તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘ફી’ નહીં તો ‘ફ્રી’ નહી:રાજકોટના ખાનગી સ્કૂલ-સંચાલકોની ધમકી, ‘જે વાલીઓએ ક્યારે ફી ભરશે તેવી સ્પષ્ટતા નથી કરી એવા વિદ્યાર્થીઓનું જ ઓનલાઈન શિક્ષણ બંધ કરાશે!’

રાજકોટ10 મહિનો પહેલા
વાલીઓ 10 ડિસેમ્બર સુધી ફી નહીં ભરે તો તેમનાં બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે. - Divya Bhaskar
વાલીઓ 10 ડિસેમ્બર સુધી ફી નહીં ભરે તો તેમનાં બાળકોનું ઓનલાઈન શિક્ષણ બંધ થઈ જશે.
  • ચોરી પર સિનાજોરી કરતાં પાછા સંચાલકો ફી ન ભરી શકે તેવા વાલીઓને સરકારની ચેનલ પર સંતાનોને ભણાવવાની સલાહ આપે છે
  • કોરોનાના હાહાકાર વચ્ચે કોઈપણ ભોગે સ્કૂલો ખોલવા મરણિયા બનેલા શિક્ષણમંત્રીનું સમગ્ર મામલે ભેદી મૌન

અત્યાર સુધીમાં ક્યારેય ફી નહીં ભરનાર કે શાળાનો સંપર્ક કરી ફી અંગેની કોઈપણ પ્રકારની સ્પષ્ટતા નહીં કરનાર વાલીઓ સામે શાળા સંચાલકોએ ફરી ‘ફી નહીં તો ફ્રી નહીં’ની ફોર્મ્યુલા લાગુ કરી છે. આગામી તારીખ 15 ડિસેમ્બરથી એવા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાશે જેના વાલીઓએ અત્યાર સુધીમાં કોઈપણ પ્રકારની ફી ભરી જ નથી, સ્કૂલનો સંપર્ક કર્યો જ નથી, પોતે ક્યારે ફી ભરશે તેવી કોઈ સ્પષ્ટતા નથી કરી, પોતે ફી ભરવા સક્ષમ નથી તેવું પણ જણાવ્યું નથી.

વાલીઓએ શાળાને પોતાની પરિસ્થિતિ વિશે વાકેફ કર્યા છે તેઓનું શિક્ષણ ચાલુ રહેશેઃ મંડળના ઉપપ્રમુખ
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતિન ભરાડે જણાવ્યું હતું કે, જુનથી લઈ અત્યાર સુધીમાં જે વાલીએ એક પણ રૂપિયાની ફી ભરી ન હોય અને ફોન કરવાછતાં ફોન ઉપાડ્યા ન હોય, શાળા સંચાલકને પોતાની પરિસ્થિતિથી વાકેફ કર્યા ન હોય તેવા વાલીઓના જ સંતાનોનો ઓનલાઈન અભ્યાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જે વિદ્યાર્થીને ઓનલાઈન શિક્ષણની જરૂર જ ન હોય તો તેને આપવાની જરૂર પણ નથી. જે વાલીઓએ શાળાને પોતાની પરિસ્થિતિ વિશે વાકેફ કર્યા હોય તેવા વાલીઓના સંતાનોનું ઓનલાઈન શિક્ષણ બંધ થશે નહીં.

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતિન ભરાડ
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતિન ભરાડ

આ નિર્ણય સમગ્ર ગુજરાતના જિલ્લાને લાગુ પડશે
જતીન ભરાડે વધુમાં જણાવ્યું હતું કે, આ માત્રને માત્ર એવા વાલીઓ માટે છે જેઓએ 6 મહિનામાં એક પણ રૂપિયો ફી ભરી નથી. આવતા ત્રણ કે ચાર મહિનાની અંદર ફી ભરવા માગતા નથી અને શાળાને કોઈ જવાબ પણ આપવા માગતા નથી તેવા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અમારા મંડળે આ નિર્ણય લીધો છે. 15 ડિસેમ્બર સુધીમાં વાલીઓ કોઈ જવાબ ન આપે તો તેનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવું. આ નિર્ણય સમગ્ર ગુજરાતના જિલ્લાને લાગુ પડશે. 85થી 90 ટકા વાલીઓ માટે કોઈ જ સમસ્યા નથી. 55થી 60 ટકા વાલીઓએ ફી ભરી દીધી છે. 20થી 25 ટકા વાલીઓએ પોતાની પરિસ્થિતિ શાળાને જણાવી છે. આ માત્રને માત્ર એવા વાલીઓ છે કે જે ફી ભરવા પણ માગતા નથી, ફોન ઉપાડવા પણ માગતા નથી. આ અંગે સરકાર સાથે કોઈ વાતચીત થઈ નથી.

શિક્ષણ તો બંધ ન જ કરી શકાય
મોટાભાગના વાલીઓએ સ્કૂલની થોડી કે વધુ ફી તો ભરી છે, હવે જે વાલીઓએ સાવ ફી નથી ભરી એવા ખૂબ ઓછા હશે, પરંતુ છતાં શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓનું શિક્ષણ તો બંધ ન જ કરવું જોઈએ. હજુ શૈક્ષણિક વર્ષ પૂરું થવાને પણ ઘણો સમય બાકી છે એટલે અત્યારથી બાળકોનું શિક્ષણ બંધ કરી દેવું યોગ્ય નથી અને બંધ ન જ કરવું જોઈએ. શાળા સંચાલકોએ આ પ્રકારના પ્રશ્નો સરકારમાં રજૂ કરવા જોઈએ.> બી.એસ. કૈલા, જિલ્લા શિક્ષણાધિકારી

ખાનગી સ્કૂલને સર્વાઈવલના પ્રશ્નો થતાં આ નિર્ણય કરાયાનો દાવો
રાજકોટની સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું 15મી ડિસેમ્બરથી ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાનો અને વાલીઓને સરકારની ચેનલ મારફત સંતાનોને ભણાવવાની સલાહ આપવાનો નિર્ણય કર્યો છે. ખાનગી સ્કૂલને સર્વાઈવલના પ્રશ્નો થતાં આ નિર્ણય કરાયાનો દાવો થઈ રહ્યો છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ-પ્રમુખ જતીન ભરાડ દ્વારા આજે પ્રેસ-કોન્ફરન્સ યોજી નિર્ણય સંભળાવ્યો હતો. આ નિર્ણયમાં મોટા ભાગની સ્કૂલો જોડાય એવી શક્યતા છે.

