સારવાર:માત્ર 12 વર્ષની બાળકીને મ્યુકરમાઈકોસિસ, સિવિલના તબીબે સર્જરી કરી નાકમાંથી ફુગ કાઢી

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારમાં કોઇને કોરોના થયો ન હતો, તાવ આવતો હોવાથી દાખલ કરાઈ હતી

ગીર સોમનાથના તાલાળા પાસેના કુચિયા ગામની માત્ર 12 વર્ષની મયૂરીને નાકમાં ફંગલ ઈન્ફેક્શન થતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરાઈ છે. જે હાલ સૌથી નાની વયની દર્દી છે.સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં માત્ર 12 વર્ષની મયૂરી હરેશભાઈ બામણિયા નામની બાળકી દાખલ છે. હજુ બુધવારે રાત્રે જ તેનું ઓપરેશન કરાયું છે અને હવે હાલત સ્વસ્થ છે. રાજ્યમાં અત્યારસુધીના નોંધાયેલા દર્દીઓમાં આ સૌથી નાની વયની દર્દી છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મયૂરી કે તેના પરિવારમાં કોઇને હજુ સુધી કોરોના થયો નથી.

મયૂરીના મામા વિરમભાઈ જણાવે છે કે, ‘થોડા દિવસ પહેલા મયૂરીને તાવ આવ્યો હતો અને તાવ ન ઉતરતા કોરોનાનો રિપોર્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો હતો. રાજકોટની પ્રાઈવેટ હોસ્પિટલમાં લાવ્યા અને ત્યાં એક્સ રેમાં પણ કોરોના ન નીકળ્યો. પછી ડોક્ટરે એમઆરઆઈ કરવાનુ કીધું જે જોઈને ડોક્ટરે કહ્યું કે ફૂગનું ઈન્ફેક્શન છે. એટલે તુરંત જ અમે સિવિલ પહોંચ્યા કારણ કે બધા મજૂરો છીએ. ઈંજેક્શન ખરીદી શકાય તેમ નથી. રવિવારે આવ્યા તો તુરંત જ બેડ મળી ગયો અને બુધવારે સર્જરી પણ થઈ ગઈ અને સિવિલમાં બધા સારું ધ્યાન આપે છે.’

પિતાને હજુ સ્થિતિ જણાવી નથી
મયૂરીના પિતા હરેશભાઈ ભોળા અને લાગણીશીલ સ્વભાવના છે તેથી તેઓને મ્યુકરમાઈકોસિસ અંગે કશુ જણાવાયું જ નથી અને હજુ તેઓ ગામડે જ છે. રાજકોટ સિવિલમાં મયૂરીના માતા હંસાબેન તેમજ મામા વિરમભાઈ તેની કાળજી લઈ રહ્યા છે.

કોરોના મટી ગયો હોય તેવી શક્યતા
વિરમભાઈ જણાવે છે કે કુચિયા ગામમાં કોરોનાના કેસ હતા. કદાચ તેમના બહેન (હંસાબેન) અથવા બનેવી હરેશભાઈ સહિતના પરિવારમાં કોઇને કોરોના થયો હશે પણ તાવની દવા લેતા મટી ગયો હોય તેવું બને, આ સિવાય કોઇ બીમાર પડ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...