ટેન્કર સે જલ:6.50 કરોડ રૂપિયા ટેન્કર પાછળ ખર્ચી એક પરિવારને અપાશે માત્ર 75 લિટર પાણી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગની બેઠકમાં પાણીની લાઈન વગરના વિસ્તારો માટે ટેન્કરનો કોન્ટ્રાક્ટ કરાયો મંજૂર
  • પરિવારને કેટલું પાણી આપવું તેના નિયમ નથી ઘડાતા પણ આડેધડ આપી દેવાય છે કામ

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બુધવારે મળી હતી જેમાં 15 કરોડના ખર્ચ અને 6 કરોડની આવક સહિતની 29 દરખાસ્ત મંજૂર કરાઈ છે. જેમાં પાણીના ટેન્કરના કોન્ટ્રાક્ટ તેમજ ટીડીઆરનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં કોઇની મિલકત લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કપાતમાં જશે તો તેને કપાતમાં ગયેલી જગ્યા એફએસઆઈ તરીકે તો મળે છે પણ હવે તે એફએસઆઈ કોઇ બિલ્ડરને વેચી શકે તે માટે તબદિલીપાત્ર વિકાસના હક્કોની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી છે.

જ્યારે કાલાવડ રોડ પરની 1000 ચોરસ મીટર જગ્યા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર કોર્પોરેશનને 61 કરોડ રૂપિયામાં લીઝ પર આપવા મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત વિકાસ કામોને લગતી દરખાસ્તો આવી હતી તેમાં એક દરખાસ્ત પાણીના ટેન્કરને લઈને આવી હતી. રાજકોટ શહેરમાં નવા ભળેલા વિસ્તારો ઉપરાંત એવા વિસ્તાર કે જ્યાં હજુ સુધી પાણીની લાઈન નંખાઈ નથી ત્યાં પાણીના ટેન્કર પહોંચાડવા માટે 6.50 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ મંજૂર કરાયો છે.

દર વર્ષે આવા કોન્ટ્રાક્ટ આપીને 95થી 96000 ફેરા ગણાવીને પૈસા ચૂકવાય છે પણ મહત્ત્વની વાત એ છે કે ક્યા પરિવારને કેટલું પાણી આપવું તેની હજુ સુધી કોઇ નક્કર પોલિસી જ નથી. આ કારણે વર્ષોથી એક પરિવારને પ્રતિ દિન 75 લિટરની ગણતરી કરીને પાણી અપાય છે અને તે ગણવા માટે પણ કોઇ પરિપત્ર નથી.

ટેન્કરના ફેરાઓ ગણીને કોન્ટ્રાક્ટર્સને પૈસા આપવામાં જ મનપાના શાસકોને રસ છે. આડેધડ ગણતરીઓ માંડતા જ્યાં ખરેખર જરૂરિયાત છે ત્યાં પાણી પૂરું પહોંચતું જ નથી. વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મનપા એટલી કંગાળ છે કે નિયમિત વેરો ભરે તેમને નળ મારફત પણ પૂરતું પાણી આપતી નથી અને મહિને બેથી ત્રણ કાપ ઝીંકી દે છે.

ફૂલ બજારના ઉદ્દઘાટનના ફૂલ સડી ગયા બાદ નીતિ બની
રાજકોટમાં રામનાથપરા વિસ્તારમાં નવી ફૂલ બજાર મનપાએ બનાવી છે જેનું લોકાર્પણ મહિનાઓ અગાઉ મંત્રી પાસે કરાવી લીધું હતું પણ હજુ સુધી ત્યાં તાળાં છે. મનપાએ કોઇ પણ નીતિ નક્કી કર્યા વગર લોકાર્પણ કર્યું અને હવે છેક સ્ટેન્ડિંગમાં એક થડામાં પ્રતિ ચોરસ મીટર 1053 રૂપિયા ભાવ તેમજ ભાડાં સહિતની દરખાસ્ત આવી છે જેથી એક થડાની કિંમત 50,000થી 1 લાખ સુધી થશે. આમ કરીને મનપાને ફૂલ બજાર બનાવવા થયેલો તમામ ખર્ચ કાઢી લેવો છે.

અન્ય સમાચારો પણ છે...