રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા બુધવારે મળી હતી. આ બેઠકમાં વર્ષ 2023-24ના વર્ષ માટે 15મા નાણાપંચની ગ્રાન્ટના 786.36 લાખના કામોને બહાલી અપાઈ હતી. જેમાં 394.85 લાખ વિવિધ બાંધકામ માટે ખર્ચાશે જ્યારે પીવાના પાણી માટે 197 લાખ તેમજ સ્વચ્છતા માટે 194.50 લાખ રૂપિયા વપરાશે. અમુક તાલુકા કક્ષાઓએ આરામગૃહો છે પણ તે ખંડેર હાલતમાં હોવાથી નવીનીકરણ માટે 1 કરોડ ખર્ચાશે. સામાન્ય સભામાં ગ્રાન્ટની ફાળવણી મુદ્દે વિપક્ષી નેતા અર્જુન ખાટરિયાએ ન્યાયિક ફાળવણીની વાત કરતા પ્રમુખ ભૂપત બોદરે યોગ્ય જ કરાઈ છે તેવું કહેવાયું છે.
બેઠકમાં 3 કર્મચારી મહેન્દ્ર મહેતા, પ્રદીપ પાટણવાડિયા અને હિતેશ પાઠકનું સન્માન કરાયું હતું અને જણાવ્યું હતું કે, આ ત્રણેય કર્મચારી સતત એક મહિનાથી કચેરીએ સમયસર પહોંચીને ફેસ રીડરમાં હાજરી પૂરતા હતા. આ સિવાયના તમામ કર્મચારીઓ એક મહિનો પણ સમયસર આવી શક્યા નથી. આ સ્થિતિ સાબિત કરે છે કે, પંચાયત કચેરીએ સમયસર પહોંચવું કે જે કર્મચારીઓની મૂળ જવાબદારી છે તે પણ યાદ કરાવવા માટે સન્માનિત કરવા પડે છે.
શ્રેષ્ઠ કર્મચારી કે એમ્પ્લોઈ ઓફ ધ મંથ તરીકે સર્વગ્રાહી કામગીરી જોવાની હોય છે પણ અહીં હાજરી પર જ સૌથી વધુ ધ્યાન અપાયું હતું કારણ કે પંચાયતની કચેરીઓમાં ફરજ પર હાજર રહેવામાં સૌથી વધુ લાલિયાવાડી ચાલી રહી છે. તાજેતરમાં જ ડીડીઓએ લોધિકામાં તપાસ કરતા ઘણા કર્મચારીઓ ઘેરહાજર મળ્યા હતા. આ સ્થિતિને લઈને હવે અવારનવાર સરપ્રાઈઝ ચેકિંગ કરવા તેમજ જો કોઇ કર્મચારી નિયમિત ન આવે તો સીધી ડીડીઓને ફરિયાદ કરવાની વાતો કરવી પડી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.