુવાનો રાજકારણીઓને તેની કામગીરી બદલ ભાંડતા હોય છે, પરંતુ જ્યારે પોતાને રાજકારણમાં જોડાવવા માટે કહેવામાં આવે ત્યારે દૂરી રાખે છે. જો રાજ્ય કે દેશનો સાચા અર્થમાં વિકાસ કરવો હશે, રાજકારણને ભ્રષ્ટાચાર મુક્ત કરવું હશે અને ભારતને મહાસત્તા બનાવવી હશે તો દેશના ભવિષ્યસમા યુવક-યુવતીઓએ રાજકારણમાં જોડાવવું જ પડશે. ‘દિવ્ય ભાસ્કરે’ આ યુવાઓ સાથે તેમના મતે રાજકારણ હાલમાં શું છે અને ભવિષ્યમાં કેવું હોવું જોઇએ તેની ચર્ચા કરી ત્યારે યુવાઓએ દિલ ખોલીને વાત કરી હતી તે અત્રે પ્રસ્તુત છે.

રાજકારણીનો હેતુ લોકસેવા જ હોવો જોઇએ, હાલ આવું જોવા મળતું નથી
વોર્ડ નં.16ના યુવા ભાજપના પ્રમુખ નાગજી રાદડિયાએ કહ્યું હતું કે, પોતે બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા છે અને રાજકારણમાં કારકિર્દી બનાવવા ઇચ્છે છે, વર્ષોથી રાજકારણમાં ઉચ્ચ હોદ્દા ધરાવતા નેતાઓ વાત તો લોકહિતની કરે છે, પરંતુ ખરા અર્થમાં તેવું જોવા મળતું નથી, પરંતુ પોતાને ભવિષ્યમાં રાજકારણમાં કોઇ મહત્ત્વની ભૂમિકા મળશે તો સાચા અર્થમાં લોકોના પ્રશ્નો ઉકેલવાના પ્રયાસ કરશે એટલું જ નહીં લોકોના પ્રશ્નો સાચી જગ્યાએ ઉઠાવી તેનો ઉકેલ લાવશે.

જ્ઞાતિવાદ રાષ્ટ્ર માટે નુકસાનકારક
ડાકોર પંથકના ગામથી આવેલા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર ધ્રુવલકુમાર પટેલે કહ્યું હતું કે, રાજનેતાએ કોઇ સમાજ કે જ્ઞાતિનો પ્રતિનિધિ નથી પરંતુ તે તમામ સમાજ સમુદાયનો વ્યક્તિ હોવો જોઇએ, રાજ્ય કે દેશના વિકાસની સમજ છે કે નહીં તે બાબતે વિચાર કરીને મતદાન કરવું જોઇએ.

મહિલાઓ શાસન માટે હોવી જોઇએ
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી જીનિશા આંબલિયાએ જણાવ્યું હતું કે, પોતે પણ તેની માતાની રાહ પર રાજકારણમાં જોડાવા ઇચ્છે છે પરંતુ રાજકીય પક્ષો મહિલાઓને માત્ર બેઠક જીતવા પૂરતા જ સમજે છે, એ બદલાવ ત્યારે જ આવશે જ્યારે યુવતીઓ રાજકારણ અંગે જાગૃત થશે અને રાજકારણમાં પોતાનું મહત્ત્વ સમજશે.

રાજનેતાઓ ભ્રષ્ટાચારથી દૂર રહેશે તો જ સાચો વિકાસ થશે
સુરતથી આવેલા અને ડાયમંડનું કામ કરતાં બ્રિજેશે જણાવ્યું હતું કે, કોઇપણ પક્ષ હોય તેના નેતાઓએ રાજકારણને વ્યવસાય બનાવી દીધો છે, કેટલાક નેતાઓને તો કમાણીનું કોઇ માધ્યમ નથી હોતું છતાં તે એશોઆરામની જિંદગી જીવે છે તો તેને આ આવક ક્યાંથી આવે છે? રાજનેતા જ ભ્રષ્ટાચારમાં ભાગીદાર બનશે તો અધિકારીઓ તો ભ્રષ્ટાચાર કરશે જ, ભ્રષ્ટાચાર અટકશે તો જ સાચી રીતે રાજ્ય કે દેશનો વિકાસ થઇ શકશે જેથી યુવાનોએ રાજકારણમાં સક્રિય થવું જોઇએ.

ભ્રષ્ટાચારને દૂર કરવા જોડાવું જોઇએ
વીરપુરથી રાજકીય સેમિનારમાં ભાગ લેવા આવેલા પ્રતિક માલાણીએ બેધડક રીતે કહ્યું હતું કે, શિક્ષિત યુવક-યુવતીઓ ભ્રષ્ટાચારને દૂષણ માને છે, અને તેઓ સાચા અર્થમાં કંઇક કરવા માગે છે માટે યુવાઓ નોકરી ધંધામાં પોતાની કરિયર બનાવે છે તેમ રાજકારણમાં પણ ઝંપલાવવું જોઇએ.

નૈતિકતા હશે તો જ પક્ષાંતર અટકશે
બીબીએ સુધી અભ્યાસ કરનાર અને રાજકારણમાં સક્રિય થવા ઇચ્છતાં જયદીપ ગિયાડે કહ્યું હતું કે, નેતાઓ પક્ષાંતર માટે અનેક સોદા કરતા હોય છે તે સૌ કોઇ જાણે છે, આવું ત્યારે જ બને જ્યારે રાજનેતામાં નૈતિકતાનો અભાવ હોય, યુવાનો આવશે તો રાજકારણમાં ચોક્કસપણે બદલાવ આવશે.

અન્ય સમાચારો પણ છે...