આ પણ વાંચોઃ વાલીઓ કહે છે, બસ હવે બહુ થયું, આ ઓનલાઇન શિક્ષણનું તૂત બંધ કરો, આમેય એનાથી વિદ્યાર્થીઓને નુકસાન જ થતું હોય છે

અગાઉ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા બાબતે બે મોટાં ખાનગી શાળા-સંચાલક મંડળ વચ્ચે ફાંટા પડી ગયા હતા
ચાર મહિના પહેલાં પણ શાળા-સંચાલકોમાં ભાગલા પડ્યા હતા અને ઓનલાઈન શિક્ષણ બંધ કરવાને લઈને વિવાદ સર્જાયો હતો. કોરોના મહામારી વચ્ચે ખાનગી સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવા ઉઘરાણીના વિવાદ વચ્ચે રાજ્યના સૌથી મોટા ખાનગી શાળા-સંચાલક મંડળે ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે બીજી તરફ, ગુજરાત રાજ્ય શાળા-સંચાલક મહામંડળે સ્પષ્ટતા કરી હતી કે ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે તેમની સંસ્થાએ કોઈ નિર્ણય લીધો નથી. રસપ્રદ હતું કે સરકારે સ્કૂલ ખૂલતા સુધી ફી નહીં વસૂલવાનો ઠરાવ કર્યો હતો, ત્યારે ગુજરાત રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકોની બેઠક મળી હતી અને તેમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. આમ, ઓનલાઈન શિક્ષણ બંધ કરવા બાબતે બે મોટાં ખાનગી શાળા-સંચાલક મંડળ વચ્ચે ફાંટા પડી ગયા હતા

આ પણ વાંચોઃ ઓનલાઈન ક્લાસીસ માટે ટ્યૂશન ફી વસૂલવા ખાનગી સ્કૂલોને ગુજરાત હાઈકોર્ટની મંજૂરી

વાલીઓની વારંવાર રજૂઆત બાદ ફરી ઓનલાઈન શિક્ષણ શરૂ થયું હતું
ચાર મહિના પહેલાં ઓનલાઈન શિક્ષણ બંધ થતાં વાલીઓની વારંવાર રજૂઆતો બાદ આખરે રાજ્યની 16 હજાર ખાનગી સ્કૂલોના 43 લાખ વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. ફી ભરી હોય કે ન ભરી હોય, તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનું ફરીથી શરૂ થયું હતું. ખાનગી સ્કૂલોને લોકડાઉન દરમિયાનની ફી ન લેવાના સરકારના નિર્ણય સામે સ્કૂલ-સંચાલકોએ ઓનલાઈન ક્લાસ બંધ કર્યા હતા. જોકે સરકાર પણ લડાયક મૂડમાં આવી જતાં સંચાલકોની મીટિંગમાં ઓનલાઈન ક્લાસ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો અને ઓનલાઈન શિક્ષણ ફરી શરૂ થયું હતું.

શિક્ષણમંત્રીને કોરોનામાં સ્કૂલો ચાલુ કરવી છે, પણ સંચાલકો સામે ‘ચૂપ’
ઉલ્લેખનીય છે કે, આપણા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કોઈ પણ ભોગે 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરાવવા માગતા હતા. કોરોનાના આ કપરાકાળમાં પોતાની નાહકની જીદને લીધે બિચારા બાળકોનું શું થશે તેનો તેમણે વિચાર સુદ્ધાં કર્યો નહોતો. આ તો મામલો દિલ્હી દરબારમાં પહોંચ્યો અને ગુજરાત સરકારને હમણાં સ્કૂલો શરૂ ન કરવા સૂચના મળી એટલે આ નિર્ણય પડતો મૂકાયાનું સૂત્રો કહે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે હજારો વિદ્યાર્થીઓને ફક્ત ફીના મામલે શિક્ષણ બંધ કરી દેવાની આમ ખાનગી સ્કૂલ સંચાલકો ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા હોય તો પણ શિક્ષણમંત્રી ચૂપ છે. આ મામલે લોકોમાં ભારે આશ્ચર્ય છે.

15મીથી ઓનલાઈન શિક્ષણ બંધનો નિર્ણય આખા ગુજરાતમાં લાગુ પડશે
ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતિન ભરાડે વધુમાં જણાવ્યું હતું કે, આ માત્રને માત્ર એવા વાલીઓ માટે છે જેઓએ 6 મહિનામાં એક પણ રૂપિયો ફી ભરી નથી. આવતા ત્રણ કે ચાર મહિનાની અંદર ફી ભરવા માગતાં નથી અને શાળાને કોઈ જવાબ પણ આપવા માગતાં નથી તેવા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અમારા મંડળે આ નિર્ણય લીધો છે. 15 ડિસેમ્બર સુધીમાં વાલીઓ કોઈ જવાબ ન આપે તો તેનું ઓનલાઈન શિક્ષણ બંધ કરવું.