રાજકોટ મહાનગરપાલિકાનું મૃગજળ:સૌની યોજનાનું કરોડો લિટર નીર લેનાર તંત્ર નળવિહીન 15 હજાર પરિવારને રોજનું માત્ર 75 લિટર પાણી!

રાજકોટએક મહિનો પહેલાલેખક: ઈમરાન હોથી
  • કૉપી લિંક
ટેન્કર દ્વારા આપાય છે પાણી - Divya Bhaskar
ટેન્કર દ્વારા આપાય છે પાણી
  • રાજકોટ શહેરને 3 ડેમ, સૌની યોજના, 2 લાઈનથી સીધું નર્મદાનીર મળે છે
  • પાણીની અછતથી મુક્તિ મળી નથી
  • તબીબના મતે એક વ્યક્તિને 3.5 લિટર પાણી પીવું જોઈએ
  • 4 સભ્યના પરિવારને પીવા માટે 14 લિટર વપરાય બાકી ન્હાવું, રસોઈ, શૌચક્રિયા, સફાઈ માટે ફક્ત 61 લિટર વધે

મહાનગરપાલિકા દાવો કરે છે કે શહેરમાં પાણીની કોઇ જ અછત નથી અને સમયાંતરે સૌની યોજનાનું પાણી ડેમમાં ઠલવાય એટલે અધિકારીઓ અને પદાધિકારીઓ પાણીના વધામણાં કરે છે. આ બધા ફોટોસેશન પાછળ એ હકીકત છુપાવાય છે કે રાજકોટ શહેરમાં હજુ પણ પાણીની અછત યથાવત્ છે અને જ્યાં અછત છે ત્યાં કપરી સ્થિતિ છે. 15,000થી વધુ પરિવારને દૈનિક માંડ 75 લિટર જ પાણી મળે છે જેમાં ઝૂંપડપટ્ટીથી માંડીને નવા વિકસી રહેલા વિસ્તારોના હાઈરાઈઝ બિલ્ડિંગનો પણ સમાવેશ થાય છે.

ભાસ્કરે આ તમામ વિસ્તારોમાં ફરીને પાણીની સ્થિતિ જાણી હતી આ માટે માધાપર વિસ્તાર, કોઠારિયા ગામ, વોર્ડ નં. 4, 5, 6ના વિસ્તારોમાં જતા શહેરને પૂરતું પાણી અપાતો હોવાનો તંત્રનો દાવો પોકળ નીકળ્યો હતો. પાણીની લાઈનના અભાવે આખું વર્ષ ટેન્કરથી પાાણી આપવું પડે તેવી સ્થિતિ રાજકોટના અલગ અલગ 8 વોર્ડમાં છે. પણ પાણી આપવાની માત્રા વિચિત્ર રીતે નક્કી કરાઈ છે. એક પરિવારને એકાંતરા 150 લિટર જ પાણી આપવાનું એટલે કે એક પરિવારને દૈનિક 75 લિટર જ પાણી અપાય છે.

વ્યક્તિને ઉનાળા દરમિયાન ઓછામાં ઓછું 2.5 લિટર પાણી પીવા જોઇએ અને તબીબ પણ 3.5 લિટર પાણી પીવાની સલાહ આપે છે તે રીતે જોતા 4 વ્યક્તિના પરિવારને માત્ર પીવા માટે જ 14 લિટર પાણી જોઈએ. રસોઈ માટે બીજા 3 લિટર પાણીનો ઉપયોગ થાય એટલે 17 લિટર તો માત્ર ભોજન માટે વપરાઈ જાય છે. દેખીતી રીતે જ આ ગણતરી ખોટી છે પણ આ ગણતરીનો કોઇ પરિપત્ર જ નથી મનપાના અધિકારીઓ પોતાની રીતે જ વર્ષોથી આ ગણતરી નક્કી કરી પાણી આપી રહ્યા છે.

ઈસ્ટમાં 300, સેન્ટ્રલ ઝોનમાં 100 અને વેસ્ટઝોનમાં 125 સહિત રોજના 525થી 550 ટેન્કર દોડાવાઈ રહ્યા છે. જો પૂરતું પાણી આપવું હોય તો રોજના 1200 ટેન્કર દોડે છે.માધાપર વિસ્તાર કે જ્યાં ફ્લેટ અને એપાર્ટમેન્ટની વસ્તી વધારે છે ત્યાં આખી વસતી માત્ર બોરના પાણી પર જ નિર્ભર હોય છે અને ઉનાળામાં પાણીની અછત વર્તાય ત્યારે કેવી સ્થિતિ થાય તે જાણવા યાગરાજનગર, ભક્તિ સિંધુ, માધવ એપાર્ટમેન્ટ, સેફરોન એવન્યૂ, જાનકી એલિગન્સ, સેફરોન એપાર્ટમેન્ટ રાધાપાર્ક તમામ ટેન્કર નિર્ભર છે.

