C.R. પાટીલનું નિવેદન:જસદણમાંથી બાવળિયા જ લડશે બીજાને લડાવવાનો મતલબ જ નથી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બાવળીયા વિ. બોઘરા વચ્ચેના કોલ્ડ વોરમાં સી.આર. પાટીલે ઠંડું પાણી રેડી દીધું
  • બાવળિયા નિવેદન કરી મૌન થઈ ગયા, બોઘરાનો બોલવાથી ઈનકાર પણ પ્રદેશ પ્રમુખે કરી સાફ વાત

રાજકોટ જિલ્લાની કોઇ પણ બેઠક કરતા સૌથી વધુ રસપ્રદ જસદણ બેઠક છે કારણ કે ત્યાં કુંવરજી બાવળિયા અને ડો. ભરત બોઘરા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે જેમાં આખરે કોઈએ પણ ન ધાર્યુ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે અને આ બેઠક પર આગામી ચૂંટણીમાં બાવળિયા જ લડશે અને બોઘરાને ટિકિટ નહિ અપાય તેવી સાફ વાત સી.આર. પાટીલે ભાસ્કરને જણાવી છે.

પાટીલે આગેવાનો સાથે પેજ પ્રમુખ મુદ્દે ચર્ચા કરી
સી.આર. પાટીલ રાજકોટ આવ્યા હતા અને આગેવાનો સાથે પેજ પ્રમુખ મુદ્દે ચર્ચા કરી હતી. બાદમાં ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ એવું નિવેદન કર્યું હતું કે, સી.આર પાટીલે કહ્યું છે કે, ‘જસદણમાં બોઘરા સાહેબ ટિકિટ નથી માગવાના તમે કામ પૂરા કરો’ આ નિવેદનથી ભારે ચર્ચા થઇ હતી અને જ્યારે ડો. બોઘરાએે બોલવાનો ઈનકાર કરી દીધો હતો જ્યારે કુંવરજી બાવળિયા નિવેદન બાદ મૌન થઈ ગયા હતા.

પાટીલે બાવળિયા અને બોઘરા કોલ્ડ વોર પર પાણી રેડી દીધું
આ મામલે દિવ્ય ભાસ્કરે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો સંપર્ક કરી પૂછ્યું હતું કે, જસદણમાં ચૂંટણી લડવા માટે તમે ડો. બોઘરાને ના પાડી છે? ત્યારે તેઓએ સ્પષ્ટ વાત કરી હતી કે, ‘હાલ બાવળિયા સીટિંગ ધારાસભ્ય છે અને તે જ જસદણમાંથી ચૂંટણી લડશે બીજાને લડાવવાનો કોઈ મતલબ જ નથી.’ પાટીલે આ સાથે બાવળિયા અને બોઘરા વચ્ચેના કોલ્ડ વોર પર ચૂંટણી સુધી ઠંડું પાણી રેડી દીધું છે.

બાવળિયા અને બોઘરા ઘણા સમયથી સામસામે હતા
બાવળિયા અને બોઘરા ઘણા સમયથી સામસામે હતા અને જસદણમાં પ્રભુત્વ માટે જંગ હતો પણ જ્યારે બાવળિયાને ભાજપમાં લઇ સીધું મંત્રી પદ આપી દેવાયું અને બોઘરાને બોર્ડના ચેરમેન બનાવ્યા તો મતભેદ ઘટવાને બદલે વધ્યો હતો ત્યારબાદની ચૂંટણીઓમાં જસદણમાં ભાજપના નબળા પ્રદર્શનને લઈને પણ બંને વચ્ચે નિવેદનો વધ્યા હતા.

આ મતમતાંતર વચ્ચે પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરાયું હતું જેમાં ડો. ભરત બોઘરાને પ્રદેશ કક્ષાનો હોદ્દો સંગઠનમાં મળ્યો હતો ત્યારબાદ રૂપાણી સરકારે રાજીનામું આપતા બાવળિયાનું મંત્રી પદ ગયું હતું અને નવી કેબિનેટમાં સ્થાન ન મળતા ડો. બોઘરાનો ઉદય થયો હતો. તેમણે સંગઠનમાં મહત્ત્વની જવાબદારીઓ ઉઠાવ્યા બાદ જસદણમાં અલગ અલગ કાર્યક્રમો કર્યા હતા અને તેની સામે બાવળિયાએ પણ તે જ કરતા શક્તિ પ્રદર્શન પર વાત આવી હતી.

છેલ્લે ડો. ભરત બોઘરાએ હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાનને આમંત્રિત કર્યા હતા અને તે કાર્યક્રમ સફળ રહ્યા બાદ હવે જસદણમાં ડો. બોઘરા ફાઈનલ હોવાની ચર્ચા ઊઠી હતી. બાવળિયા માટે હવે જસદણ છોડી બીજા સ્થળે ચૂંટણી લડાશે તેવી પણ ચર્ચાઓ ઊઠી. ડો. ભરત બોઘરાની ભાજપમાં સતત વધતી લોકપ્રિયતા બાદ છેલ્લે સી.આર. પાટીલે જસદણમાં બાવળિયા જ લડશે તેવું કહીને આખી કોલ્ડ વોરને ચૂંટણી સુધીનો યુદ્ધવિરામ આપી દીધો છે. જોકે આ તો રાજકારણ છે સી.આર. પાટીલે જે નિવેદન આપ્યું છે તે સ્થિતિ પણ બદલી શકે છે તેથી ડો. ભરત બોઘરાના પ્રયાસો હજુ પણ કારગત નિવડી ટિકિટ લેવામાં સફળ રહેશે કે પછી સી.આર. પાટીલ પોતાની વાત પર મક્કમ રહે છે તે ચૂંટણી સમયે જ સ્પષ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...