કોરોનાકાળમાં અનેક કૌભાંડીયાઓ અલગ અલગ રીતે કૌભાંડ આચરી રહ્યાં છે. જેમાં વધુ એક રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે. જેમાં કૌભાંડીઓએ જુદા જુદા પેથોલોજીસ્ટો સાથે ઓનલાઈન ફ્રોડનો નવતર નુસખો આદર્યો છે. ફોન કરી આર્મીમાંથી બોલતા હોવાનું કહી કેટલાંક આર્મી જવાનોના કોરોના રીલેટેડ બ્લડ ટેસ્ટ માટે ટેલિફોનિક પૂછતાછ કર્યા બાદ ડીલ ફાઈનલ કરીને લેબોરેટરી સંચાલક કે તેના સ્ટાફ મેમ્બરના એકાઉન્ટમાંથી હજારો રૂપિયા ઉસેડી લેવામાં આવી રહ્યા છે. જે અંગે પેથોલોજીસ્ટ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
પેથોલોજીસ્ટ દ્વારા સાયબર ક્રાઇમમાં અરજી કરી યોગ્ય કાર્યવાહી માંગ કરી
ગુજરાત એસોસિયેશન ઓફ પેથોલોજીસ્ટ્સ એન્ડ માઈક્રો બાયોલોજીસ્ટ્સ દ્વારા આજે રાજકોટમાં ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસને આ બાબત લેખિત ફરિયાદ અરજી આપીને સાયબર ક્રાઈમ સેલ મારફત તપાસની માગણી ઉઠવવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, પેથોલોજીસ્ટોને જુદા જુદા નંબરો પરથી ફોન આવે છે કે, અમે તમારા શહેર કે જિલ્લામાં ડયૂટી પર મૂકાયા છીએ અને પંદર-વીસ જવાનોને સીઆરપી, સીબીસી, ડી-ડાઈમર વગેરે ટેસ્ટ કરવાના છે માટે ક્વોટેશન આપો.
ખાતામાં જે બેલેન્સ હોય તે પણ ઉસેડી લેવાય છે
ક્વોટેશન મોકલાય તે પછી ફરી ફોન કરી આર્મીના છે તો ડિસ્કાઉન્ટ કરી દો. ડિસ્કાઉન્ટ સાથે ડીલ ફાઈનલ થયે જણાવાય છે કે તમારો જે માણસ સેમ્પલ કલેક્ટ કરવા આવવાનો હોય તેનું આધારકાર્ડ મોકલો જેથી અહીં કેમ્પસમાં એન્ટ્રી માટેનો ગેટ પાસ કઢાવી શકાય. કર્નલ પોતાના પણ ફોટા, કાર્ડ મોકલતા હોય છે. બાદમાં, ગૂગલ પે અથવા ફોન પે અથવા એમેઝોન પે અથવા પેટીએમ યુપીઆઈ મારફત જ પેમેન્ટનો આગ્રહ રાખી એકાઉન્ટ ચેક કરાવવા પાંચ દસ રૂપિયાની પરસ્પર આપ-લે પણ કરાવે છે. એ દરમિયાન મોબાઈલ પર લિન્ક મોકલતા રહી ઝડપ રાખવાનું કહીને પાંચે'ક વખત લિન્ક ક્લિક કરી ઓકે કરાવતા રહીને પૈસા આપવાનું તો દૂર ઉલ્ટાનું જે બેલેન્સ હોય તે પણ ઉસેડી લેવાય છે.
સ્ટાફ મેમ્બરે પૈસા ગુમાવ્યાના કિસ્સા પણ બન્યા છે
એસો.ના પ્રમુખ ડો. રાજેન્દ્ર લાલાણીએ જણાવ્યું કે, ચીટરોએ ક્યાંકથી પેથોલોજીસ્ટ્સના નંબર વેચાતા મેળવી લીધાનું લાગે છે. મોટાભાગના સિનિયર પેથોલોજીસ્ટ તો ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ વાપરતા નહીં હોવાથી કોઈ સ્ટાફ મેમ્બરને સોંપી દેતા હોય છે. જેમાં સ્ટાફ મેમ્બરે પૈસા ગુમાવ્યાના કિસ્સા પણ બન્યા છે. રાજ્યના જુદા જુદા ઝોનના ડોક્ટરોના સોશિયલ મીડિયાના ગ્રુપમાં રોજ મેસેજ મૂકતા રહીને એસો.ને સાવધાન રહેવા તાકીદ કરી એટલે અનેક ડોક્ટરો સાથે ચીટિંગ થતું અટક્યું પણ તે છતાં કેટલાંયના પૈસા તો ગયા જ.
તસ્વીરમાં સાચે જ કોઈ આર્મી ઓફિસર લાગે
ઉલ્લેખનીય છે કે કૌભાંડીઓ કોલર આઈડીમાં આર્મીનો યુનિફોર્મ પહેરેલા વ્યક્તિનો ફોટો, ઉપરાંત વિશ્વાસ બેસાડવા મોકલાતા પરમેનન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ અને ઓળખપત્રમાં પણ ફોટા, નામ વગેરે જોય-વાંચીને કોઈને પણ એમ જ લાગે કે માણસ તો સાચે જ કોઈ આર્મી ઓફિસર લાગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.