કોઠારિયા વિસ્તાર કે જે મનપામાં ભળ્યો તેને દશકો થવા આવ્યો છે આમ છતાં હજુ સુધી ઘણા વિસ્તારોમાં પાણીની લાઈન પહોંચી નથી. સૌથી મોટી સમસ્યા એ છે કે, આ વિસ્તાર સહિત સમગ્ર ઈસ્ટ ઝોનમાં આજી ડેમ નજીક હોવા છતાં પાણીના નેટવર્કના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા છે. હાલ ઈસ્ટ ઝોનમાં જ દૈનિક 300 ટેન્કર દોડી રહ્યા છે. વોર્ડ નં. 4, 5, 6ના ઢોળા વિસ્તારો, સ્લમ વિસ્તારોમાં તો ચોમાસામાં પણ ટેન્કર મોકલવા પડે છે.

વેસ્ટ ઝોનમાં મોટામવા સહિતના નવા ભળેલા વિસ્તારોમાં મુખ્યમંત્રી આવાસ યોજનાઓમાં પણ લાઈન નથી અને કેટલીયે અરજીઓ પેન્ડિંગ છે લોકો વેચાતું પાણી મગાવી રહ્યા છે. ભાસ્કરે ત્રણેય ઝોનના સિટી એન્જિનિયર અને વોર્ડ એન્જિનિયર્સ સાથે પાણીના ટેન્કરની સ્થિતિ મુદ્ે ચર્ચા કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે કોઇ વિસ્તારમાં ટેન્કર ચાલુ કરવા હોય તો સૌથી પહેલા ત્યાં બોર છે કે નહિ તે ખરાઈ કરાય છે અને બોર હોય અને બોરમાં પાણી ન આવતું હોય તો જ ટેન્કર ચાલુ કરાય છે!

કેન્દ્ર સરકારના જળ મંત્રાલય મુજબ વ્યક્તિદીઠ 120 લિટર પાણી જરૂરી
જળ મંત્રાલયના અલગ અલગ વિભાગોના સરવે કર્યા મુજબ શહેરી વિસ્તારોમાં જ્યાં પાણી પુરવઠો પહોંચાડવાનો છે તેની ગણતરી પ્રતિ વ્યક્તિ દૈનિક 120 લિટર કરતા વધુ ગણવાની જોગવાઈ છે. આ 120 લિટરમાં પીવા તેમજ વપરાશના પાણી સહિત છે તેથી 5 લોકોના પરિવારને 600 લિટર પાણી જોઈએ તેને બદલે મનપા માત્ર 75 લિટર જ પાણી આપે છે.

એક પરિવારને એક દિવસનું 75 લિટર પાણી કઈ રીતે પૂરું ન પડે તે આ રીતે સમજો
પતિ-પત્ની બે સંતાન અને વડીલ એમ પાંચ લોકોનો પરિવાર ગણીએ તો પણ એક પરિવારને માત્ર પીવા માટે 20 લિટર પાણીની જરૂરિયાત પડે અને એક સમયની રસોઈ માટે એક લિટર પાણી ગણીએ તો 3 લિટર એ સહિત માત્ર જમવા અને પીવા માટે 23 લિટર પાણી વપરાઈ ગયું તેથી 75માંથી હવે 52 લિટર પાણી રહ્યું. એક વ્યક્તિને નહાવા માટે સરેરાશ 15 લિટર પાણી જોઈએ પણ આ પરિવાર કરકસર કરે છે તે માનીને એક વ્યક્તિના 10 લિટર ગણતા 40 લિટર માત્ર નહાવામાં વહી ગયું હવે વધ્યું માત્ર 12 લિટર જેની અંદર ઘરની સાફ સફાઈ, ટોઈલેટ સહિતની વ્યવસ્થા કરવી પડે. તેથી જ મનપાના પાણી ઉપરાંત લોકોને વેચાતું પાણી લઈને પોતાની જરૂરિયાત પૂરી કરવી પડે છે.

ટેન્કર માટે અરજી કરી પણ કોઇ જવાબ મળ્યો નથી
અમારા આખા વિસ્તારમાં પાણીની ખૂબ તંગી દર ઉનાળે અનુભવાય છે બોરમાંથી પાણી ઘટી જાય છે ચાલુ વર્ષે જ કોર્પોરેશનમાં ટેન્કર ચાલુ કરવા માટે અરજી કરી છે પણ હજુ સુધી ટેન્કર ચાલુ કરાયા નથી એટલે વેચાતું પાણી મગાવીએ છીએ. - મિલનભાઈ નકુમ, રહેવાસી, રાધેક્રિષ્ન એપાર્ટમેન્ટ

અન્ય સમાચારો પણ છે...