ચૂંટણીમાં રાજકોટ એરપોર્ટ ચાર્ટર પ્લેનથી ધમધમ્યું:પહેલા મહિને માત્ર 1-2 પ્લેન લેન્ડ થતા, છેલ્લા 1 મહિનામાં 250 પ્લેનની મુવમેન્ટ, અમદાવાદ બાદ રાજકોટ બીજા નંબરે

રાજકોટ3 મહિનો પહેલા
ચાર્ટર પ્લેનની ફાઈલ તસવીર.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઘંટનાદ સાથે રાજકોટ એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનની અવરજવર પણ વધી છે. ચૂંટણીના આ મહાસંગ્રામમાં એક મહિનામાં 250 જેટલી ચાર્ટર પ્લેનની મુવમેન્ટ નોંધાઈ છે. રાજકોટ એરપોર્ટ પર અત્યારસુધી ફ્લાઈટની અવરજવર પણ ખૂબ જ ઓછી હતી. જેની તુલનામાં છેલ્લા બે વર્ષથી શેડ્યુલ ફ્લાઈટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એક દિવસમાં 11થી 14 ફ્લાઈટની ઉડાન હોય છે. જ્યારે નોન શેડ્યુલ એટલે કે ચાર્ટર પ્લેનની અવરજવર ખૂબ જ ઓછી હતી. મહિનામાં જુજ એકાદ-બે ચાર્ટર પ્લેન લેન્ડ થતા. જ્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અસર સૌથી વધારે નોંધાઈ છે. અમદાવાદ પછી રાજકોટ ચાર્ટર પ્લેનની મુવમેન્ટમાં બીજા ક્રમે છે. પાંચ અને સાત સીટરના પ્લેન વધુ બુક થયા છે.

રાજકીય નેતાઓની સતત વધતી મુલાકાત
સૌરાષ્ટ્ર્રમાં રાજકોટ આ વખતની ચૂંટણી માટે એપી સેન્ટર બન્યું છે ત્યારથી રાજકીય આગેવાનો અને નેતાઓની રાજકોટ માટેની મુલાકાત વધી છે. જેને લઈને અમદાવાદ, સુરતની જેમ રાજકોટ એરપોર્ટ પણ ચાર્ટર ફ્લાઈટના ઓપરેશનમાં વ્યસ્ત થયું છે.

20 નવેમ્બરે મોદી સૌરાષ્ટ્રમાં ચાર સભા યોજશે, આ સમયે ચાર્ટર પ્લેન ધમધમશે.
20 નવેમ્બરે મોદી સૌરાષ્ટ્રમાં ચાર સભા યોજશે, આ સમયે ચાર્ટર પ્લેન ધમધમશે.

આ મુવમેન્ટ 300ના આંકને થઈ જશે
ચાર્ટર મુવમેન્ટની વાત આવે ત્યારે અત્યારસુધી અમદાવાદ એરપોર્ટ અગ્રેસર રહેતું હતું. કારણ કે, આ એરપોર્ટ પર નેતાઓ અને ઉદ્યોગપતિઓનું આવાગમન વધુ રહ્યું છે. બીજી તરફ રાજકોટ એરપોર્ટ પર સપ્ટેમ્બરથી લઈ નવેમ્બર સુધીમાં 250થી વધુ ચાર્ટર ફ્લાઈટની મુવમેન્ટે રેકોર્ડ સર્જ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થશે ત્યાં સુધીમાં આ મુવમેન્ટ 300ના આંકને પણ પાર થઈ જશે તેવું એરપોર્ટ ઓથોરિટીના સુત્રો જણાવી રહ્યા છે.

કોરોનાકાળમાં એર એમ્બ્યુલન્સ બાદ ચૂંટણીમાં ચાર્ટર પ્લેનનું આવાગમન
કોરોનાકાળમાં એર એમ્બ્યુલન્સ સૌથી વધુ રાજકોટ એરપોર્ટ પર આવી હતી. ત્યારબાદ ચાર્ટર ફ્લાઈટની મુવમેન્ટમાં છેલ્લા દોઢ મહિનામાં 250થી વધુ ચાર્ટર પ્લેનની મુવમેન્ટ થઈ છે. જેમાં સૌથી વધુ રાજકીય પક્ષો દ્વારા ચાર્ટર ફ્લાઈટનો ઉપયોગ થયો છે. આપના નેતા કેજરીવાલથી લઈને ભાજપના મંત્રીઓ અને નેતાઓએ ચાર્ટર પ્લેન બુક કરાવ્યા હતા.

21મીએ રાહુલ ગાંધી રાજકોટ આવશે ત્યારે કોંગ્રેસના નેતાઓ ચાર્ટર પ્લેનમાં આવે તેવી શક્યતા.
21મીએ રાહુલ ગાંધી રાજકોટ આવશે ત્યારે કોંગ્રેસના નેતાઓ ચાર્ટર પ્લેનમાં આવે તેવી શક્યતા.

એરપોર્ટ પર એપ્રન વધતા ચાર્ટર ફ્લાઈટની સંખ્યા વધી
રાજકોટ એરપોર્ટ પર અત્યારસુધી એરક્રાફ્ટના પાર્કિંગ માટે એક જ એપ્રન હતું. ત્યારબાદ હવે નવા ચાર પાર્કિંગ વધતા ચાર્ટર ફ્લાઈટને સરળતાથી લેન્ડીંગ અને ટેકઓફ કરાવી શકાય છે. પાર્કિંગના લીધે ચાર્ટર ફ્લાઈટની સંખ્યા વધી છે.

કેજરીવાલના સતત રાજકોટ પ્રવાસથી ચાર્ટર પ્લેનનું આવાગમન વધ્યું.
કેજરીવાલના સતત રાજકોટ પ્રવાસથી ચાર્ટર પ્લેનનું આવાગમન વધ્યું.

20મીએ મોદી અમરેલી, ધોરાજી તો 21મીએ રાહુલ ગાંધીની રાજકોટમાં સભા
20 નવેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીની ચાર જાહેર સભા યોજાશે અને ચૂંટણી પ્રચાર કરશે. ત્યારે આજે રાજકોટ એરપોર્ટ પર ખાસ વિમાનો સાથે SPG કમાન્ડોનું આગમન થયું છે. આવતીકાલે રાજકોટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને સી.આર. પાટીલ રાજકોટમાં જનસભાને સંબોધશે. તેમજ કાલે જ મોરબી પંથકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ચૂંટણી પ્રચાર કરશે. તેમજ 21મીએ અમરેલી અને રાજકોટમાં રાહુલ ગાંધીની સભા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...